Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પંથકમાં ખાણ ખનીજ વિભાગનો  સપાટો : ચાઈનાકલે ભરેલ પ ટ્રકો પકડાઈ

15 May



રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા વાહનો સહિત ૧.૧ર કરોડનો મુદ્દામાલ કરાયો કબજે 



ભચાઉ : પૂર્વ કચ્છ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનની સમયાંતરે ઉઠતી વ્યાપક ફરિયાદો વચ્ચે ગત રાત્રિએ ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્ક્વોર્ડ દ્વારા ભચાઉ પંથકમાં રોયલ્ટી પાસ વિના ચાઈનાક્લેનું પરિવહન કરતા પાંચ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.  જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ ફ્લાઈંગ સ્ક્વોર્ડની તપાસ ટીમ દ્વારા બુધવારે રાત્રે ગાગોદર-સામખિયાળી રોડ પર તપાસ ગોઠવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર ચાઈનાક્લે ખનીજ વહન કરતી પાંચ ટ્રકો પકડવામાં આવી હતી. ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમે પાંચેય ટ્રકો સીઝ કરી અંદાજીત રૂા.૧.૧ર કરોડનો મુદ્દામાલ લાકડિયા પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનની ગેરપ્રવૃત્તિએ માથુ ઉચક્યું હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠી છે. આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રાત્રિના સમય દરમિયાન ગેરપ્રવૃત્તિ વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડને આકસ્મિક તપાસના પગલે ગેરકાયદેસર ખનીજનું ખનન, પરિવહન કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Comments

COMMENT / REPLY FROM