Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તંત્રની કવાયત

13 May

ચોમાસાના પ્રારંભ પૂર્વે





દર વર્ષે ચોમાસા દરમ્યાન જિલ્લા મથકમાં સર્જાતી જળભરાવ સહિતની સમસ્યાના અસરકારક ઉકેલ માટે મનોમંથન : શહેરીજનોને ઉભરાતી ગટર, ખખડધજ રસ્તા અને અન્ય સમસ્યાઓથી મુક્તિ અપાવવા ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંભાળ્યો મોરચો : પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ચીફ ઓફીસર, સુધરાઈના સત્તાધિશોની ઉપસ્થિતિમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર શરૂ




ભુજ : ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલી સાયકલોનીક સર્કયુલશનની અસર તળે ગત સપ્તાહ દરમ્યાન કચ્છમાં કમોસમી વરસાદ થયો હતો. ભરઉનાળે થયેલા કમોસમી વરસાદના પગલે તંત્ર દોડતું થયું હતું. ખાસ કરીને ચોમાસાના પ્રારંભ પૂર્વે હાથ ધરાયેલ પ્રિ-મોન્સુનની કામગીરી દરમ્યાન જ વરસાદી માહોલ અને યુદ્ધ જેવી સ્થિતિના પગલે કામગીરીમાં બાધા ઉભી થઈ છે. આ વરસે ચોમાસુ વરસાદ વહેલો શરૂ થવાની આગાહીના પગલે પ્રિ-મોન્સુન કામગીરી વહેલી પુરી કરવા તંત્ર પર દબાણ વધ્યું છે ત્યારે ભુજ નગરપાલિકા તંત્રમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર શરૂ થયો છે. દર વર્ષે ચોમાસુ વરસાદ દરમ્યાન ભુજમાં ઠેર ઠેર જળભરાવ અને ઉભરાતી ગટરોની સમસ્યા માથું ઉંચકે છે. સુધરાઈ દ્વારા દર વર્ષે લાખોના ખર્ચે થતા સમારકામ અને પ્રિ-મોન્સુન કામગીરી ચોમાસાના સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતી હોય છે ત્યારે આ વર્ષે અસરકારક કામગીરી થાય તે માટે સુધરાઈ તંત્રએ કવાયત હાથ ધરી છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નગરપાલિકા અને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી અસરકારક કામગીરી માટે પ્રયત્નો હાથ ધર્યા છે. 
ભુજ નગરપાલિકાના સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર છેલ્લા થોડા દિવસોથી ભુજ નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી અનિલ જાદવ, નગરપાલિકાના સત્તાધીશો અને કાઉન્સીલરોની શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ દર વર્ષે ચોમાસામાં શહેરમાં સર્જાતી સમસ્યાઓને ધ્યાને લઈ આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી ફુલપ્રુફ અને અસરકારક થાય તે માટે મોરચો સંભાળ્યો છે. 
જેના અનુસંધાને આજે ભુજ પ્રાંત કચેરી ખાતે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળી હતી. જેમાં શહેરમાં ભુજમાં પ્રિ-મોન્સુન
ચોમાસા પૂર્વે રોડ - રસ્તા, પાણી પુરવઠા, ગટર, ઝાડીઓ અને નહેરની સફાઈ સહિતના કામો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ ચોમાસા પૂર્વે તમામ જરૂરી કામો સમયસર પુરા કરવા તાકીદ કરવામાં આવી હતી. વિવિધ વિભાગના અધિકારીઓને પણ જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા કમલભાઈ ગઢવી, મામલતદાર શ્રી રાજપાલ, નાયબ મામલતદાર શિવજી પાયણ, નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના ચેરમેન સંજય ઠક્કર, નગરસેવકો મનુભા જાડેજા, કલ્પેશ ગોર, રશ્મિ પંડયા, સાવિત્રીબેન જાટ, બિંદિયાબેન ઠક્કર, કાસમ કુંભાર વગેરે ઉપરાંત નગરપાલિકા, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના જાગૃત નાગરીકો હાજર રહ્યા હતા.   
સુત્રો જણાવે છે કે ભુજ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી માટે શહેરના દરેક વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવી હતી. જે તે વિસ્તારમાં ચોમાસા પૂર્વેની કામગીરી સચોટ થાય તે માટે વિસ્તારના કાઉન્સીલર, નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારી - કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રિ-મોન્સુન કામગીરી શરૂ થયા બાદ કમોસમી વરસાદ અને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થતા કામગીરી વિલંબમાં મુકાઈ છે. બીજીતરફ હવામાન શાસ્ત્રીઓએ આ વર્ષે ચોમાસુ વરસાદ વહેલો શરૂ થાય તેવી આગાહી કરી છે ત્યારે વરસાદ પૂર્વે નાળા સફાઈ, ગટર લાઈનના સમારકામ જેવા જરૂરી કામો સમયસર પુરા કરવા માટે તંત્રએ યુધ્ધના ધોરણે કામગીરી આગળ ધપાવવા નિર્ધાર કર્યો છે.

......

 

Comments

COMMENT / REPLY FROM