લુડિયાથી સોલારિસ કંપની સુધી રસ્તાના કામમાં લીપાપોતીની રાવ
ખાવડામાં સાંથણીની જમીનના સર્વે વિના રસ્તો કાઢવાનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ આવ્યો સપાટીએ : ૩.૭પ કિ.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનું કામ શરૂ થતાં હલકી ગુણવતાના રો-મટેરીયલના વપરાશની ઉઠી ફરિયાદ : મોરમના બદલે સ્થાનિકેથી જ ખારાશવાળી માટી પથરાઈ રહી હોવાનો સ્થાનિકોએ કર્યો વિરોધ : હાજીપીર રોડની જેમ આ રસ્તો પણ જોતજોતામાં ખખડધજ બની જવાની વ્યક્ત કરી ભીતિ
૧.૯પ મીટરની કુલ હાઈટ ધરાવતા માર્ગની પ્રથમ બે લેયરમાં સ્થાનિક માટીનો થશે વપરાશ : ઉપરની પરતમાં અપગ્રેડ મોરમ વપરાશે : ગુણવતાસભર અને મજબૂત કામ થશે : માર્ગ અને મકાન વિભાગ
ભુજ : રોડ રસ્તાઓએ કોઈ પણ વિસ્તારના વિકાસની ધોરી નસ સમાન હોય છે. ક્રમશઃ વિકસીત થતા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનો સમાંતરે વિકાસ થવો પણ જરૂરી હોય છે, ત્યારે ઔધોગિક અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વિકાસથી ધમધમતા થયેલા કચ્છના ખાવડા વિસ્તારમાં રોડ રસ્તા સહિતની પાયાની સુવિધાઓનો ઝડપભેર વિસ્તાર થઈ રહ્યો છે, ત્યારે ખાવડા સમીપે લુડિયાથી સોલારિસ કંપની સુધી બની રહેલા ૩.૭પ કિલોમીટરનો માર્ગ નિર્માણ થતા પહેલાથી જ વિવાદનું કારણ બની ગયો છે.
ખાવડા વિસ્તારમાં વિવિધ સમાજના ૪૦ જેટલા ખેડૂતોને વર્ષ ૧૯૭૧માં સાંથણીમાં ખેતીની જમીન અપાઈ હતી, જેના સર્વેની કામગીરી પણ થઈ નથી તે પહેલાં જ તે વિસ્તારમાં કંપનીને જોડતા રસ્તાના સર્વેની કામગીરી શરૂ થઈ તે સમયે ભારે વિવાદ સર્જાયો હતો. ખેડૂતોએ પોતાની જમીન કપાતમાં જતી બચાવી લેવા રજૂઆતો કરી હતી.
આ વિવાદ શમે તે પહેલાં જ ૩.૭પ કિલોમીટર લાંબા અને ૧૦ મીટર પહોળા રસ્તાનું કામ શરૂ થતાં ફરી નવો વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર રસ્તાના કામમાં ભારે લાપરવાહી દાખવવામાં આવી રહી છે. ટેન્ડરની શરતો મુજબ ગુણવતાસભર કામ થતું નથી. રસ્તાના કામમાં બહારથી લાવી મોરમ વાપરવાના બદલે આસપાસના વિસ્તારમાંથી જ ખારાશવાળી માટી પાથરવામાં આવી રહી છે. આ રસ્તા પરથી નમક ભરેલા ભારે વાહનો પસાર થવાના હોવાથી રસ્તાનું કામ મજબૂત થવું જરૂરી છે, પરંતુ ગુણવતાસભર કામ થવાના બદલે આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક જાગૃતોએ હાજીપીર રોડનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું હતું કે, નમક ભરેલા ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે તે રસ્તો ખખડધજ બન્યો છે. હલકી ગુુણવતાનું કામ થવાથી પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે. લુડિયાથી કંપની સુધીનો રસ્તો પણ હાજીપીર રોડની જેમ બન્યાના થોડા જ દિવસોમાં ખખડધજ બની જશે, જેથી રસ્તાની કામગીરીમાં ગુણવતાસભર રો-મટેરીયલ પુરતા પ્રમાણમાં વપરાય અને ભારે વાહનોના પરિવહનને સહી શકે તેવો મજબૂત રસ્તો બને તે જરૂરી છે, પરંતુ રસ્તાનું કામ શરૂ થયું છે તેમાં જ મોટી કચાશ જોવા મળી રહી છે. તંત્ર વાહકો કામ ગુણવતાસભર થાય તેની તકેદારી રાખે તેવી લોકલાગણી સ્થાનિકે પ્રવર્તિ રહી છે.
આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચેતન ડુડિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ રસ્તાની ટોટલ હાઈટ ૧.૯પ મીટર છે, જેમાં પ્રથમ લેયર ૦.૪પ મીટર અને ૧ મીટરની બીજી લેયરમાં સ્થાનિકેથી જ માટીનો વપરાશ કરવાનો છે, જયારે ત્રીજી પરતમાં અપગ્રેડ મોરમ વપરાશે. સ્થાનિક લોકો ટોટલ સેકશનમાં મોરમ વપરાય તેવો આગ્રહ રાખી રહ્યા છે, જે વ્યવહારૂ રીતે શકય નથી, જો ૧.૯પ મીટરના અપગ્રેડ મોરમ વપરાય તો પ્રોજેકટ કોસ્ટમાં તે કામ થઈ શકે જ નહીં. લાખો ઘનમીટર મોરમનો વપરાશ કરવામાં આવે તો ૩.૭પ કિ.મી.નો માર્ગની કોસ્ટ પ૦ કરોડથી પણ વધુની થાય જે વ્યવહારૂ દ્રષ્ટીએ શકય નથી. પ્રથમ અને બીજા લેયરમાં સ્થાનિક એક્ઝિટીંગ માટીનો જ વપરાશ કરવાનો છે. બાકીના કામમાં બહારથી લાવી અપગ્રેડ મોરમનો ઉપયોગ કરાશે. રોડનું કામ ગુણવતાસભર જ થશે તેવું તેમણે વધુમાં
જણાવ્યું હતું.

Comments