જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા
મંગરા-ભોરારા રોડ પર ટ્રક ચાલકે બાઈકને ઉડાવતા યુવાનનું મોત, બે ઘવાયા : બાલાસરમાં ઓવરટેક કરતી વખતે અલ્ટો ગાડીમાં ભટકાતા બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું મોત : ગાંધીધામામાં આઈવા ચાલકે અચાનક ટર્ન લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનો જીવ ગયો
ગાંધીધામ : જિલ્લામાં માર્ગ અકસ્માતની વધુ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થવા સાથે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
મુન્દ્રા તાલુકાના મંગરા-ભોરારા રોડ પર આવેલ ઉમિયા કૃપા ફાર્મહાઉસ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ આઈવા ટ્રક નં.જીજે૧ર - એયુ - ૭પપ૦ ના ચાલક મોખાના રોહિતસિંહ જાડેજાએ પોતાના કબજાની ટ્રક પૂર ઝડપે ચલાવી સામેથી આવતી બાઈક નં.જીજે૧ર - એચઈ - ૪૩૧૦ ને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવાનો ઘવાયા હતા. જેમાં ગોયરસમાના અર્જુનસિંહ ચતુરસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા રણજીતસિંહ જાડેજા અને મંથન મહેશ્વરીને ઈજાઓ થઈ હતી. બનાવ બાબતે હતભાગીના ભાઈ કરણસિંહ રાઠોડે આરોપી ટ્રક ચાલક સામે મુન્દ્રા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસના ચક્રોને ગતિમાન બનાવ્યા છે.
રાપર તાલુકાના બાલાસર ગામે દ્વારકાધીશ હોટલ નજીક અકસ્માત થયો હતો. ફરિયાદી ગેડી ગામના વજાભાઈ હાજાભાઈ દૈયાના જણાવ્યા પ્રમાણે બાઈક નં.જીજે૧ર - ડીઆર - ૧૧૪૧ ના ચાલક દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના કબજાની બાઈક પૂર ઝડપે ચલાવી આગળ જતા મોટા વાહનને ફુલ સ્પીડમાં ઓવરટેક કરવા જતા સામેથી રોંગ સાઈડમાં આવતી ફરિયાદીની અલ્ટો ગાડી નં.જીજે૦૧ - કેવાય - ૬પ૮૦ સાથે ભટકાવતા બાઈક પાછળ બેઠેલા બાલાસરના શંભુભાઈ પરબતભાઈ ચૌહાણને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. આરોપી દિનેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. બાઈકમાં ૩૦ હજાર અને અલ્ટો ગાડીમાં ૧.૩૦ લાખનું નુકશાન થયું હતું. જેથી બાલાસર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
ગાંધીધામ રેલવે સ્ટેશનથી ગાંધીધામ આવતા સર્વિસ રોડ પર ગુડસાઈડ પુલિયા પાસે અકસ્માત થયો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાટા આઈવા નં. જીજે૩૯ - ટીએ - ૯૩૯૭ ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે ચલાવી અચાનક ટર્ન લઈ ફરિયાદી બાઈક નં.જીજે૧ર - ઈબી - ૦૬પ૮ ને હડફેટે લેતા ફરિયાદીને મુઢ ઈજાઓ થઈ હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલા ઈરફાન ગફુર બુચડને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ બાબતે કિડાણાના હાજીભાઈ આમદભાઈ સાયચાએ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી આઈવાના ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Comments