સરહદી કચ્છમાં ૬૦ સ્થળોએ સાયરન એલર્ટ સિસ્ટમ એક્ટિવ
સિવિલ ડિફેન્સ દ્વારા કચ્છના દસેય તાલુકામાં લોક જાગૃતિ માટે વિવિધ તિવ્રતાની સાયરન સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ : ભુજ અને ગાંધીધામ સહિત વિવિધ વિસ્તારોમાં નવા સાયરન લગાવ્યા અને ૧૦૯ ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ સાયરનની ગુંજ સંભળાશે
ભુજ : યુદ્ધ જેવી સ્થિતિમાં સિવિલિયન વિસ્તારોમાં ચેતવણી માટે સાયરનએ સૌથી અગત્યનું ઉપકરણ હોય છે. દુશ્મન રાષ્ટ્ર જયારે હુમલો કરે ત્યારે નાગરિકોને સલામત સ્થળે જવાની ચેતવણી માટે સાયરનો ગાજી ઉઠતી હોય છે. ૧૯૭૧માં ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છ વાસીઓએ સાયરનો સાંભળી હતી. પાંચ દાયકા બાદ ફરી એકવખત ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થતાં કચ્છમાં સાયરનોની ગુંજ સંભળાઈ હતી. આજથી પ૩ વર્ષ પૂર્વે કચ્છમાં જુજ જ સ્થળોએ સાયરન લાગેલી હતી. હાલ ભુજ સહિત કચ્છ મોટા શહેરોનો વિસ્તાર વધી ગયો છે. જેના કારણે અનેક સ્થળોએ સાયરન લગાવાની જરૂર પડી છે. કચ્છમાં હાલે દસેય તાલુકામાં મળી ૬૦ જેટલી સાયરનો લગાવવામાં આવી છે. આ ઉપરાંત કચ્છના ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ સાવચેતીના ભાગરૂપે ૧૦૯ સાયરન સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. સિવિલ ડિફેન્સ ઉપરાંત સૈન્ય દ્વારા ચેતવણીરૂપે સાયરનો વગાડી એલર્ટ આપવામાં આવે છે. ધરતીકંપ બાદ વિકાસ પામેલા કચ્છના શહેરો વિસ્તાર વધતા સાયરનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હાલે સિવિલ ડિસેફન્સ દ્વારા ભુજમાં ૧૦, નલિયામાં ર૦ અને ગાંધીધામમાં ૩૦ સ્થળોએ સાયરન લગાડવામાં આવેલ છે.
ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સ દ્વારા ભુજમાં ૧૦ જગ્યાએ સાયરન સિસ્ટમ કાર્યરત છે. જેમાં ભુજની બહુમાળી બિલ્ડિંગ, મહાદેવ નાકા, લાલન કોલેજ, જુની મામલતદાર ઓફિસ, પોલીસ હેડકવાટર્સ, બીએસએનએલ કચેરી, આરટીઓ, ખેડૂત તાલીમ ભવન સંસ્કારનગર, મિરજાપર સ્કૂલ, માધાપર નવાવાસ ગ્રામ પંચાયત કચેરીએ લગાડવામાં આવી છે જેથી દરેક નાગરિકને સાયરન સંભળાય અને અવગત થાય. તાજેતરમાં ઉભી થયેલ સંઘર્ષની સ્થિતિમાં ભુજ નગરપાલીકા દ્વારા નવા સાયરનો લગાડવામાં આવ્યા જેમાં નગરપાલિકાની નવી કચેરી, પાટવાડી નાકે, ભીડનાકુ પમ્પિંગ સ્ટેશન, ભાનુશાલીનગર પમ્પિંગ સ્ટેશન, ફાયર સ્ટેશન, જુની રાવલવાડી પાણીના ટાંકા પર, તોરલ ગાર્ડન પાણીના ટાંંકા પર લગાડી દેવાઈ છે, હજુ જરૂર પડશે ત્યાં વધારાના લગાવવામાં આવશે.
સિવિલ ડિફેન્સના નોડેલ ઓફિસર સી.આર. પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યા કે, જુના સાયરન લાગવ્યા હતા ત્યાં નવાની જરૂરત પડતા ત્યાં સાયરનો લગાવવામાં આવ્યા છે. નલિયામાં ૪, માંડવીમાં ર, મુંદરામાં ૩, રાપરમાં ર નવી સાયરન સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. કચ્છમાં હાલે ઔધોગિક એકમમાં પણ૧૦૯ સાયરન કાર્યરત કરવામાં
આવી છે.
.........

Comments