કલેકટરનું જાહેરનામું છતા કચ્છમાં ઘણા વેપારીઓએ લૂંટ ચલાવી
અચાનક બંધને પગલે રાશન અને લોટ ખરીદવા પડાપડી થઈ ત્યારે ઘણા લેભાગુ વેપારીઓએ કિલો દિઠ ર૦થી ૩૦ રૂપિયા ભાવ વધારી નાખ્યા : ‘હમણાં જે લેવું હોય તે લઈ લ્યો, પછી કયારે મળશે તે નક્કી નથી’ આવું કહીને પણ ઘણા વેપારીઓએ લોકોને ભયભીત કર્યા : જે લારીઓમાં આખા દિવસ દરમિયાન પણ શાકભાજી વેચાતું ન હતું તેમાં કલાકમાં બધુ સાફ
ભુજ : ગઈકાલે સવારે અચાનક ભુજ બંધની જાહેરાત બાદ સમગ્ર જિલ્લામાં બંધ કરાવાયું અને લોકોએ રાશન, લોટ, શાકભાજી, ગેસના બાટલા સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે દોટ મુકી હતી. દુકાનોમાં રીતસર લાઈનો લાગી હતી. ઘણા વેપારીઓએ મોકાનો લાભ ઉઠાવી કિલો દિઠ ર૦થી ૩૦ રૂપિયા વધારે લીધા હતા. તો જે શાકભાજીની લારીઓમાં આખો દિવસ દરમિયાન શાકભાજી વેચાતું ન હતું ત્યાં કલાકમાં આખી લારી સાફ થઈ ગઈ હતી. તો બીજીતરફ નાસ્તાના ધંધાર્થીઓએ બનાવીને રાખેલો માલ ફેંકવા કે, મિત્ર સર્કલમાં આપવાની ફરજ પડી હતી. અજંપાભરી સ્થિતિમાં નાગરિકોને સાચી માહિતી આપવાના બદલે વેપારીઓએ જ ભયભીત કરી દિધા હતા. બપોર સુધી બધો માલ વેચાઈ ગયો, પેટ્રોલપંપોમાં ઈધણ ખુટવા પર આવી ગયું અને લોકો પોતાના ઘરે પહોંચી ગયા, પછી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું કે, પ્રવર્તમાન પરિસ્થિતિમાં હાલ કચ્છ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવું. રાજ્ય સરકારની સૂચના મુજબ દેશની પ્રર્વતમાન પરિસ્થિતિને અનુલક્ષી સામાન્ય લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તથા આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ આવતી કુલ ૩૮ ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડીંગ) ના થાય તથા યોગ્ય ભાવ જળવાઈ રહે તે અંગે જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે કચ્છ જિલ્લાના તમામ હોલસેલર્સ, રિટેલરર્સ, બીગચેઈન રીટેલર્સ, પ્રોસેસરર્સ, મિલરર્સ, ડિલર્સ, ઈમ્પોર્ટરસેને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કોઇપણ સંગ્રહાખોરી અથવા જમાખોરી સહિતની નિયમોનું ભંગ કરતી પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાને આવશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલનો પુરતો સ્ટોક જાળવી રાખવા જિલ્લાની તમામ ઓઇલ માર્કેટીંગ કંપનીઓના નોડેલ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

Comments