ઈંધણ પંપો પર ‘સબસીડી’ ચોરીનું જિલ્લા વ્યાપી કૌભાંડ
કચ્છમાં સહકારી મંડળીઓ સંચાલિત
સરકાર દ્વારા સહકારી મંડળી અને સભ્યોના વાહનો માટે અપાતી સબસીડીનો કેટલાક સંચાલકો લઈ રહ્યા છે ગેરલાભ : બજારમાં મલતો ડીઝલથી અંદાજીત પંદર રૂપીયા ઓછા હોવાનું કારણે મંડળીના સભ્યો ન હોવા છતાં ડીઝલ મેળવવા પડાપડી થઈ રહી છે : લાંબા સમયથી જિલ્લા બહાર દોડતી ગાડીઓના ઈંધણ બિલ બનાવી સરકારી તિજોરીને ચોપડાઈ રહ્યો છે ચૂનો : કેટલાક રાજકીય નેતાઓ આ ધંધામાં દોર લગાવી....
સબસીડીના ગેરલાભની ગંધ ગાંધીનગર સુધી પહોંચી : લાંબા સમયથી ચાલી રહેલ લાલિયાવાડી પર ઉચ્ચ અમલદારોનું ધ્યાન જતાં તોડાઈ રહ્યા છે પગલાં : કચ્છમાં કેટલાક મંડળીઓ સંચાલિત ૫ેટ્રોલપંપના પરવાના રદ થવાની ઘડાતી ઘડીઓ : આવા પંપ પર પોતાની ગાડીઓની ટાંકી ફૂલ કરાવતા જિલ્લાના કેટલાક ‘ભ્રષ્ટ’ અધિકારીઓના પગની નીચે પણ આવશે રેલો : આવનાર દિવસોમાં સબસીડી કૌભાંડમાં કડકા - ભડાકાની વકી : મંડળીમાં નોધાયેલા પેટ્રોલ પંપની તપાસ રજીસ્ટ્રાર અને પુરવઠા તંત્ર સંયુક્ત હાથ ધરે તો મોટા કૌભાંડ બહાર આવે તેમ છે : મંડળીનો ડીઝલનો આખો - આખો ટેન્કર બરોબાર વેચી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી : કચ્છ કલેકટર આ સબસીડીવાળા પેટ્રોલ પંપની તપાસ કરાવે તેવી માંગ કંપની સંચાલીત પેટ્રોલ પંપની રજુઆત
ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં સહકારી ક્ષેત્રનું માળખું ખુબ જ સુદ્રઢ માનવામાં આવે છે. ખેતી, પશુપાલન સહિતના ક્ષેત્રે કાર્યરત સહકારી મંડળીઓ નોંધપાત્ર કામગીરી કરી છે, પરંતુ તે સાથે સહકારી ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રની જેમ ભ્રષ્ટાચારનું દુષણ પ્રવેશી ગયું છે. કચ્છમાં અવાર નવાર સહકારી ક્ષેત્રને લગતા નાના - મોટા કૌભાંડો બહાર આવતા રહે છે, તેવામાં સહકારી મંડળીઓના ઈંધણ પંપો પર થતી ગેરરીતિની ફરી ચકચાર મચી ગઈ છે.
આ અંગે વિશ્વાસપાત્ર સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સહકારી મંડળી દ્વારા સંચાલિત ઈંધણ પંપો પર મોટા પ્રમાણમાં સબસીડીની ચોરી કરી મોટૂં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા સહકારી મંડળી અને તેના સભ્યોના વાહનમાં પુરાતા ઈંધણના ભાવમાં સબસીડીનો લાભ આપવામાં આવે છે. સબસીડી યુક્ત ડીઝલનો ભાવ સામાન્ય લોકોને મળતા ઈંધણના ભાવથી ઓછો હોય છે. ઈંધણ પંપના સંચાલકો તેનો ભરપુર લાભ ઉઠાવતા હોય છે. સુત્રોના જણાવ્યા અનુસાર સહકારી મંડળીઓના સભ્યો એવી ગાડીઓના ઈંધણના બિલ બનાવી દેવામાં આવે છે, જે ગાડીઓ લાંબા સમયથી જિલ્લાની બહાર જ ફરી રહી છે. આવી ગાડીઓના નિયમિત ઈંધણ ભરાયાના બિલ બને છે, પરંતુ તે ઈંધણ અન્ય લોકોની ગાડીઓમાં પુરાતું હોય છે. સરકાર દ્વારા મળતી સબસીડીનો લાભ સંચાલકો લઈ જતા હોય છે. કચ્છમાં આ ગેરરીતિ મોટા પ્રમાણમાં ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પુરવઠા તંત્ર કે,જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. સરકારી વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની ગાડી આવા પંપ પર ફુલ ટેન્ક કરી દેવામાં આવે છે. જાણકારો કહે છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાથી આવી ગેરપ્રવૃતિને મોકળું મેદાન મળી ગયું છે.
કચ્છમાં સહકારી ઈંધણ પંપોની ગેરરીતિ બેફામ બની છે. સંચાલકો સબસીડીની રકમ બારોબાર ચાંઉ કરી ફાટીને ધુમાળે ગયા છે. પાપનો ઘડો હવે ભરાઈ ગયો હોવાથી ફુટવાની કગારે પહોંચ્યો છે. સુત્રોનું માનીએ તો આ ઈંધણની સબસીડીના ગેરલાભની લાલિયાવાડી પર હવે ઉચ્ચ અમલદારોનું ધ્યાન ગયું છે. ગાંધીનગર કક્ષા સુધી ભ્રષ્ટાચારની આગના ધુમાળા પહોંચ્યા હોવાથી આવનાર દિવસોમાં કચ્છમાં અમુક ઈંધણ પંપના પરવાના રદ થવાની તલવાર લટકી રહી છે. સરકારી તિજોરીને કરોડોનો ચુનો ચોપડનાર કચ્છ જિલ્લાના કેટલાક સંચાલકો સામે કાયદાકીય પગલાં લેેવાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે, ત્યારે આવનાર દિવસોમાં મોટા સબસીડી કૌભાંડનો પર્દાફાશ થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

Comments