Trending News
સ્થાનિક સમાચાર

ઈમ્પેક્ટ ફી કાયદા સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ

05 May

ગેરકાયદેસર બાંધકામને તોડવા સિવાય કોઈ વિકલ્પ નથી



કાયદો ઘડતી વખતે રાજ્ય સરકારે મહત્ત્વના મુદ્દાને કર્યા નજરઅંદાજ : સુપ્રિમ કોર્ટની બેન્ચે ગેરકાયદે બાંધકામના કેસમાં કડક વલણ અપનાવવા કરી તાકીદ : કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર તેમજ ગાંધીધામ સહિતમાં અનેક અરજી થઈ તેમાં કેટલીક મંજુર થઈ છે તેમાં મોટી ચર્ચાઓ શરૂ 


ગ્રામ્ય વિસ્તારોમાં વહિવટી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે સઘન ઝુંબેશ ટાંકણે શહેરી વિસ્તારના અનધિકૃત બાંધકામને નિયમિત કરતા અધિનિયમના ભવિષ્ય અંગે સર્જાયા સંશય



ભુજ : ગુજરાત સરકારે રાજ્યના ૧પ લાખથી વધુ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ૧૮મી ફેબ્રુઆરી ર૦૧રથી ઈમ્પેક્ટ ફી અંગેનો કાયદો અમલમાં મૂક્યો હતો. આ અધિનિયમ હેઠળ લોકો પોતાના ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરી તેને કાયદેસર કરાવી શકતા હોય છે. મિલકત કાયદેસર થતા મિલકત ધારકો તેને પોતાના નામે ચઢાવી તેનં વેચાણ કે બક્ષીસ આપી શકે છે. આ ઉપરાંત બેંક કે નાણાંકીય સંસ્થામાંથી લોન પણ મેળવી શકે છે. આ નિયમમાં અનેક આંટીઘૂંટીઓ હોવા છતાં કચ્છ સહિત ગુજરાતમાં અનેક લોકો આગળ આવ્યા હતા અને નિયત ફી ભરી પોતાના ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરાવવા અરજી કરી હતી, પરંતુ હવે ભારતની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ અને તેને કાયદેસર કરવાની પ્રક્રિયાને ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, ગેરકાયદે બાંધકામને તોડી પાડવા સિવાય વિકલ્પ નથી કે બચવાનો કોઈ રસ્તો નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ન્યાયતંત્ર બંધારણીય જોગવાઈઓથી જરા પણ મુક્ત નથી.સુપ્રિમ કોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે, બિનઅધિકૃત વિકાસ કાયદાને ઘડતી વખતે રાજ્ય સરકારો દ્વારા આવા મુદ્દાને મહત્ત્વ અપાયું નથી તેનું દુઃખ છે. ઈમ્પેક્ટ ફી લઈને ગમે તે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી દેવામાં આવે છે. કોર્ટે આવા કેસમાં કડક વલણ અપનાવવું જોઈએ. જે લોકો કાયદાનો ભંગ કરે છે તેનો કોર્ટે બચાવ કરવો જોઈએ નહીં. જો કાયદો જ આવા લોકોની રક્ષા કરશે અને તેમને દંડમાંથી બચાવશે તો કાયદાની જોગવાઈઓ નબળી પડશે. કાયદો અને તેની જોગવાઈઓ સમાજની આધારશિલા છે. કોર્ટોને ગેરકાયદેસર બાંધકામના મામલામાં સખત વલણ અપનાવવા સુપ્રિમ કોર્ટની બેન્ચે તાકીદ કરી છે.સુપ્રિમ કોર્ટના આકરા તેવર બાદ હવે ગુજરાતમાં અમલી ઈમ્પેક્ટ ફી અધિનિયમના ભવિષ્ય વિશે સવાલ ઉઠ્યા છે. શહેરી વિસ્તારોમાં ગેરકાયદે કરાયેલા બાંધકામોને નિયમિત કરવા અમલમાં આવેલ ઈમ્પેક્ટ ફીનો કાયદો બંધારણની જોગવાઈને સુસંગત છે કે નહીં તેની ચર્ચા સમાજમાં શરૂ થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કચ્છ સહિત રાજ્યમાં વહિવટી તંત્ર દ્વારા સરકારી પડતર જમીન કે ગૌચરમાં કરવામાં આવેલ અનધિકૃત દબાણોને દૂર કરવા સઘન ઝુંબેશ આદરી છે. કચ્છના જુદા - જુદા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલ અતિક્રમણ તોડી પાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ શહેરની વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને ઈમ્પેક્ટ ફી અધિનિયમ તળે પોતાના અનધિકૃત બાંધકામને નિયમિત કરાવવાની અપાતી તક સામે સુપ્રિમ કોર્ટના આકરા તેવરથી સંશય સર્જાયા છે. સુપ્રિમ કોર્ટની તાકીદ બાદ આવનાર દિવસોમાં ગુજરાત અને અન્ય રાજ્યની સરકારો ઈમ્પેક્ટ ફી અધિનિયમ અંગે શું નિર્ણય લે છે તેના પર લોકોની મીટ 
મંડાઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM