કચ્છમાં ડ્રોન હુમલા બાદ ગુજરાત સરકાર સ્ટેન્ડ ટુઃ સીએમ એ યોજી ઇમરજન્સી બેઠક
ગાંધીનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ ને પગલે સરહદી ગુજરાતમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે આજે સતત બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં પાકિસ્તાન દ્વારા કચ્છ જિલ્લામાં થયેલા ડ્રોન હુમલા ના પ્રયાસ સંદર્ભે જિલ્લા તંત્ર પાસેથી વિગતો મેળવીને સમગ્ર કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા ને વધુ સઘન બનાવવા અને તકેદારીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યના અન્ય સરહદીજિલ્લાઓની
પરિસ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો પર ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ભારતીય સેના એ આ તમામ ડ્રોન ને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવ્યા હતા. આજે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યના મહેસુલ વિભાગના વડા જયંતિ રવિ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના એએસીએસ મનોજ દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બેઠકમાં સરહદી કચ્છ પર જુદા જુદા સ્થળોએ નાપાક પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા નો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના આ તમામ ડ્રોન ને તોડી પાડીને નિષ્ફળ બનાવ્યા હતા.
આ ઘટના અંગે જિલ્લા તંત્ર પાસેથી વિગતો મેળવીને જિલ્લા તંત્રને સેનાના અધિકારીઓ સાથે સંકલન કરીને સમગ્ર કચ્છ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા માટે અને જરૂરી તમામ તકેદારી લેવા રાજ્યકક્ષાએ થી કોઈપણ મદદની જરૂર પડે તો તે અંગે પણ તુરતજ જણાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આ બેઠકમાં કચ્છ સહિત રાજ્યના તમામ સરહદી જિલ્લાઓ અંગેની વર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવીને જરૂરી પગલાં ભરવા માટેની અને તકેદારીના પગલાં ભરવા માટે સમીક્ષા કરીને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Comments