Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા આવતો અધધધ  ૧.૪પ કરોડનો દારૂ સુરેન્દ્રનગરમાં ઝડપાયો

14 May



એલપીજી ગેસના ટેન્કરમાં ગેસના બદલે દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૪૮ર૦ બોટલો ભરવામાં આવી હતી : પંજાબથી દારૂ ભરાયો, રાજસ્થાનનો ટ્રક ડ્રાઈવર પકડાયો : હવે બુટલેગરને પકડવા કચ્છ પોલીસ જાગશે કે પછી ? સુરેન્દ્રનગરથી એલસીબીને આવવું પડશે

ગાંધીધામ : ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ થાળે પડી છે. જો કે હજુ પણ પોલીસ સહિતના તંત્રો એલર્ટ મોડમાં છે ત્યારે પંજાબથી ગેસના ટેન્કરમાં દારૂ ભરી રાજયની બોર્ડરો ક્રોસ કરી છેક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુધી આવેલા શરાબને ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ્લ ૧.૪પ કરોડનો દારૂ પકડાયો હતો. ડ્રાઈવરની પુછપરછ કરતા આ માલ મુંદરામાં ખાલી કરવાનો હોવાની કબુલાત અપાઈ હતી. છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડાઓ ધમધમી ઉઠયા છે. વિવિધ સ્થળોએ સેકશનો આપી દેવાયા છે. દારૂની રેલમછેલ વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ મંગાવ્યો કોણે ? તે સવાલ ઉઠવા પામ્યો છે. મહત્વની બાબત એ છે કે, પશ્ચિમ કચ્છમાં આટલી મોટી માત્રામાં દારૂ કયારેય પકડાયો નથી. સુરેન્દ્રનગરની પોલીસે જ તપાસ કરી મુંદરામાંથી માલ મંગાવનારને ઉઠાવે તો જ દારૂના નેટવર્કનો ભાંડાફોડ થાય તેમ છે. 
સુરેન્દ્રનગરના સાયલા - ચોટીલા હાઇવે પર વખતપરના બોર્ડ પાસેથી મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલ સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ગેસ ટેન્કરને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરીના કારસ્તાનનો પર્દાફશ થવા પામ્યો હતો. ટેન્કરને સાયલા પોલીસ મથકે લવાયા બાદ તપાસ કરતા ટેન્કરમાં વચ્ચેના ભાગે ચોરખાનું બનાવી તેમાં દારૂની પેટીઓનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પંજાબના પેન ગામથી દારૂનો મોટો જથ્થો ભરીને નીકળેલું ટેન્કર કચ્છના બુટલેગરે મંગાવ્યું હતું. તેમજ મુન્દ્રા પાસે તેની ડિલીવરી આપવાની હોવાની કબૂલાત પકડાયેલ ટેન્કરના ચાલકે કરી હતી. એલસીબીએ વહેલી સવારથી ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી. જે મધ્યાહન સુધી ચાલી હતી. ટેન્કરમાંથી ૧.૪પ કરોડની ૧૪,૮૨૦ બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે ટેન્કર, એક મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ. ૧.૬૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જિલ્લા એલસીબી દ્વારા આ બાબતે પકડાયેલ ટેન્કર ચાલક થાનારામ દુર્ગારામ જાટ રહે. રાજસ્થાન, માલ મોકલનાર મુકેશ દેવાશી નામનો શખ્સ, માલનો જથ્થો ભરેલું ટેન્કર આપી જનાર અજાણ્યા બે ઇસમો, માલ મંગાવનાર કચ્છનો બુટલેગર તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.


 

Comments

COMMENT / REPLY FROM