પિંગલેશ્વર નજીક દરિયામાં તણાઈને આવેલા કેફી પદાર્થના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા
વિવિધ એજન્સીઓ વચ્ચે દરિયામાં પેકેટ શોધવા માટે હોડ જામી
ભુજ : આજે સોમવારે સવારે જખૌ સેકટરના નલિયા મરીન કમાન્ડોની ટીમ દ્વારા પિંગલેશ્વર દરિયાથી યક્ષ મંદિર સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સિંધોડી બાજુ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈને કિનારા પર આવેલા કેફી પદાર્થના ત્રણ પેેકેટ મળી આવ્યા હતા. રાવળપીર મંદિર વચ્ચેના દરિયા કિનારે આ પેકેટ મળી આવ્યા હતા. જે કબ્જે કરી જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. મરીન કમાન્ડોના પીએસઆઈ એચ.જે. રાઠોડ, કમાન્ડો લાખાભાઈ ડાભી, જયસુખભાઈ નૈયાત્રા, શંભુસિંહ જાડેજા, ધર્મેશભાઈ ડેર, નિલેશભાઈ ચુડાસમા, સ્ટેટ આઈબીના બી.બી. સંઘાર, જખૌ પોલીસના લાખિયારજી સોઢા જોડાયા હતા. ગઈકાલે પિંગલેશ્વર નજીક કડુલી બારા પાસેથી ડ્રગ્સના ૭ પેકેટ મળી આવ્યા હતા. માદક પદાર્થના એક કોથળામાં એક કિલોના એક એવા ૧૦ પેકેટ આવે છે. ગઈકાલે ૭ પેકેટ મળ્યા અને આજે વધુ ત્રણ પેકેટ મળ્યા તે ગઈકાલનો જ માલ હોવાનું
માનવામાં આવે છે. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન આ પ્રમાણે કુલ ૩૪ કિલોના ચરસના પેકેટ મળી આવ્યા છે. કચ્છના દરિયા કિનારે ચરસના પેકેટ શોધવા માટે એજન્સીઓ વચ્ચે હોડ જામી હોઈ તેવું ચિત્ર જોવા મળે છે.

Comments