કચ્છમાં પવન ઉર્જાના પ્રકલ્પો બન્યા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર
ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશનું હબ બનવા ભણી અગ્રેસર
તાજેતરમાં નેત્રા નજીકના ગામોમાં પવન ચક્કીનો કામમાં મંજુરી ન હોવાનો વિવાદ ચાલી રહ્યો છતાં તંત્ર પવન ઉર્જા ઉત્પાદનની આંધળી દોટમાં પર્યાવરણ, ખેતી લાયક જમીન અને અબોલ પશુ-પક્ષીઓની જીવસૃષ્ટિનો લેવાઈ રહ્યો છે ભોગ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળમાં પવનચક્કીઓને આડેધડ અપાયેલી મંજૂરી બની મુસિબતનું કારણ
પવનચક્કીઓની મંજૂરી પ્રક્રિયાથી માંડી ફાઉન્ડેશન સુધીની પ્રક્રિયા કરોડોના કૌભાંડની ગંધ : કેટલીક પવન ચક્કીની નીચે ખનીજ દબાયેલા હોવા છતાં કોઈ કોઈ કાર્યવાહી નહી...
’
પવનચક્કીના ફાઉન્ડેશનમાં ગૌણ ખનીજની રોયલ્ટીની કરોડોની ચોરી : સંપાદિત કરાયેલ જમીનના ગરીબો અને ખેડૂતોને વળતરના નથી થયા ચૂકવણા : ગરીબો-ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે સ્થાનિક કક્ષાના રાજકારણીઓની ચૂપકીદી સામે સંશય : ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો જિલ્લા વ્યાપી મોટા આર્થિક ષડયંત્રનો થાય ભાંડાફોળ : સ્થાનિક જાગૃત્ત નાગરિકોએ વ્યક્ત કર્યો મત
ભુજ : ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશનું હબ બનવા ભણી અગ્રેસર સરહદી કચ્છ જિલ્લામાં પવન ઉર્જા અને સૌર્ય ઉર્જા ક્ષેત્રે અનેક પ્રકલ્પો ધમધમતા થયા છે. વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે કચ્છમાં ઘણુ કામ થયું છે પરંતુ પવન ઉર્જા ઉત્પાદનની આંધળી દોટમાં પર્યાવરણ, ખેતી લાયક જમીન જ નહીં, અબોલ પશુ-પક્ષીઓની સૃષ્ટિને મોટું નુકશાન થયું છે તેવી ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી રહે છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા કચ્છ જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં હાલમાં જ અંદાજીત ૧૭૦૦ જેટલી પવનચક્કીઓના ઈન્સ્ટોલેશન થઈ છે. જેના થકી પવન ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે પરંતુ પવનચક્કીઓના ફાઉન્ડેશનમાં કરોડોની ખનીજ રોયલ્ટીની ચોરી થવાથી ચકચાર મચી છે. આ ઉપરાંત પવનચક્કીઓના નિર્માણ માટે સંપાદીત કરાયેલી જમીનના માલિકો-ખેડૂતોને પણ વળતરની મોટી રકમ હજુ સુધી વણચૂકવાયેલી રહી છે. આમ કચ્છમાં સ્થાપિત પવનચક્કીઓ કરોડોના આર્થિક કૌભાંડનું એપી સેન્ટર બની છે. કચ્છના જાગૃત્ત નાગરિકો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આડેધડ પવનચક્કીઓ ઊભી કરવાની પરવાનગીઓ અપાઈ હતી. સીમ વિસ્તારમાં ઊભી કરાયેલ અંદાજીત ૧૭૦૦ જેટલી પવનચક્કીઓના કારણે ગરીબ ખેડતોની ફળદ્રુપ જમીનોનો સોથ વળી ગયો છે. આ ઉપરાંત પવન ચક્કીઓના ફાઉન્ડેશનમાં વપરાયેલ ગૌણ ખનીજની રોયલ્ટીની ૩૦૦ કરોડથી વધુની ચોરી કરવામાં આવી છે. જ્યારે ગરીબ ખેડૂતો અને માલિકોને તેમની જમીનના વળતર રૂપે પણ અંદાજીત રૂા.૩ હજાર કરોડ હજુ સુધી ચૂકવાય ન હોવાનું સૂત્રો જણાવી છે. પવન ચક્કી જ્યાં ઉભી થાય છે તેના સુધી પહોચવા માટે કેટલાક ખેડુતોના ખેતરમાં મંજુરી વગર રોડ રસ્તા સહિતનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે.
આ કૌભાંડમાં સ્થાનિક રાજકારણીઓની પણ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક કક્ષાના નેતાઓ પોતાના આર્થિક લાભ માટે ગરીબો અને ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે ચુપકીદી સેવી રહ્યા છે. ખનીજ રોયલ્ટીની ચોરીમાં પણ જવાબદાર તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની ભૂંડી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા વહીવટી વિભાગના અધિકારીઓના ઉપેક્ષિત વલણ સામે પણ શંકાની સોય
તકાઈ રહી છે. સ્થનિક અસામાજિક તત્ત્વો કંપનીઓ પાસેથી સમાજ સેવા અને ગૌ સેવાના નામે રોકડી કરી રહ્યા છે. કૌભાંડને દબાવી દેવા માટે કંપનીના સત્તાધીશો આસામાજિક તત્ત્વોને પ્રસાદી ધરી દઈ રાજી રાખતા
હોય છે. કાંઠાળ કચ્છમાં આડેધડ ઊભી કરાયેલ પવનચક્કીઓના કારણે પશુ-પંખીઓના કુદરતી રહેઠાણ છીનવાઈ ગયા છે. કચ્છમાં ગીધ, ઘોરાડ જેવા રક્ષિત પક્ષીઓ લુપ્ત થવાની કગારે પહોંચ્યા છે તેનું એક મુખ્ય કારણ પવનચક્કીઓ હોવાનું પણ મનાઈ રહ્યું છે. પવનચક્કીઓ અને વીજ રેશાઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર સહિત પક્ષીઓના ભોગ લેવાઈ રહ્યા છે. રક્ષિત અભયારણ્ય વિસ્તારના કારણે ગરીબો કે ખેડૂતોને નવા વીજ જોડાણ આપવા નનૈયો ભણી દેવાય છે પરંતુ તે અભયારણ્યમાંથી પવનચક્કીઓના વીજ વાયરો પસાર કરવા અને વીજ પોલ ઊભા કરવા પરવાનગી આસાનીથી મળી જાય છે. કચ્છ માટે આર્શીવાદરૂપ મનાતો પવનઉર્જાનો પ્રકલ્પ કાંઠાળ કચ્છના ગરીબો, ખેડૂતો, અબોલ પશુઓ માટે મુસિબત સમાન બન્યો છે. જવાબદાર તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને સ્થાનિક કક્ષાના રાજકારણીઓના ભ્રષ્ટાચારનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. વિકાસની આંધળી દોટમાં ગરીબો, ખેડૂતો અને અબોલ જીવ સૃષ્ટિને થઈ રહેલા અન્યાય સામે સ્થાનિકોએ સંગઠીત થઈ ન્યાય માટે લડત કરવી પડશે તેવો મત જાગૃત કચ્છવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Comments