હસ્તકળાના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા અધિકારીનો વિદાય સમારંભ યોજાયો
ભુજ : ‘કચ્છ હેન્ડીક્રાફ્ટ મિત્ર’ દ્વારા એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ, અજરખપુર ખાતે ડેવલપમેન્ટ કમિશ્નર ઓફિસ (હેન્ડીક્રાફ્ટ) વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સહ નિયામક) રવિવીર ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો.
કચ્છમાં હસ્તકળા ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ અને કારીગરો માટે કાર્યરત ‘કચ્છ હેન્ડીક્રાફ્ટ મિત્ર’ સંગઠન દ્વારા ડેવલપમેન્ટ કમિશ્નર ઓફિસ (હેન્ડીક્રાફ્ટ) - વિકાસ આયુક્ત (હસ્તકળા) વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સહ નિયામક) રવિવીર ચૌધરીની જોધપુર-રાજસ્થાન ખાતે બદલી થતાં તેમનો એલએલડીસી, અજરખપુર ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દિપેશભાઈ શ્રોફ ચેરમેન શ્રુજન અને એલએલડીસી, પંકજભાઈ શાહ-કસબ, યોગેશભાઈ વાસવાણી - આસિ. કમિશ્નર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ, નીરજ કુમાર સિંઘ- ડીડીએમ- નાબાર્ડ, ડૉ. મનિષભાઈ કંવાટ - વૈજ્ઞાનિક- સીએઝેડઆરઆઈ, મિતેશભાઈ ગામિત -એલડીએમ, મનોજભાઇ કૂંડું-એચપીઓ-દિલ્હી, આશુતોષભાઈ,એચપીઓ-ભુજ, મનોજ પાંડે- ડાયરેક્ટર સ્મૃતિવન ભુજ, તેરા ઠાકોર કુંવર હર્ષઆદિત્યરાજસિંહ, કાવ્યા સક્સેના, ઘટિતભાઈ-ખમીર સંસ્થા, હરિશભાઈ ઉરમાડે, સીએસઆર હેડ -આશાપુરા ઇન્ટરનેશનલ લિ., હિરેનભાઈ કોટડીયા, આર-સેટી-ભુજ, જામનગરથી પ્રજ્ઞેશભાઈ ચૌહાણ, પાટણથી દાદુજી ચાવડા, બનાસકાંઠાથી પ્રવીણભાઈ ગોરડીયા, સોમનાથથી વિક્રમભાઈ, અજરખપુરથી ડૉ.ઈસ્માઈલ ખત્રી, પાબીબેન રબારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હસ્તકલાના અન્ય કારીગરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રવિવીર ચૌધરીના સફળ નેતૃત્ત્વ હેઠળ કચ્છમાં હસ્તકળા ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યાં છે. અજરખ બ્લોક પ્રિન્ટ, કચ્છી બાંધણી, કચ્છ રોગાન કળા વગેરે વિવિધ હસ્તકલાઓને ભૌગોલિક ઓળખાણ (જી. આઈ. ટેગ)મેળવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે હસ્તકળાના તેમજ કારીગરોના સર્વાંગી વિકાસમાં સરકારી અને બિનસરકારી સંસ્થાઓને જોડીને મહત્વની ભૂમિકા ભજવી હતી. એ સિવાય એમણે કચ્છના દૂરવર્તી વિસ્તારોના કુશળ કારીગરોને હસ્તકળાના વિવિધ પ્રદર્શનો, કાર્યક્રમો વગેરેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને તેમને યોગ્ય પુરસ્કારો મળે તે માટે પ્રયત્નો કર્યા હતા. તેઓ કચ્છમાં ૨૦૧૮ થી કાર્યરત હતા. આ ૭ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે કચ્છના કારીગરો માટે ઘણા પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. અજરખ, બાટિક વગેરે હસ્તકળા સાથે સંલગ્ન કારીગરોને પોતે બનાવેલ કપડાં પોતે જ પહેરીને તેનું પ્રમોશન કરે તે માટે પહેલ કરી હતી. તેમણે ભવિષ્યમાં પણ જે કોઈ નવા પ્રોજેક્ટ આવે તેમાં કચ્છી કારીગરો શક્ય એટલો વધુ લાભ મેળવે તે અંગે મદદ તથા માર્ગદર્શન પૂરાં પાડવાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ચૌધરીના કાર્યકાળ દરમ્યાન તેમના દ્વારા કરાયેલા કાર્યોને બિરદાવતાં દિપેશભાઈ શ્રોફે જણાવ્યું હતું કે આવા બાહોશ અને સક્રિય અધિકારી કચ્છને મળવા એ સૌભાગ્યની વાત છે. મનોજભાઇ કૂંડુંએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શ્રી ચૌધરીએ કારીગરોને પોતાની કલાને પ્રોત્સાહિત કરવા માટે સૂચન કર્યું હતું અને તે મુજબ કારીગરોએ સહર્ષ સ્વીકારીને તેનો અમલ પણ કર્યો છે. અજરખપુરના ડો. ઈસ્માઈલ ખત્રીએ જણાવતા કહ્યું હતું કે રવિવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કચ્છની હસ્તકળા અને તેના કારીગરોનો સર્વાંગી વિકાસ થઈ શક્યો છે. કાર્યક્રમમાં દાદુજી સોઢા, વિક્રમભાઈ, પાબીબેન, ગુલામહુશેનભાઈ, ગફુરભાઈ, માજીખાન મુતવા વગેરે કારીગરોએ રવિવીર ચૌધરી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમના અંતમાં રવિવીર ચૌધરીએ કચ્છમાં પોતાની કર્મયાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે કચ્છ સાથે હંમેશા જોડાયેલો રહીશ. તેમણે હસ્તકળાના કારીગરો સાથે કરેલ કાર્યો અને અનુભવોને યાદ કરતાં જણાવ્યું હતું કે કચ્છ સાથે ઘણાં અનમોલ સંસ્મરણો જોડાયેલા છે. કચ્છની હસ્તકળા સંલગ્ન સંસ્થાઓ તેમજ કારીગરોએ વિવિધ ભેટસોગાદો આપીને તેમનું સન્માન કર્યું હતું અને ભાવભરી વિદાય આપી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન એલ. એલ. ડી. સી.ના પી. આર., ઈવેન્ટ અને આઈ. ટી. વિભાગના હેડ મહેશભાઇ ગોસ્વામી અને એચ. આર. હેડ ભૌતિકભાઈ વૈષ્ણવે કર્યું હતું. આભારવિધિ દાદુજી સોઢાએ કરી હતી. વિવિધ સંસ્થાઓની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.
------------

Comments