રાત્રીના સરહદો શાંત રહેતા સવારે કચ્છનું જનજીવન રાબેતા મુજબનું થયું
સીઝ ફાયર લાગુ થતાં કચ્છમાં સાંજે સાડા સાત વાગ્યે બ્લેકઆઉટ હટાવાયો અને નલિયા સહિતના વિસ્તારોમાં ડ્રોન દેખાતા ૯ઃ૩૦ કલાકે ફરી લાગુ કરાયો : અજંપાભરી સ્થિતિ હજુ પણ યથાવત
ભુજ : ઓપરેશન સિદુર અન્વયે ત્રણ દિવસથી કચ્છમાં બ્લેક આઉટ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને આતંકવાદીઓને છાવરીને તેની ઓકાત બતાવતા જવાબ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન ગઈકાલે અમેરિકાએ મધ્યસ્થમાં આવી બંને દેશો વચ્ચે સીઝ ફાયર કરાવ્યું હતું. સાંજે સીઝ ફાયરનો આદેશ થતાં કચ્છમાં સાડા સાત વાગ્યે કલેકટર દ્વારા બ્લેકઆઉટ હટાવી લેવાયો હતો, જેથી માર્ગો પર લોકો નિકળી પડ્યા હતા. કેટલીક લારીઓ અને દુકાનો પણ ચાલુ થઈ ગઈ હતી. જો કે, પંજાબ, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન બાદ કચ્છની સરહદે ડ્રોન દેખાતા તાબડતોબ કચ્છમાં બ્લેકઆઉટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. સોશ્યિલ મીડિયાની તાકાત જુઓ કલેકટરે માત્ર ટિ્વટ કર્યું અને વોટસેએપ ગ્રુપોમાં ટ્વીટ વાયરલ થતાં ટપોટપ લાઈટો બંધ થઈ હતી. ગામમાં અને શહેરોમાં કેટલાક જાગૃત નાગરિકો પણ લાઈટો બંધ કરાવવા નિકળ્યા હતા. જો કે, ભુજમાં નેત્રમના કેમેરા, બેંકોના એટીએમ, વિવિધ પ્રકારની દુકાનો અને શોરૂમના સાઈન બોર્ડની લાઈટો ઝગમગતી જોવા મળી હતી. ગરમીમાં લોકો પરેશાન ન થાય અને ઘરમાં જ રહે તે માટે વીજ પુરવઠો ચાલુ રાખી લોકોને બ્લેકઆઉટમાં સહભાગી બનવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ શોરૂમ અને બેંકના જવાબદારોની ભૂલને કારણે સમગ્ર કચ્છના લોકોને લાઈટ વગર રહેવાની ફરજ પડે તેમ છે. લોકોમાં હવે જાગૃતિ આવી ગઈ છે, પરંતુ શોરૂમના સંચાલકો બેફીકર છે ત્યારે ખરેખર કોઈ સૂચના મળે કે, ન મળે પણ દેશના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અચૂક નિભાવવી જોઈએ તેવો મત પણ જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રાત્રે ભુજ શહેરમાં અલગ અલગ સ્થળોએ ડ્રોન ઉડતા હોવાના મેસેજ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા હતા. અબડાસાની સરહદેથી કચ્છમાં ડ્રોન ઘુસાડવાનો પ્રયાસ કરાયો પરંતુ નલિયા એરફોર્સ સ્ટેશનેથી ધડાધડ ફાયરિંગ થતાં બે ડ્રોન તોડી પડાયા હતા. ૧૪થી ૧પ ધડાકા સંભળાતા સમગ્ર અબડાસામાં એક તબક્કે લોકોમાં ઉચાટ ફેલાઈ ગયો હતો. માંડવીમાં આકાશમાંથી શંકાસ્પદ પદાર્થ પડતાં સૌ કોઈ દોડી ગયા હતા. સરહદી ખાવડા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના મેસેજ વાયરલ થયા હતા. રાત્રે અલગ અલગ સ્થળોએથી ડ્રોન ઉડવાના મેસેજો થયા હતા. જો કે, રાતથી સવાર દરમિયાન કચ્છ સહિત તમામ સરહદોએ શાંતિનો અનુભવ થયો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૧ર વાગ્યા સુધી સરહદો સંપૂર્ણ શાંત રહી હતી, જેના કારણે આજે સવારથી જનજીવન રાબેતા મુજબનું રહ્યું હતું. આજે રવિવાર હોવાથી દુકાનો પણ બંધ હતી. અત્રે મહત્વની બાબત એ છે કે, હજુ પણ સમાધાન થયું નથી. આવતીકાલે ૧રમી તારીખે મિટિંગ મળવાની છે. નિશ્ચિત રહેવાના બદલે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની અને વોટસેએપ કે સોશ્યિલ મીડિયામાં ફેક ન્યુઝ ફેલાવાના બદલે સાચા સમાચાર એકબીજાને આપવા જોઈએ. ભુજમાં અલગ અલગ સ્થળોએ સૈન્ય ગોઠવાઈ છે. આકાશમાં પણ તેની અસર જોવા મળે છે. આવા દ્રશ્યોના ફોટા - વિડિયો લેવાનું પણ ટાળવું જોઈએ.
.....................................
હાશ! અંતે બધું ઠારે પડ્યું, ગઇકાલની સરખામણીએ આજે ભુજમાં બધું નોર્મલ
ભુજ : ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થવાના સમાચાર સામે આવતા જ ફરીએવાર એવી આશંકા ઉભી થઇ હતી કે શું ફરી પરિસ્થિતિ તંગ બનશે. ૫રંતુ રાહતની વાત એ છે કે હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. કચ્છના મુખ્યમથક ભૂજની વાત કરીએ તો ભૂજમાં માહોલ શાંતિપૂર્ણ છે.ગઇકાલે યુદ્ધ વિરામ બાદ ડ્રોન અટેક થતા તાત્કાલિક ધોરણે બ્લેકઆઉટ અપાયું હતું, જો કે આજની પરિસ્થિતિ કાલ કરતા બિલકુલ અલગ છે.ભૂજમાં હાલ બિલકુલ શાંતિ૫ૂર્ણ માહોલ છે. તમામ બજારો સમયસર ખુલ્યા છે. ભૂજના નાગરિકો પણ રોજીંદા કામે વળગ્યા છે.મહત્વનું છે કે ગઇકાલે યુદ્ધવિરામ જાહેર કરાયા બાદ લોકોએ તણાવ ૫ૂર્ણસ્થિતિ પૂર્ણ થતા રાહતનો શ્વાસ લીધો હતો.પરંતુ ત્રણ જ કલાકમાં ફરીએકવાર કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં
પાકિસ્તાનની ડ્રોન ગતિવિધિ જોવા મળી હતી, તો શ્રીનગરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબારના સમાચાર પણ સામે આવ્યા હતા. જે બાદ ફરીએકવાર યુદ્ધના વાદળો ઘેરાયા હતા.. પરંતું આજે પરિસ્થિતિ થાળે
પડી છે, અને માહોલ શાંતિપૂર્ણ છે.

Comments