ખેડુતો માટે ખુશખબર : નર્મદા કચ્છ બ્રાન્ચ કેનાલમાં આજે સવારે પ૦૦ કયુસેક પાણી છોડાયું
દુખ ભરે દીન બિતે રે ભૈયા, અબ સુખ આયો રે..!
કચ્છ શાખા નહેર આધારિત સિંચાઈ કરતા ખેડુતો માટે મોટી રાહતરૂપ પહેલ : કપાસ સહિતના ખરીફ વાવેતર માટે હવે ખેડુતોને ચોકકસ સમય મળી રહેશે
ગાંધીધામ : ગુજરાત સરકારશ્રીના ખરીફ પાકો માટે નર્મદાના નીર ૧પમીમે ર૦રપ્ના છોડવાના ખેડુત તરફી કરેલા યોગ્ય નિર્ણયની જાહેરાતની અમલવારી થવા પામી ગઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. કચ્છ શાખા નહેર આધારિત સિંચાઈ કરતા ખેડુતો માટે સમયસર આ રીતનુ પાણી છોડવાની દીશામાં સ્થાનિક જાહેરજીવનના પદાધિકારીઓ, અને નર્મદા નિગમના અધિકારીઓ ઉપરાંત કચ્છના નર્મદા ક્ષેત્રના તજજ્ઞોની સંકલનભરી કાર્યવાહીને પણ અહી બિરદાવી જ ઘટે. આ અંગે મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ તા. ૧પમી મેના રોજ સવારે કચ્છ શાખા નહેરમાં પ૦૦ કયુસેકની આસપાસ અંદાજીત પાણી છોડવામા આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાની પહેલાથી જાહેરાત કરી દીધી હતી જો કે ખેડુતોને સમયસર પાણી મળશે કે કેમ તે બાબતે અસમંજસની સ્થિતિ રહેવા પામી હતી ત્યારે હવે અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સમય પ્રમાણે જ નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી આજ રોજ છોડવામા અવ્યુ છે જેનાથી ખેડુતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોને પણ કપાસ સહિતના પાકોમાં સમયસર વાવેતર કરવાનો સમય મળી રહેશે. નર્મદા કેનાલ ૪૫ દિવસથી રીપેરીંગ અને સફઈની કામગિરીને કારણે બંધ કરવામાં આવી છે જેના પરિણામે સાંતલપુર અને રાધનપુર સહિત કચ્છ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની કાગરાળ ઉઠવા પામી હતી અને લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો ત્યારે હવે આજથી નર્મદા કેનાલમાં પાણી છોડાવમાં આવતા હાલમાં ઉદભવેલી રહેલી
પીવાના પાણીની અને સિંચાઇના પાણીની સમસ્યામાં ચોકકસથી પ્રારંભીક રાહત મળવા પામી જશે. તો વળી બીજીતરફ ખેડૂતોને કપાસ સહિતના પાકનું વાવેતર થઈ શકશે.
કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી નર્મદા મૈયા ની કૃપા વહેતી થઈ છે. નર્મદાની બ્રાન્ચ કેનાલ સમારકામ માટે છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી રિપેરિંગ બંધ રહી હતી. આ કામ બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર તથા અન્ય જગ્યાએ રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાંથી પસાર થઈ રહેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ૧૫મી મે થી પાણી છોડવામાં આવશે. આજે સવારે કચ્છની મુખ્ય કેનાલમાં સલીમગઢથી નર્મદાના નીર વહેતા કરવામાં આવ્યા હતા. કચ્છની મુખ્ય કેનાલમાં ત્રણ ચાર દિવસ બાદ પાણી આવી જશે અને સંપૂર્ણ રીતે નર્મદાના નીર એક સપ્તાહમા વહેવા લાગી જશે. રાપર શહેર મા પીવાના પાણીની વ્યવસ્થા એકમાત્ર નર્મદા કેનાલ આધારિત છે ત્યારે મામલતદાર એચ.બી.વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડેની સુઝબુઝના લીધે આ વખતે પીવાના પાણીની સમસ્યા વિકટ બની નથી. દર બીજા દિવસે રાપર શહેરમા પાણી વ્યવસ્થા વિતરણ કરવામાં આવે છે. પીવાના પાણી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદાના નીર આજ થી કેનાલમાં વહેતા થતાં લોકોમા આનંદની લાગણીઓ ફેલાઈ છે. આ અંગે નર્મદા નિગમ ના નિવૃત્ત કર્મચારી છગનભાઇ પરાવડા એ માહિતી આપી હતી. નર્મદાની બ્રાન્ચ કેનાલ શરૂ થતા ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોના પાકને જીવતદાન મળશે. ઉપરાંત અનેક કેનાલ આધારિત પેયજળ મેળવતા ગામોને નિયમિત ધોરણે પાણી મળતું થશે.

Comments