વોંધ પુલિયા પાસે ૧૯ કિલો ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા
મહારાષ્ટ્રના રિક્ષા ડ્રાઈવર, વેઈટર સહિતના આરોપીઓ માલની ડિલિવરી આપવા માટે આવ્યા હતા, સ્થાનિકના ખરીદદાર કોણ ? તે દિશામાં તપાસ આદરાઈ
ભચાઉ : પૂર્વ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની બદી અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે, વોંધ પુલિયા પાસે ત્રણથી ચાર ઈસમો માદક પદાર્થની ડિલિવરી આપવા માટે આવ્યા છે. જે બાતમીના આધારે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. વોંધ પુલિયા પાસે પહોંચીને પોલીસે શકદાર એવા ઈસમોને કોર્ડન કરી પુછપરછ કરતા અંગ ઝડતી દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. તપાસ કરતા કુલ ૧૯.૧પ૧ કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિમંત ૧,૯૧,પ૧૦ આંકવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રના રિક્ષા ડ્રાઈવર તૌસિકખાન શબીરખાન, વેઈટર ગજાનન અંબાદાસ ખડશે, વીકી વિજયરાવ કાલે અને વિકાસ ઔધુત ઈગલેને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, મહારાષ્ટ્રના આ ચારેય શખ્સો માલ આપવા માટે આવ્યા હતા. ડિલિવરી આપવાના હતા તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. સ્થાનિકે ગાંજાની ખરીદી કરનાર કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ભચાઉ પીઆઈ એ.એ.જાડેજા, પીએસઆઈ ડી.જી. ઝાલા સહિતના કાર્યવાહીમાં જોડાયા હતા. ચારેય આરોપીઓ સામે ભચાઉ પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની ક્રોસ તપાસ ગાગોદર પીઆઈ વી.એ. સેગલને સોપવામાં આવી છે. પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં બેફામ પણે દારૂની સાથે નશાકારક પદાર્થો વેચાતા રહે છે ત્યારે આ દિશામાં તપાસ કરવામાં આવે તો હકીકતો સામે આવે તેમ છે.

Comments