સરહદી તનાવ વચ્ચે કચ્છમાં ત્રણ દિવસની ક્રાઈમ કોન્ફરન્સ
રાજયભરનાં તમામ આઈપીએસ અધિકારીઓ પાકિસ્તાની સરહદ ધરાવતાં કચ્છમાં એકઠા થશે
ગુજરાતના પોલીવડા વિકાસ સહાય આગામી મહિને નિવૃત થવાના છે તે પૂર્વે કચ્છમાં ત્રણ દિવસની ક્રાઈમ કોન્ફરન્સ નકકી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ગંભીર ટેન્શન વચ્ચે ગુજરાતના સરહદી જીલ્લા એવા કચ્છમાં ત્રણ દિવસની ક્રાઈમ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે.ગુજરાતના પોલીવડા વિકાસ સહાય આગામી મહિને નિવૃત થવાના છે તે પૂર્વે કચ્છમાં ત્રણ દિવસની ક્રાઈમ કોન્ફરન્સ નકકી કરવામાં આવી છે. પોલીસ બેડામાં આ મામલે જુદા-જુદા અભિપ્રાય ઉઠવા લાગ્યા છે. અધિકારીઓનો એક વર્ગ એવો સવાલ ઉઠાવે છે કે એક બાજુ બળબળતો ઉનાળો છે અને રણપ્રદેશ હોવાના કારણોસર કચ્છમાં હીટવેવ જેવી હાલત રહેતી હોય છે.બીજી તરફ પહેલગામ હુમલા બાદ સર્વત્ર હાઈએલર્ટ છે અને ગેરકાયદે વસતા પાકિસ્તાની-બાંગ્લાદેશી તથા રાષ્ટ્ર વિરોધી તત્વો પર ઘોસ બોલાવવા સાથે તેઓના ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. તેવા સમયે રાજયભરનાં જીલ્લા પોલીસ વડા, આઈજી સહીત તમામ આઈપીએસ અધિકારીઓને એક સ્થળે એકત્રિત કરાય ત્યારે કોઈ સ્થળે કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં દોડધામ થઈ શકે છે.
જોકે,અધિકારીઓનો એક વર્ગ એવુ માને છે કે સરહદી વિસ્તારની આ બેઠકથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં ફાયદો થશે. સુત્રોએ એમ પણ કહ્યું કે પોલીસવડા વિકાય સહાયને એકસટેન્શન મળવાની વાત છે. છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સંકેત અપાયા નથી. રાજયમાં ૧૮ આઈએએસ અધિકારીઓની બદલી વચ્ચે હવે પોલીસબેડામાં પણ બદલીનો ઘાણવો નિકળવાની અટકળો શરૂ થઈ છે. સીનીયર તથા મીડલેવલ સ્તરના
આઈપીએસ અધિકારીઓની તુર્તમાં બદલી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે ગૃહવિભાગમાં આઈપીએસ અધિકારીઓની બદલી વિશે ચર્ચા થઈ ગઈ છે. હજી એક વખત ચર્ચા થયા બાદ બદલી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવે તેવી સંભાવના છે. આ વખતની બદલીનો ઘાણવો ઘણો મોટો રહી શકે છે.

Comments