Trending News
સ્થાનિક સમાચાર

વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસની તૈયારીઓનો ધમધમાટ

19 May



વહિવટીતંત્રમાં શ્રેણીબદ્ધ બેઠકનો દૌર શરૂ : પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે મળી બેઠક : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેકટરશ્રી ડો. આનંદ પટેલ, ડીપીએ-કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમાર સીંગ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ સહિતના રહ્યા ઉપસ્થિત


સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યપ્રધાન પદે સેવારત હતા ત્યારે તો ૮૪થી વધુ વખત કચ્છની રૂબરૂ મુલાકાત લઈ અને નવો વિક્રમ બનાવી કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી તેઓએ દર્શાવી જ છે, પરંતુ પીએમ બન્યા બાદ ૧૦થી વધુ વખત કચ્છથી રૂબરૂ થઈ ચુકેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત ભુજ ખાતે જનસભા સંબોધવા પધારી રહ્યા છે કચ્છ, આપણે કચ્છીજનો આ જનસભામાં ઉમળકાભેર પધારીએ અને મોદીજીના વિશેષ સ્નેહનો જીલીએ પડધો : વિનોદભાઈ ચાવડા(સાંસદશ્રી)




ભુજ : સવાયા કચ્છી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ મહિનાના અંતિમ સપ્તાહે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે જિલ્લા વહિવટીતંત્ર અને પાર્ટી સંગઠનમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભવતઃ ર૬મી મેના કચ્છના પ્રવાસે આવશે. તેઓ દેશ દેવી મા આશાપુરાના સ્થાનક માતાનામઢમાં દર્શન કરી ભુજમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. ભારત - પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ભુજમાં જાહેરસભાને સંબોધન કરવાના હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસને લઈ જિલ્લા વહિવટીતંત્ર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. જિલ્લા સેવા સદન ખાતે કચ્છ પ્રભારીમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને જિલ્લા કલેકટર આનંદ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કાર્યક્રમને લઈ વિવિધ વિભાગોને જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી છે. આ સભામાં અંદાજીત ૧ લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. સભા સ્થળે સુરક્ષા વ્યવસ્થાથી માંડી લોકો માટે પીવાના પાણી, ફૂડ પેકેટ, આવવા જવા માટે બસની વ્યવસ્થા, પાર્કિંગ, વીજળીની વ્યવસ્થા વગેરે માટે જવાબદારીની ફાળવણી કરવામાં આવી હતી. 
બેઠક પૂર્વે કચ્છ પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેકટર આનંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતનાઓએ જનસભા સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. 
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,  પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સૂંડા,  
ડીપીએ ચેરમેનશ્રી સુશિલકુમાર સિંગ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, આગેવાનશ્રી દેવજીભાઇ વરચંદ તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.



.........................

ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વ્યવસ્થા ગોઠવવા સૂચન 


ભુજ પ્રાંત કચેરી ખાતે તાલુકા સરપંચો અને તલાટીઓની મળી બેઠક 



ભુજ : પ્રાંત કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ કાર્યક્રમને લઈ ભુજ તાલુકા સરપંચ અને તલાટીઓની બેઠક મળી હતી. પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ગ્રામ્ય સુકાની અને તલાટીઓને વડાપ્રધાન મોદીના ર૬મી મેના કચ્છ પ્રવાસ અંગે ગ્રામજનો સુધી માહિતિ પહોંચાડવા અનુરોધ કરાયો હતો. પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ર૬મી મેના ભુજ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે, જેમાં ઉપસ્થિત રહેવા ઈચ્છતા ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ અસુવિધા ન થાય અને તેમના આવવા જવાની સુચારૂં વ્યવસ્થા ગોઠવવા માટે સરપંચ અને તલાટીઓને અનુરોધ કરાયો છે.



..................


પ્રધાનમંત્રીની વિશાળ જનસભાની તૈયારીઓ ચકાસાઈ



પ્રભારી મંત્રી સહિતનાઓએ મિરજાપર રોડ પર સભા સ્થળની સમીક્ષા કરી જરૂરી સુચનો આપ્યા




ભુજ : આગામી ર૬ મી તારીખે દેશના વડાપ્રધાન અને સવાયા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદી કચ્છના પ્રવાસે છે. બપોર પછી તેઓ ભુજમાં મીરજાપર રોડ પર ટાઈમ સ્કવેરની સામે આવેલા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધીત કરવાના છે. અંદાજે એક લાખ લોકો આ સભામાં ઉમટે તેવી શક્યતાઓ છે. વહીવટી તંત્ર દ્વારા પીએમની મુલાકાતને પગલે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સભા સ્થળે ડોમ ઉભો કરવા સાથે એરપોર્ટથી સભા સ્થળ સુધીના રસ્તાનું રીનોવેશન પણ થઈ રહ્યું છે. આજે કચ્છના પ્રભારી અને રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા કલેકટર આનંદ પટેલ, રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ડીડીઓ ઉત્સવ ગૌતમ સહિતનાઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ માર્ગ અને મકાનના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.




.......................


સવાયા કચ્છી વડાપ્રધાન મોદીને સાંભળવા કચ્છવાસીમાં ઉમંગ : પ્રફુલ્લભાઈ પાનસેરિયા 


કચ્છ કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રવાસ કાર્યક્રમ અંગે મળી બેઠક : કચ્છ પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ આપ્યું માર્ગદર્શન : જિલ્લા સંગઠનના પદાધિકારીઓ બેઠકમાં જોડાયા 


ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૬મી મેના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં ઉત્સાહનો સંચાર થયો છે. સવાયા કચ્છી વડાપ્રધાન મોદીને આવકારવા જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે કચ્છ પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં કચ્છ કમલમ ખાતે વડાપ્રધાનના કચ્છ પ્રવાસ સંદર્ભે મહત્વની બેઠક મળી હતી. પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ર૬મીએ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે ભુજ - મિરજાપર રોડ પર જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે. 
ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી જનતાને સંબોધન કરવાના હોઈ દરેક કચ્છવાસીઓને વડાપ્રધાન મોદીને સાંભળવા તેમણે નિમંત્રણ પાઠવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ઉપપ્રમુખ મનીષાબષેન વેલાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલ ગોર, શીતલભાઈ શાહ, જયંતભાઈ માધાપરિયા, વલમજીભાઈ હુંબલ, મહામંત્રી દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, મશરૂભાઈ રબારી, દામજીભાઈ ચાડ, વસંતભાઈ કોડરાણી, ગેલાભાઈ ચાવડા, કુંવરબેન મહેશ્વરી  સહિત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM