Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૪૧૦૦ વિદ્યાસહાયક શિક્ષકોની સ્પેશિયલ ભરતી માટે ૧રથી ર૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે 

08 May

શિક્ષક ઘટની સમસ્યાથી પીડાતા કચ્છમાં હવે કાયમી શિક્ષકોની ભરતી માટે કાર્યવાહી શરૂ 





ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત બહાર પડાઈ : વર્ષ ર૦ર૩ કે તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે 




ભુજ : સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો અવાર-નવાર સામે આવતો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક પામતા શિક્ષકો થોડો સમય નોકરી કરે અને બાદમાં પોતાના વતનમાં બદલી કરાવી લેતા હોવાથી કચ્છમાં શિક્ષક ઘટ કાયમી સમસ્યા બની હતી. જેના ઉકેલ રૂપે સ્થાનિક ભરતીની માંગ કરવામાં આવી હતી. સરકારે માંગ સ્વિકારી કચ્છમાં ખાસ કિસ્સામાં ૪૧૦૦ શિક્ષકો ભરવાની મંજૂરી આપી છે. નોકરીમાં જોડાયા પછી નિવૃત્તિ સુધી શિક્ષકોએ કચ્છમાં જ નોકરી કરવાની રહેશે તેવી શરત મુકવામાં 
આવી છે. રાજ્યના ટેટ/ ટાટ પાસ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોતા હતા તે કચ્છ જિલ્લા માટેની વિધાસહાયકની ખાસ ભરતીની આખરે જાહેરાત કરાઈ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમની કુલ ૪૧૦૦ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી થશે. પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના અધ્યક્ષ અને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઈ.જોષી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત અનુસાર નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માટે કુલ ૨૫૦૦ જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાન વિષયની ૫૦૯, ભાષાની ૫૫૪ જ્યારે સામાજિક વિજ્ઞાન માટે ૫૩૭ મળી કુલ ૪૧૦૦ જગ્યાઓ ભરવા માટે જાહેરાત અપાઈ છે. આ જાહેરાતમાં વર્ષ ૨૦૨૩ અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતીમાં જિલ્લાના સ્થાનિક ઉમેદવારો માટે કોઈ છૂટછાટ કે વિશેષ લાભ નથી અપાયો. ભરતી માટે રાજ્યના તમામ ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી અંગે તા.૧૨/૦૫/૨૦૨૫ સવારના ૧૨ઃ૦૦ કલાકથી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ બપોરના ૧૫ઃ૦૦ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૧/૦૫/૨૦૨૫ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહી. નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ ૧ થી ૫માં વધારાની ર૫૦૦ જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬ થી ૮ માટે અગાઉ મળેલ ૭૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે ૧૬૦૦ જગ્યાઓની ફાળવણી કરવામાં આવી હતી. તા. ૦૧/૧૧/૨૪ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓ આ જાહેરાત અન્વચે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે તેમ જણાવાયું છે. 


...........



સંભવતઃ નવા સત્રથી શિક્ષકો મળે તેવી શક્યતા 




સરકાર દ્વારા જાહેરાત કરાઈ, જાહેરનામું બહાર પડ્યું  અને તે પછી વેકેશનમાં ભરતીની જાહેરાત આપી દેવામાં આવી છે. અરજીઓ આવ્યા બાદ તેનું પૃથ્થકરણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિમણૂકો સીધી ભરતીથી કરવામાં આવશે. સૂત્રોના મતે જો સમયસર કાર્યવાહી થઈ તો નવા સત્રથી કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નિમાય તેવી શક્યતાઓ છે. 



...........



જલ્લાની ૧૬૬૪ પ્રાથમિક શાળામાં ૯,૪૯૬ શિક્ષકોનું મહેકમ

કચ્છમાં કુલ ૧૬૬૪ સરકારી પ્રાથમિક શાળા છે, જેમાં ધો.૧થી પ માં પ,૬૪૩ અને ધો.૬ થી ૮ મા ૩,૮પ૩ મળી કુલ ૯,૪૯૬ શિક્ષકોનું મહેકમ છે. કુલ ર૭ર૯ શિક્ષકોની જગ્યા ખાલી હતી એ દરમિયાન ઓનલાઈન ફેરબદલી, ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પો યોજાયા તે બાદ તમામ ૧૦૦ ટકા શિક્ષકો છુટા કરવામાં આવે તો કચ્છમાં ૪,૩૦૪ શિક્ષકોની ઘટ હતી. જે બાબતે વારંવાર મુદ્દો ઉઠ્યા બાદ સ્પેશિયલ ભરતીની જાહેરાત કરાઈ છે. આ સ્પેશિયલ ભરતી ઉપરાંત અગાઉ મંજૂર થયેલ શિક્ષકોની ભરતી થવાની છે. શિક્ષકોની ઘટ તો પુરાઈ જશે પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સીઆરસી, બીઆરસી, કેળવણી નિરીક્ષક, આચાર્ય સહિતની જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ પર પણ નિમણૂકો થાય તેવો સૂર ઉઠી રહ્યો છે.

..........

Comments

COMMENT / REPLY FROM