Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની સરકારી શાળાઓમાં રમતગમતના સાધનોની ખરીદીનું મોટું કૌભાંડ...?

18 May

સર્વ શિક્ષા અભિયાન એટલે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર





હેતુથી વર્ષ ર૦રરમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ ક્યાંં વપરાઈ તેની તપાસ જરૂરી : સરકારી શાળાઓમાં રમતગમતના સાધનોની ખરીદીના ચૂકવણા થયા છતાં શાળાઓમાં સાધનો ન પહોંચ્યા ચર્ચા : જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ થાય તો મોટા ષડયંત્રનો થાય ખૂલાસો : શિક્ષણ ક્ષેત્રના જાગૃતોએ વ્યક્ત કર્યો મત




ભુજ : જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેમ સમયાંતરે ગેરરીતિના અનેક કિસ્સાઓ ઉજાગર થતાં હોય છે. ફાટીને ધૂમાળે ગયેલા ભ્રષ્ટાચારી તત્ત્વોએ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને પણ ભ્રષ્ટાચારથી અભડાવી દીધું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કચ્છની પ્રાથમિક શાળાઓમાં ૭પ જેટલા જુદા-જુદા નાણાંકીય ગેરરીતિના કૌભાંડ આચરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં વધુ એક ગેરરીતિ થયાની ચકચાર કચ્છના શિક્ષણ જગતમાં મચી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં સોશિયલ મીડિયામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત માંડવી તાલુકાની ૧૬૭ શાળાઓમાં રમતગમતના સાધનોની ખરીદી અને ફાયર સેફટીના ફાયર એસ્ટીગ્યુુશરના રિફિલીંગનું લાખોનું કૌભાંડ વાયરલ થયું છે. માંડવી તાલુકાની એક શાળાના શિક્ષક અને તેમના પત્નીએ ભૂતિયા દુકાનોમાંથી ખરીદીના બિલ રજૂ કરી ઉચાપત કરી હોવાનો અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે કચ્છના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાગૃત લોકોના જણાવ્યા અનુસાર ફક્ત માંડવી તાલુકો જ નહીં, પરંતુ જિલ્લાભરમાં આ પ્રકારે વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી છે. 
કચ્છની સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વિનાના ભણતરના હેતુ સાથે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રમતગમતના સાધનોની ખરીદી કરવા રાજ્ય સરકારે વર્ષ ર૦રરમાં ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટના ઉપયોગથી એસએમસીના માર્ગદર્શન હેઠળ શાળાઓ માટે જરૂરી રમતગમતના સાધનો ખરીદવાની યોજના હતી. જોકે, મોટાભાગની શાળાઓમાં આજે પણ બાળકો માટે રમતગમતના સાધનો ભાગ્યે જ જોવા મળતા હોય છે, પરંતુ રમતગમતના સાધનોની ખરીદીના બોગસ બિલ રજૂ કરી ગ્રાન્ટની રકમ ચાઉં કરી જવાઈ છે. જાગૃત લોકોના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં જિલ્લાની કેટલીક શાળાના આચાર્યો, મળતિયાઓ, બીઆરસી અને દુકાનદારોની સાંઠગાંઠથી લાખોની ઉચાપત કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો જિલ્લા વ્યાપી મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. આ ઉપરાંત સ્કૂલ મોનિટરીંગ કમિટીના સભ્યો પણ શાળામાં કયા - કયા રમતગમતના સાધનો વસાવવામાં આવ્યા છે તેની તપાસ કરે તે જરૂરી છે.
માંડવી તાલુકાની ૧૬૭ શાળાઓમાં ગરેરીતિ થયાના અહેવાલ અંગે પૂછતા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.બી. ખટારિયાએ જણાવ્યું હતું કે, આવી કોઈ ફરિયાદ હજુ સુધી તાલુકા શિક્ષણ વિભાગને મળી નથી, પરંતુ જો કોઈ ફરિયાદ આવશે તો જિલ્લા કચેરીનું ધ્યાન દોરી તેમના માર્ગદર્શન હેઠળ તટસ્થ તપાસ કરાવી જો કોઈ દોષિત હશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. હાલે શાળાકીય વેકેશન ચાલી રહ્યા છે, જેથી વેકેશન ખૂલ્યા બાદ રમતગમતના સાધનોની ખરીદી અંગે તપાસ કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. 
માંડવી તાલુકાની શાળાના કૌભાંડમાં બીઆરસી કો-ઓર્ડિનેટર મેહુલ શાહનું નામ પણ જોડવામાં આવ્યું છે ત્યારે આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર આક્ષેપમાં કોઈપણ તથ્ય નથી. માંડવી તાલુકાના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને ટાર્ગેટ બનાવી કેટલાક હેતુસંતોષીઓ ખોટી ફરિયાદો કરી રહ્યા છે. માંડવી તાલુકાની શાળાઓ માટે રમતગમતના સાધનોની ખરીદી જે દુકાનમાંથી કરવામાં આવી છે તે દુકાન કોડાય ગામે આવેલ છે અને જીએસટી નંબર ધરાવતી પેઢી છે. આવી કોઈ દુકાન અસ્તિત્વમાં ન હોવાના આક્ષેપમાં કોઈ તથ્ય ન હોવાનુું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ફક્ત માંડવી જ નહીં સમગ્ર કચ્છમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવેલ રમતગમતના સાધનોની ખરીદીની ડીપીઈઓ સ્તરેથી તપાસ કરવામાં આવે તો જિલ્લાના કેટલાક વગદાર વેપારીઓ, તેમના વચેટિયાઓ, કેટલીક શાળાઓના આચાર્યો અને કેટલાક ભ્રષ્ટ બીઆરસીના પગ નીચે રેલો આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.


..........


માંડવી ટીપીઈઓને તપાસનો આદેશ


ભુજ : માંડવી તાલુકામાં ખેલકુદના સાધનોની કીટની ખરીદી સંદર્ભે ઉઠી રહેલ ફરિયાદ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબત જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી સમક્ષ પહોંચતા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ કરવાના નિર્દેશ અપાયા છે. ટીપીઈઓ પોતાની તપાસ પૂર્ણ કરી જિલ્લા કચેરીને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. ત્યારબાદ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું શ્રી વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું. 


.........



દર બે વર્ષે શાળાને મળે છે નવી સ્પોર્ટસ કીટ 



ભુજ : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને અંદાજીત દર બે વર્ષે નવી સ્પોર્ટસ કીટ મળે છે. સુત્રોથી મળતી વિગત અનુસાર ત્રણ કેટેગરીની ખેલકુદ સાધનોની કીટના ભવ અલગ અલગ હોય છે. ધોરણ ૧થી પ સુધીની શાળાઓ માટે રૂા. ૪પ૦૦, ધોરણ ૧થી ૮ સુધી પ્રાથમિક શાળા માટે રૂા. ૮ હજાર જયારે ધોરણ ૯થી ૧ર સુધીની માધ્યમિક શાળાઓ માટેની સ્પોર્ટસ કીટની કિંમત રૂા. ૧૬ હજારની આસપાસ હોય છે. રમતગમતના જે સાધનો ખરાબ થઈ જાય તેની ડેડ સ્ટોક રજીસ્ટરમાં નોંધ કરી નિભાવ કરવાનો રહે છે. ખરાબ સાધનોના નિકાલ માટે એસએમસીની બેઠકમાં ઠરાવ કરવાનો નિયમ છે.

...........

Comments

COMMENT / REPLY FROM