Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં નીટ-ર૦રપની પરીક્ષાનો ધમધમાટ

04 May




ભુજ અને ગાંધીધામના ૪ પરીક્ષા કેન્દ્રના ૬૦ બ્લોકમાં જિલ્લાના ૧૪ર૪ વિદ્યાર્થીઓ માટે ગોઠવાઈ વ્યવસ્થા



ભુજ : ગત વર્ષે નીટની પરીક્ષામાં પેપર લીકની ઘટના બાદ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા આ વર્ષની પરીક્ષા માટે ખાસ સતર્કતા રાખવામાં આવી છે. આજે કચ્છ સહિત રાજ્યભરમાં નીટની પરીક્ષા લેવાઈ રહી છે. 
આ અંગેની મળતી વિગતો અનુસાર રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આજરોજ નીટની પરીક્ષા લેવાઈ છે. જિલ્લામાં આ પરીક્ષા ઉમેદવારો કોઈપણ ભય વિના આપી શકે અને પરીક્ષા કેન્દ્રના સંચાલકો અસામાજીક તત્ત્વોના ત્રાસ કે ભય વીના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.પી. ચૌહાણ દ્વારા ખાસ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા. 
કચ્છના ભુજ અને ગાંધીધામ શહેરમાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ભુજમાં ઈન્દીરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ર૦ બ્લોકમાં ૪૭પ વિદ્યાર્થીઓ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ૧પ બ્લોકમાં ૩૬૦ વિદ્યાર્થીઓ સહિત ભુજમાં કુલ્લ ૩પ બ્લોકમાં ૮૩૬ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગાંધીધામમાં સરકારી હાઈસ્કૂલ ગણેશનગર ખાતે ૧પ બ્લોકમાં રર૮ સહિત ગાંધીધામમાં કુલ્લ રપ બ્લોકમાં પ૮૮ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી. જિલ્લામાં કુલ્લ ૪ કેન્દ્રો પર ૬૦ બ્લોકમાં ૧૪ર૪ ઉમેદવારો નોંધાયા છે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. આજે બપોરે ર થી પ સુધી પરીક્ષા લેવાયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરવાની તૈયારીઓ 
હાથ ધરાશે. સંભવતઃ ૧૪મી જુનના પરીણામો જાહેર થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર દેશની મેડિકલ, ડેન્ટલ સહિતની બેઠક પર આ પરીક્ષાના આધારે પ્રવેશ થતા હોવાથી વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળે છે. કચ્છમાં ૧૪ર૪, ગુજરાતમાં ૮પ હજારથી વધુ અને સમગ્ર દેશમાં ર૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

............

Comments

COMMENT / REPLY FROM