ઓવરલોડ ખનિજ પરિવહનને ડામવા બનેલ ખાવડા ચેકપોસ્ટ પર લાલિયાવાડી
પ.કચ્છ ખાણ ખનિજ વિભાગના નિષ્ઠાવાન અધિકારી શ્રી બારિયા કરે લાલઆંખ
ખાવડા ચેકપોસ્ટ બની ભ્રષ્ટ અધિકારીઓ - કર્મચારીઓ માટે ઉપરી આવકનું સાધન : ચેકપોસ્ટ શરૂ થયા બાદ અટકી ગયેલ ઓવરલોડનું દુષણ ફરી શરૂ : માથાભારે ખનિજ ધંધાર્થીઓએ ભ્રષ્ટ બાબુઓ સાથે કરી સાંઠગાંઠ : ગાડી દીઠ ચોક્કસ ‘પ્રસાદી’ના થયા છે ભાવબાંધણા
ગાડીઓ ફરી સળસળાટ દોડતી થઈ : ખાણ ખનિજ વિભાગ અને એસીબી દ્વારા તટસ્થ તપાસ થાય તો ચેકપોસ્ટ પર ચાલતી ગેરરીતિનો થાય ભાંડાફોળ : સ્થાનિક જાગૃતિ નાગરિકોએ વ્યક્ત કર્યો મત : જાહેરમાાં કરાતી રોકડી એસીબીના નજરે પડે તો નવાઈ નહી કહેવાય...
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પરિવહન અને ઓવરલોડના દુષણને ડામવા ખાણ ખનિજ વિભાગ દ્વારા ખાવડા સમીપે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાંથી ખનિજની બેફામચોરી અને ઓવરલોડ ખનિજ પરિવહનની વ્યાપક ફરિયાદો ઉઠતાં પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવતાં ખનિજચોરી અને ઓવરલોડ ખનિજ પરિવહન પર મહદઅંશે રોક લાગી હતી. ખાણ ખનિજ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમો દ્વારા ચેકપોસ્ટ પર સતત મોનિટરીંગના પગલે ખનિજ માફિયાઓમાં સોપો જરૂર પડી ગયો હતો. જો કે, હવે ફરી આ વિસ્તારમાંથી ઓવરલોડ ખનિજ પરિવહન શરૂ થયું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ - કર્મચારીઓ માટે ઉપરી આવકનું સાધન બની ગઈ છે. આ વિસ્તારના માથાભારે ખનિજ ધંધાર્થીઓ અને ભ્રષ્ટ બાબુઓ વચ્ચે થયેલી સાંઠગાંઠથી ફરી ઓવરલોડ પરિવહન શરૂ થયું છે. અમુક ઓવરલોડ ગાડીઓ માટે ચોક્કસ રકમ નક્કી કરી લેવામાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા લાગતા વળગતાં ધંધાર્થીઓની ઓવરલોડ ગાડીઓને ચોક્કસ રકમની ‘પ્રસાદી’ લઈ સળસળાટ જવા દેવામાં આવે છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના નિષ્ઠાવાન અધિકારી દેવેન્દ્ર બારિયા સઘન તપાસ કરાવે તો ઓવરલોડના દુષણને ડામવા શરૂ કરાયેલ ચેકપોસ્ટ પર ચાલી રહેલી ગેરરીતિનો ખુલાસો થઈ શકે. ખનિજ ક્ષેત્રે ચાલતી લાલિયાવાડીને દૂર કરવા સાચી નિષ્ઠા સાથે શરૂ કરાયેલ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની જાય અને અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના કુકર્મો થકી સમગ્ર તંત્ર બદનામ થાય તે પહેલા સઘન તપાસ જરૂરી છે તેવું સ્થાનિક જાણકારો કહી રહ્યા છે.
............

Comments