Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ત્રણ વર્ષના અબુબાકરનું બાળપણ ફરીથી ધબકતું થયું

09 May


આરબીએસકે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા ભુજના ત્રણ વર્ષના માસૂમ બાળકની જન્મજાત હૃદયની અને કાનની ખામી માટે બની આશીર્વાદરૂપ

ભુજ : કચ્છ જિલ્લાના ભુજમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા શરીફ સમાના ઘરે વર્ષ ૨૦૨૨માં પુત્ર અબુબાકર સરફરાઝ સમાનો જન્મ થયેલો. ઘરમાં બાળ જન્મની ખુશી તો આવી પરંતુ સાથે બાળક કેટલીક જન્મજાત ખામીનો ભોગ બન્યો. અબુબાકર સમાને જન્મતાની સાથે જ હૃદયમાં કાણું હતું. એની સારવાર લેવાનું પરિવાર વિચારે એ પહેલા જ ત્રણ - ચાર મહિનાનું બાળક થયા પછી પણ કોઈના બોલાવવા કે અવાજની સામે  પ્રતિભાવ આપતુ ન હોવાથી માતા-પિતાની ચિંતામાં વધુ વધારો થયો હતો. ચિંતિત પરિવાર બાળકની તપાસ માટે ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં જતાં બાળકને હાર્ટ સર્જરીની સાથે કાનમાં ખામી હોવાથી તેની પણ સર્જરી કરાવવી પડશે એવું ડોક્ટરે જણાવતા અબુબાકરના માતા-પિતા પર આભ તુટી પડ્યું હતું.
આર્થિક પરિસ્થિતિની સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવવી કે નહીં તે માટે પણ દપંતિના મનમાં અવઢવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતાં આર.બી.એસ.કે.ની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ" વિષે જણાવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા અબુબાકરના માતા-પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતાં.
પિતા શરીફ સમાએ જણાવ્યું હતું કે, આરબીએસકે ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલ- અમદાવાદ ગયા હતા. જ્યાં બાળકને હ્રદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા હતા. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો.આર.બી.એસ.કે ટીમના ડો. નીરવ નાનડા અને ડૉ. નિર્મલા ગોરી દ્વારા બકાલી ફળિયા ભુજ ખાતે તેમનું સ્ક્રિનિંગ કરાયું હતું. જન્મથી જ કાનનો નળ ડેમેજ હોવાથી તે સાંભળી શકતો ન હતો. જેના કારણે તેનું બોલવાનું પણ શક્ય બનતું ન હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી.  છેલ્લા અમુક મહિનાઓથી બાળક થોડું થોડું બોલી રહ્યું છે અને વધુ સારું રીતે બોલી શકે તે માટે તમને સ્પીચ થેરાપી પણ આપવામાં આવી રહી છે. 
--------

Comments

COMMENT / REPLY FROM