વરસામેડીમાં કુખ્યાત બુટલેગરે રબ્બર પાવડરની આડમાં મંગાવેલ ૧૮ લાખનો દારૂ પકડાયો
તળાવ પાસે કટીંગ ચાલુ હતું ત્યારે ત્રાટકેલી એલસીબીએ બે શખ્સોને ઝડપી લીધા : માલ મંગાવનારના સહિત ચાર શખ્સો હાજર ન મળ્યા : કુલ ૭ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂની બદી અટકાવવા માટે વોચમાં રહેલી એલસીબીએ અંજાર તાલુકાના વરસામેડીમાં દરોડો પાડી રબ્બર પાવડરની આડમાં આવેલ ૧૮ લાખનો દારૂ પકડી લીધો હતો. આ સાથે બે શખ્સોની ધરપકડ કરી ૭ર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાનીમાં ટીમ અંજાર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી કે લિસ્ટેડ બુટલેગર વરસામેડીની બાગેશ્રી સોસાયટીમાં રહેતા કાના વેલાભાઈ બઢીયાએ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાવડરની બેગોની આડમાં આયસર ટ્રકમાં મંગાવ્યો છે. આ દારૂ વરસામેડી ગામના તળાવ પાસે પડતર જમીનમાં ઉતારવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે એલ.સી.બી.એ તાત્કાલિક રેડ કરી જ્યાં દારૂનું કટીંગ ચાલુ હતું. રબર પાવડરની બેગો ઉતારી તપાસ કરતા ઉતારતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. વરસામેડીમાં કુખ્યાતજેમાં ૪,૬પ૬ ક્વાટરીયા કિંમત રૂા.૧૩,૯૬,૮૦૦ અને ૧૮૭ર બિયરના ટીન કિંમત રૂા.૪,૧૧,૮૪૦ મળી કુલ ૧૮,૦૮,૬૪૦ નો દારૂ તેમજ ૧૦ લાખની આઈસર ટ્રક નં.આરજે૧૯ - જીજે - ર૪૦૪ તથા ૪૩ લાખની રબ્બર પાવડરની બોરી, બાઈક અને મોબાઈલ મળી કુલ ૭૧,૮૪,૭૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે રાજસ્થાનથી દારૂ લાવનાર જોધપુરના તિલોકચંદ પ્રેમારામ ભાંબુ અને દારૂ ઉતારનાર સામખિયાળીના ઉત્કર્ષ દિપકભાઈ પાંડેને ઝડપી લેવાયા હતા, જ્યારે દારૂ મંગાવનાર કાના બઢીયા, દારૂ ભરી આપનાર જોધપુરનો મુકેશ બાપુરામ બિશ્નોઈ, દારૂ ઉતારનાર વરસામેડીનો મુતુ અને દારૂ મોકલનાર જોધપુરનો સિનિલ બિશ્નોઈ હાજર મળી આવ્યા ન હતા. જેથી તમામ સામે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments