કચ્છ સહિત રાજ્યમાં પરપ્રાંતિય કામદારોના ઓળખ દસ્તાવેજ ચકાસશે પોલીસ
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન
ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ અધિક્ષકો સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય : સરહદી કચ્છ જિલ્લાના તમામ નોકરીદાતાઓ સરકાર અને પોલીસને આપે સંપૂર્ણ સહકાર
સરહદી કચ્છમાં દેશના તમામ રાજ્યોમાંથી કામદારો - શ્રમજીવીઓ રોજગાર અર્થે કરી રહ્યા છે વસવાટ : પરપ્રાંતિયોની વસ્તી સાથે જિલ્લાના ક્રાઈમ રેટમાં પણ થયો છે વધારો
ગુજરાત સરકાર કામદારોની ઓળખ ચકાસણી માટે તૈયાર કરી રહી છે માનક સંચાલક પ્રક્રિયા (એસઓપી)
ભુજ : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના પગલે ગુજરાત સરકાર પરપ્રાંતિય કામદારોની ઓળખ ચકાસવા માટે એક ખાસ માનક સંચાલક પ્રક્રિયા (એસઓપી) તૈયાર કરી રહી છે. દરેક નોકરીદાતાએ તેમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલ સ્થાનિક પોલીસને સબમીટ કરાવવાની રહેશે. કચ્છ જેવા સરહદી ક્ષેત્રના નોકરીદાતાઓ આ પ્રક્રિયામાં સરકારને સંપૂર્ણ સહકાર આપે તે ઈચ્છનીય છે. વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ થતાં ઔદ્યોગિક, બંદરીય, વાણિજ્ય અને પ્રવાસન ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન થયું છે, જેના પગલે કચ્છ જિલ્લામાં દેશના તમામ રાજ્યોમાંથી કામદારો - શ્રમજીવીઓ રોજગાર અર્થે કચ્છમાં આવી રહ્યા છે. જ્યાંં એક તરફ કચ્છમાં પરપ્રાંતિયોની વસ્તી વધી છે ત્યાં બીજી તરફ જિલ્લાનો ક્રાઈમ રેટ પણ વધ્યો છે. વિતેલા બે દાયકા દરમ્યાન ભૂતકાળમાં કચ્છમાં ન બન્યા હોય તેવા લૂંટ, હત્યા, બળાત્કાર સહિતના ગંભીર પ્રકારના ગુનાઓનો ગ્રાફ ઉંચકાયો છે.કચ્છ ઉદયના અહેવાલોમાં અવાર નવાર જિલ્લામાં રોજગાર અર્થે વસવાટ કરી રહેલા પરપ્રાંતિયોના બી-રોલ ભરવાની પ્રક્રિયા કરવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કચ્છ એક સરહદી જિલ્લો હોવાથી દેશની સુરક્ષા બાબતો સાથે સીધી રીતે સંકળાયેલ પ્રદેશ છે. નોકરી-ધંધાર્થે હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો કચ્છમાં વસવાટ કરે છે ત્યારે નોકરી-ધંધાના બહાને કોઈ રાષ્ટ્રવિરોધી તત્ત્વો કચ્છમાં રહી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની રેકી કરી ન જાય તે જોવું સુરક્ષા એજન્સીઓ માટે પડકારજનક છે તેવામાં રાજ્યના ગૃહમંત્રાલયે ખાસ એસઓપીની જે યોજના બનાવી છે તેની સચોટ અમલવારી સુરક્ષા એજન્સીઓ માટે મદદરૂપ પુરવાર થશે તેવું કચ્છના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.કચ્છમાં પરપ્રાંતિયોને નોકરીએ રાખતા વ્યવસાયકારો, ઉદ્યોગકારો પોતાના કામદારોની સંપૂર્ણ વિગત તેમના ઓળખના દસ્તાવેજો સાથે સ્થાનિક પોલીસને સોંપે તે જરૂરી છે. રાજ્યના ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, કામદારો જો બનાવટી દસ્તાવેજો પૂરા પાડશે તો નોકરીદાતા જવાબદાર રહેશે નહીં, તેથી કોઈપણ ભય રાખ્યા વિના પોતાની ફરજને રાષ્ટ્રીય ફરજ સમજી સરકારને સહકાર આપવા જાગૃત નાગરિકો કચ્છવાસીઓને ટકોર કરી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, મંગળવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટોચના પોલીસ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કમિશ્નર અને જિલ્લા અધિક્ષકો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં માનક સંચાલન પ્રક્રિયાને ઈમ્પિલિમેન્ટ કરવા માટે મનોમંથન કરાયું હતું. રાજ્યના ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ નવી માર્ગદર્શિકા અંગેની સૂચનાઓ તમામ પોલીસ અધિક્ષકોને મોકલવામાં આવી છે. ગૃહવિભાગ દ્વારા એક એસઓપી પણ તૈયાર કરવામાં આવી રહી છેેઅને ટૂંક સમયમાં જ તમામ જિલ્લા અધિક્ષકોને મોકલવામાં આવશે. દસ્તાવેજ સંગ્રહ કરવાની કવાયત જાસુસી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનજે રોકવામાં મદદરૂપ થશેે.જમ્મુ-કાશ્મીર રાજ્યના પહેલગામમાં આતંકી હુમલા બાદ ર૬મી એપ્રિલથી રાજ્યમાં વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે મોરચો મંડાયો હતો. જે-તે સમયે પકડાયેલા લોકોમાં ચાર લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, જેમાં બે આરોપીઓ અલકાયદાના સ્લીપર સેલના કાર્યકર્તા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે ખૂલાસો કર્યોહતો કે, ધરપકડ કરાયેલા ઘણા લોકો બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાતમાં રહેતા હતા.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલ નિર્ણય સરહદી કચ્છ જિલ્લા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ હોઈ રાજ્ય ગૃહ મંત્રાલય અને પોલીસ દ્વારા નોકરીદાતાઓ પાસેથી માંગવામાં આવેલ કામદારોની વિગતો આપવામાં કોઈ ચૂક ન રહે તે દરેક કચ્છવાસીઓ સૂનિશ્ચિત કરે તે ઈચ્છનીય છે.

Comments