Trending News
સ્થાનિક સમાચાર

  સરહદે તણાવભરી સ્થિતિને પગલે કચ્છમાં તમામ સરકારી તંત્રો હાઈએલર્ટ : જનજીવન રાબેતા મુજબ

09 May




નમો ભારત રેપીડ રેલને આજે ગાંધીધામથી દોડાવાઈ, અન્ય ટ્રેનો પર હાલ કોઈ અસર નહીં



હવાઈ મથકે સીવીલ ફલાઈટનું ઓપરેશન હજુ પણ સ્થગિત : તમામ સરકારી દવાખાનાઓમાં આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા તૈયારી : તમામ પ્રકારના અધિકારી - કર્મચારીઓની રજાઓ સ્થગિત : 



જનજીવનને કોઈ અસર ન પહોંચે તે જોવા ખાસ સુચના : જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી રોજ કચ્છમાં રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે




ભુજ : ઓપરેશન સિંદુર બાદ ગુરુવારે રાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા ડ્રોન - મિસાઈલ વોરના પગલે સમગ્ર રાજ્યને એલર્ટ કરી દેવાયું હતું. ખાસ કરીને પશ્ચિમ છેવાડાનો કચ્છ જિલ્લો હાઈએલર્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. જિલ્લામાં ખાવડા, ખડીર, બેલા, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ, સીરક્રીક, હરામીનાળા, પીંગલેશ્વર, લુણી સહિતના તમામ હવાઈ, દરિયાઈ અને રણ સરહદ પર વિવિધ સુરક્ષા સાધનો સાથે સેનાની ત્રણેય પાંખોના જવાનો સજ્જ છે. ગતરોજ રાત્રે સીરક્રીક પાસે પાકિસ્તાને ડ્રોન વડે કચ્છમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય સેનાએ હવામાં જ ડ્રોન તોડી પાડી આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. હાલ તબક્કે કચ્છમાં કોઈ જાનહાની કે મિલ્કત સબંધી નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. સરહદ પર સેનાના જવાનો તૈનાત છે, તેને પગલે જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ રહેવા પામ્યું છે.  
ગઈકાલે રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેક આઉટ વચ્ચે અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનને અધવચ્ચે આદિપુરમાં જ રોકી દેવાઈ હતી. આજે સવારે ભુજ - ગાંધીધામ વચ્ચે આ ટ્રેનને સ્થગિત રાખવામાં આવી હતી. ગાંધીધામથી તેના નિયત સમયે આ ટ્રેન ઉપડી હતી. આ ઉપરાંત અન્ય ટ્રેનોના વ્યવહાર હાલના તબક્કે કોઈ જ અસર થવા પામી નથી. એરપોર્ટમાં સીવીલ ફલાઈટનો ઓપરેશન હજુય બંધ રાખવામાં આવ્યું છે. ભુજ એરપોર્ટ સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. જિલ્લાના તમામ સરકારી દવાખાના અને હોસ્પિટલમાં વોર્ડ, દવાઓથી લઈને સ્ટાફની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકાર તરફથી કચ્છને નવી વીસ ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે સાંજ સુધીમાં પહોંચી આવશે. કેન્દ્ર સરકારે આદેશ કરતાં કચ્છ સહિતના જિલ્લાઓમાં રાત્રે ૯.૩૦ વાગ્યાથી બ્લેકઆઉટ કરાયું હતું. શરૂઆતમાં વરસાદને પગલે લાઈટ ગઈ હોવાનું લોકોને લાગ્યું હતું. જેથી જીઈબીમાં ફોનના મારા થયા હતા. જો કે બાદમાં વોટસઅપ મારફતે લોકોને જાણવા મળ્યુ કે, યુદ્ધની સ્થિતિને પગલે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ઘણા હોંશી લોકો રાતના સમયે વાહનો લઈને બ્લેકઆઉટ જોવા નિકળ્યા હતા. ૧૧ વાગ્યા સુધી ભુજમાં વાહનોની લાઈટો જોવા મળી હતી. જો કે બાદમાં પોલીસે તમામ સ્થળોએ કડક ચેકીંગ કરતા સમગ્ર શહેરમાં અંધારપટ્ટ સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. સવારે પાંચ વાગ્યે વીજ પુરવઠો ચાલુ થયો હતો. આગામી સુચના ન મળે ત્યાં સુધી આ સરહદી જિલ્લામાં રાતના સમયે બ્લેકઆઉટ રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. કચ્છના સરકારી તંત્ર દ્વારા બ્લેકઆઉટ સહિતની ગતિવિધિ બાબતે લોકોને સોશીયલ મીડિયા કે અન્ય માધ્યમથી માહિતી આપવામાં આવે તેવો સુર ઉઠયો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકાવી શકાય. 

Comments

COMMENT / REPLY FROM