નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ આરંભાઇ
વહિવટીતંત્ર દ્વારા સર્કિટ હાઉસ પાસેના નાના - મોટા અનેક દબાણો પર બૂલડોઝર ફરી વળ્યું
નખત્રાણા : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા ખાતે આજે સર્કિટ હાઉસ, એસટી વર્કશોપથી આશાપુરાના મંદિર સુધીના કાચા પાકા તમામ દબાણો દૂર કરવાનું તંત્ર દ્વારા આરંભ કરવામાં આવ્યો છે. નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર, મામલતદાર ભરત શાહ, પીઆઇ અશોકભાઈ મકવાણા સાથે સમગ્ર પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો. દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વહેલી સવારથી તંત્રની ટીમ જેસીબી જેવા સાધનો લઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગને નડતરરૂપ દબાણો દૂર કરી ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો હતો.
રસ્તાની બંને સાઈડના દબાણો દૂર કરી લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વહિવટી તંત્ર દ્વારા વિરાણી રોડ, કોટડા (જ.) નજીક અને દેવપર (યક્ષ) નજીક ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા. આજે સર્કિટ હાઉસ પાસેથી દબાણ હટાવવા ઝુંબેશ શરૂ થઈ છે. કામગીરીમાં તંત્રના હિતેશ ચૌહાણ, સંજય પરીખ, ચીફ ઓફિસર નગરપાલિકાના ભાવિનભાઈ ગઢવી સહિત અધિકારી, કર્મચારી, પોલીસ, હોમગાર્ડઝ સહિત હાજર રહ્યા હતા.
મામલતદાર ભરત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું રોડ પરના દબાણો તથા પાણીના વેણપરના કાચા પાકા તમામ દબાણો હટાવવા માટેની કામગીરી ચાલુ કરી હતી. રેકડી, કેબીનો ધરાવતા નાના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

Comments