Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની જગતીપીઠિકા પૂજનનો કાર્યક્રમ યોજાયો

19 May



ભુજ : શહેરના એરપોર્ટ રિંગરોડ પર નિર્માણ થઈ રહેલ શાંતિ, પ્રેમ અને સંવાદિતાનું અભિનવ તીર્થ, ભુજની ધરતી પર આકાર લઈ રહેલ સંગેમરમરનું સંસ્કૃતિધામ એવું બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. તા. ૬-૪-૨૩ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભુજ ખાતે સ્વયં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કરેલ તે મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીતાનંદ સ્વામી સહિત અવતારોના સ્વરૂપો બિરાજમાન થવાના છે તેવા મંદિરમાં જગતીપીઠિકા સ્થાપન માટેનું પૂજન તાજેતરમાં સુરત ખાતે બિરાજમાન પૂ.મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંપન્ન થયું હતું. 
ભુજ ખાતે નિર્માણાધીન આ મંદિર છે જીવન ઘડતરનું વિશ્વવિદ્યાલય, વૈવિધ્યસભર વિશેષતાઓનું ધામ, સનાતન આરાધ્ય સ્વરૂપોનું દિવ્ય દર્શન, વિવિધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર તથા લોક સેવાની ભાગીરથી અહીંથી વહેવાની છે, ૧૩ એકર વિશાળ ભૂમિ પર નિર્માણ થનાર આ મંદિર પરિસરમાં સનાતન ધર્મની શાસ્ત્રીય પરંપરા મુજબ અભિનવ તીર્થધામ રચાઇ રહ્યું છે ૧,૧૦,૦૦૦ ઘનફુટ રાજસ્થાની આરસમાંથી નિર્માણ થનાર આ મંદિરમાં હિમાલયના ઉત્તુંગ શિખરો સમાન પાંચ શિખર બે ઘૂમટ તથા ૨૦ ઘુમટીઓ ૧૫૨ સ્તંભો તથા ૧૫૦ ધોરણ અને શ્રીહરિના લીલાશિલ્પોથી શોભતી બેનમૂન જગતીપીઠિકા પ્રસ્થાપિત થશે, આ જગતીપીઠિકાનું પૂજન તાજેતરમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા સુરત ખાતે સંપન્ન થયું હતું.  
સનાતન ધર્મના અવતારો, દેવતાઓ, ગાંધર્વો, મહાન ભક્તો તેમજ પરમહંસોના ૪૦૦થી વધુ સુંદર રૂપશિલ્પો સહિતનું આ મંદિર કચ્છ સહિત સમગ્ર ગુજરાત માટે એક તીર્થસ્થાન બની રહેશે. મંદિર પરિસર ઉપરાંત પ્રેમવતી ઉપહારગૃહ, કચ્છનો ઇતિહાસ અને દેશની અસ્મિતા સાથે ભગવાન સ્વામિનારાયણના કચ્છ પ્રદેશના ચરિત્રોને વિવિધ માધ્યમોથી પ્રદર્શિત કરતું વિશાળ પ્રદર્શન ખંડ, સ્વાગતકક્ષ, અભિષેક મંડપમ, પ્રદક્ષિણા, યાત્રિકો માટે વિશાળ રસોડું અને ભોજનશાળા, ૪,૫૦૦ બેઠકની ક્ષમતા વાળો ભવ્ય સભામંડપ તેમજ બાલ-બાલિકા યુવા-યુવતી અને મહિલા પ્રવૃત્તિના ખંડો, ઉપરાંત સત્સંગ કાર્યાલયો, વિદ્વાન અને સત્સંગસેવા રત સંતો માટેના સંતનિવાસ, સંસ્કાર યુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને રહેવાની સુવિધાસજ્જ છાત્રાવાસ સહિત યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા સહિતના બાંધકામોનું કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે 
તાજેતરમાં યોજાયેલ જગતીપીઠિકા પૂજનના કાર્યક્રમમાં ભુજ મંદિરના કોઠારી પૂ. વિવેકમંગલ સ્વામી, પૂ. પરમચૈતન્ય સ્વામી પૂ. સ્નેહજીવન સ્વામી સહિત તમામ સંતો તથા વિશાળ સંખ્યામાં હરિભક્તો ભાઈઓ તથા બહેનો ખાસ બસની વ્યવસ્થા કરી સુરત કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કોઠારી સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ સંભાળી હતી, પૂજ્ય મહંતસ્વામી મહારાજે કચ્છમાં સર્વે તન, મન, ધનથી સુખી થાય અને પ્રગતિ કરે તથા મંદિરનું કાર્ય ઝડપભેર પૂર્ણ થાય અને સૌ સત્સંગના માર્ગે ચાલે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
--

Comments

COMMENT / REPLY FROM