Trending News
સ્થાનિક સમાચાર

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા ભુજમાં વર્લ્ડ રેડક્રોસ ડે  નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

08 May



હેલ્થ કમિશનર  હર્ષદ પટેલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છની કામગીરીની કરી સમીક્ષા : રક્તનો જથ્થો જાળવી રાખવા કરાયો અનુરોધ

ભુજ : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા ભુજના ત્રિમંદિર ખાતે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રેડક્રોસના સ્વયંસેવકો, પોલીસ દળના જવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો રક્તદાન માટે ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, રેડક્રોસ કચ્છના ચેરમેન ધવલભાઈ આચાર્ય, ખજાનચી સંજયભાઈ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલિયા તથા પરાગભાઈ લીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષદ પટેલે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંકની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં દેશભરમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે બ્લડ સ્ટોક જાળવવાનો મહત્ત્વનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે માતૃશ્રી અમરબાઇ ભીમજી કરસન રાઘવાણી પરીવારના કલ્યાણભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી તેમના ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નિયમિત રક્તદાતા કુલદીપભાઈ ગોહિલ અને હીરામભાઈ લંબાચીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
રેડક્રોસ સોસાયટી તરફથી દરેક વિભાગ અને નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી આવશ્યક સમયે કોઈને રક્તની અછત ન અનુભવવી પડે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ સંચાલિત માતૃશ્રી અમરભાઈ ભીમજી કરસન રાઘવાણી બ્લડ સેન્ટર ખાતે કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર દર્દીઓને બ્લડ આપવામાં આવતું હોવાનું જણાવીને વર્તમાન સમયમાં રેડક્રોસ ભવન ખાતે ૨૪/૭ સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમજ રક્ત દાતાઓ અહીં આવીને પણ  રક્તદાન કરી શકે છે. આ ઉપરાંત કોઈ સંસ્થા બ્લડ ડોનેશન કેમ્પ યોજવા ઇચ્છે  તો તે માટે પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ તૈયાર હોવાનું ચેરમેન ધવલભાઈ આચાર્યે જણાવ્યું હતું. 
-----

Comments

COMMENT / REPLY FROM