ચોપડવાની રામદેવ હોટલમાં પોલીસનો દરોડો : એમડી ડ્રગ્સ પકડાયું
રાજસ્થાનના હોટલ સંચાલકને ઝડપી ૪.૩૮ લાખનું એમડી ડ્રગ્સ તેમજ અન્ય માદક પદાર્થ મળી પ.૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ભચાઉ : પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં અવારનવાર ભોજનની સાથે ડ્રગ્સનો વેપલો થતો હોવાનું સામે આવે છે, ત્યારે ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલ રામદેવ હોટલમાં પોલીસે દરોડો પાડયો હતો. જેમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઈવે પર ચોપડવાથી ભચાઉ તરફ આવતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવેલ રામદેવ હોટલ પાસે બનાવ બન્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુળ રાજસ્થાના જોધપુરના અને હાલે હોટલમાં રહેતા સંચાલક ભંવરલાલ ખીયારામ બિશ્નોઈને ઝડપી લીધો હતો. તેની પાસેથી ૪૩.૮૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિમત રૂા. ૪.૩૮ લાખ તથા શંકાસ્પદ અન્ય માદક પદાર્થ ૯.પ૦ ગ્રામ કિંમત રૂા. ૪૭પ૦૦ તથા રોકડા ૧૩૩૦૦, મોબાઈલ, આધાર કાર્ડ, વજન કાંટો, હોટલનું ભાડા કરાર, જીપ વાળી થેલી વગેરે મળી પ.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરી આગળની ક્રોસ તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે. ડ્રગ્સ કયાંથી આવ્યું ? કોને કોને વેચવામાં આવતું હતું ? તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments