Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલાના ટેન્ડરની વિચિત્ર શરત : અધિકારીઓએ બુદ્ધિને દેવાળુ ફુંક્યું કે મોટા ભ્રષ્ટાચારનો ખેલ ?

04 May

‘‘ઘરના છોકરા ઘંટી ચાટે દામોદરને આટા’’જેવો સર્જાયો તાલ...




ક્વોરી મટીરિયલ સપ્લાય અને સ્ટેકીંગ માટે ટેન્ડર ડોક્યુમેન્ટની ખાણકામ યોજનાની વિચિત્ર શરતથી કચ્છમાં માઈનિંગ સેક્ટરમાં ખળભળાટ : ડીપીએ પ્રશાસન તટસ્થ તપાસ કરાવે તે ઈચ્છનીય : કચ્છની વાસ્તવિક ખાણ સ્થિતિને ધ્યાને લઈ ટેન્ડર ડોક્યુમેન્ટમાં જરૂરી ફેરફાર કરાવે તેવી માંગ

આ પ્રકારની ખાસ જોગવાઈ બાબતે તો ટેન્ડર ડિઝાઈન કરનારને પુછવુ પડે, અમને વિશેષ ખ્યાલ નથી : શ્રી રાજેશ મેઘનાની(એકિઝકીયટીવ ઈન્જીનીયર, બાંધકામ વિભાગ ડીપીએ-કંડલા)

ડીપીટીને સારા ચેરમેન મળ્યા છે, જેના કારણે પોર્ટનો વિકાસ જેટ ગતિએ થઈ રહ્યો છે : ગત ૭મી એપ્રિલે ડીપીએ બાંધકામ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડર બન્યું વિવાદનુું કારણ : ક્વોરી મટીરિયલ માટે મંગાવાયેલ બીડમાં ર૦ લાખ મેટ્રીક ટન માઈનિંગ પ્લાનની શરતથી કચ્છની તમામ લીઝનો ભૂંસાયો એકડો : કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં ગૌણ ખનિજ ઉપલબ્ધ હોવા છતાં ડીપીએને જિલ્લા બહારથી મંગાવવાની પડશે ફરજ : 
ર૦ લાખ મેટ્રીક ટન માઈનિંગ પ્લાન્ટની ક્ષમતા પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ન હોવાની વાતને ખાણખનિજના અધિકારીઓનું સમર્થન

ડીપીએ-કંડલાના વર્તમાન ચેરમેન શ્રી સુશીલકુમાર દિર્ઘદ્રષ્ટ ધરાવી રહ્યા છે, કાર્ગો હેન્ડલીંગ કેવી રીતે વધે, પોર્ટ યુજર્સની સવલતો કેમ વધે, પીએમ મોદીજીના લોકલ ફોર વોકલના સુત્રને કેવી રીતે બળ મળે તે દીશામં છે સતત પ્રયત્નશીલ, તેવા સમયે આ જ ડીપીએના કન્સટ્રકશન વિભાગના બની બેઠલા અધિકારીઓ આવા વિચિત્ર ટેન્ડર બહાર પાડી, સ્થાનિકની માર્કેટ-વેપારીઓને ઠેંગો દેખાડી ઉંચા કોસ્ટથી બહારથી રો મટીરીયલ આયાત કરવાના પેંતરા રચે તે ડીપીએ કંડલાના વિકાસને ચોકકસથી પાડશે આડઅસર


ગાંધીધામ : વહિવટ અને વેપાર એ સિક્કાની બે અલગ અલગ બાજુઓ છે. બન્ને બાબતો એકબીજાની પુરક હોવા છતાં વિપરીત છે. વહિવ્ટ ચલાવવો અને વેપાર કરવો બન્ને બાબતોમાં મોટો તફાવત છે. સક્ષમ વહિવટ ચલાવનારા સારા વેપારી હોય તે જરૂરી નથી. આ વાસ્તવિકતા કચ્છના મહાબંદરના એક વિચિત્ર વ્યવહારથી સામે આવી છે. ગત એપ્રિલ મહિનામાં દીનદયાળ પોર્ટ ઓટોરિટી, કંડલા દ્વારા બીડ મંગાવવામાં આવી હતી. ડીપીએના સ્ટેકીંગ યાર્ડ ખાતે ક્વોરી મટીરિયલ ગ્રાન્યુલર મટીરિયલ સપ્લાય અને સ્ટેકીંગ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડર ડોક્યુમેન્ટની એક વિચિત્ર શરતથી કચ્છના માઈનિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. દીનદયાળ પોર્ટ પ્રશાસનના કેટલાક અધિકારીઓએ કોઈ ચોક્કસ પેઢીને જ આ સપ્લાય કોન્ટ્રાક્ટ મળે તે માટે ટેન્ડર ડોક્યુમેન્ટમાં વિચિત્ર શરત મૂકી હોવાની ચકચાર મચી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના બાંધકામ વિભાગ દ્વારા ગત ૭ એપ્રિલના કંડલા સ્ટેકીંગ યાર્ડ ખાતે ક્વોરી મટીરિયલ સપ્લાય અને સ્ટેકીંગ માટે બીડ મંગાવી છે. આ ટેન્ડર ડોક્યુમેન્ટના છઠ્ઠા પૃષ્ઠ પર ર૦ લાખે મેટ્રીક ટન માઈનિંગ પ્લાનની શરત ખાણકામ યોજના હેઠળ મૂકવામાં આવી છે. સરકારના ખાણખનિજ વિભાગના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ કચ્છ જિલ્લામાં કોઈપણ ખાણની લીઝ તે મુજબના માઈનિંગ પ્લાન ધરાવતી નથી. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પ્રદેશમાં મોટાભાગના લીઝ વિસ્તારો ૧૦ હેક્ટરથી ઓછા છે. ટેન્ડરની ર૦ લાખ મેટ્રીક ટન ઉત્પાદન ક્ષમતાની શરતથી આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે કચ્છની લીઝનો એકડો જ ભૂંસાઈ ગયો છે. સ્થાનિકે પુષ્કળ પ્રમાણમાં ક્વોરી મટીરિય્લ ઉપલબ્ધ હોવા છતાં કચ્છના કોઈપણ લીઝધારક ડીપીએની બીડમાં ભાગ લેવા યોગ્યતા ધરાવતા જ નથી.
કચ્છની ક્વોરીની દેશ-વિદેશમાં ભરપૂર માંગ છે. કચ્છના કંડલા બંદરેથી જ કચ્છની ગૌણ ખનિજની બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. કચ્છના જે પોર્ટ પરથી કચ્છની ખનિજની નિકાઈ થઈ રહી છે તે પોર્ટના બાંધકામ વિભાગને જ્યારે ક્વોરીની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે તે સપ્લાય કરવાના માપદંડોથી કચ્છની લીઝને બાકાત કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં હવે ડીપીએને તેની જરૂરિયાત અનુસાર ક્વોરી જિલ્લા બહારથી મંગાવવામાં ફરજ પડશે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને સરવાળે કચ્છમાં જ રો-મટેરિયલ ઉપલબ્ધ હોવા છતાં ડીપીએ પ્રશાસનને ઉંચા ભાવે વધુ પરિવહન ખર્ચ કરી મટીરિયલ જિલ્લા બહારથી મંગાવવું પડશે.કચ્છના ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો ડીપીએના ટેન્ડરની વિચિત્ર શરત પાછળ મૂળભૂત રીતે બે કારણ હોઈ શકે. એક તો ટેનડરની શરતો તૈયાર કરનાર અધિકારીગણ કચ્છની વાસ્તવિક ખાણ પરિસ્થિતિઓથી અજાણ હોય અથવા જિલ્લા બહારના કોઈ ચોક્કસ લીઝધારકને ટેન્ડર ફાળવવા આ શરત મૂકવામાં અવાી હશે. ડીપીએના વહિવટી વિભાગે કરેલી ભૂલે કચ્છના ક્વોરી લીઝધારકોને મોટું નુકસાન થયું છે. ડીપીએ પ્રશાસનના કેટલાક અધિકારીઓએ બુદ્ધિનું દેવાળુુ ફુંક્યું છે અથવા તો મોટો ભ્રષ્ટાચાર આચરવા ખેલ પાડ્યો છે તેવી ચર્ચા હાલે કચ્છના ખાણ ખનિજ વ્યવસાયકારોમાં ચાલી રહી છે. ડીપીએના પ્રશાસકો આ અંગે તટસ્થ તપાસ કરાવે અને પ્રદેશની વાસ્તવિક ખાણ સ્થિતિને ધ્યાને લઈ ટેન્ડરમાં જરૂરિયાત અનુસાર સુધાર કરાવે તે ઈચ્છનીય છે. તો વળી બીજીતરફ ડીપીએ-કંડલાના બાંધકામ વિભાગના એકિઝકયુટીવ ઈન્જીનીયર રાજેશ મેઘનાની સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આવી ચોકકસ શરત રાખવાનું કારણ તો ટેન્ડર ડીઝાઈન કરનાર વધારે કંઈ કહી શકે, હાલમાં એક અગત્યની બેઠકમાં રોકાયેલ છુ, તેથી વધારે વાત નહી થઈ શકે તેવુ કહી શ્રી મેઘનાનીએ આ વિષય પર વાત કરવાની અસમર્થતા દર્શાવી હતી. જો કે, બાંધકામ વિભાગના એકિઝકયુટીવ એન્જીનીયર(એકસ.ઈએન)હોય અતે તેમને ટેન્ડરોની શરતો શા માટે કેવા પ્રકારે કઈ રાખવામા અવી છે તેન ખબર ન હોય તે વાત પણ સરળતાથી ગળે ઉતરે તેવી તો નથી જ દેખાતી.

............



કચ્છની તમામ લીઝ ૧૦ હેક્ટરથી ઓછી 



પશ્ચિમ કચ્છમાં ૭થી ૮ લાખ ટન ઉત્પાદન ક્ષમતાવાળા પ્લાન્ટ હશે પરંતુ ર૦ લાખ ટનની ક્ષમતા તો અનેકધણી જ કહેવાય, આવા પ્લાન્ટ નહી હોય, મહાકાય કંપનીઓ જે ખુદ ઉત્પાદન કરી વપરાશ કરે છે તેમની પણ આટલી બધી ક્ષમતા ન હોય : શ્રી દેવેન્દ્ર બારીયા (પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગ) : પૂર્વ કચ્છ ખાણખનિજના કાર્યક્ષેત્રમાં ર૦ લાખ મેટ્રીક ટક્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટ નથી : શ્રી એન.એ. પટેલ(પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ)




ભુજ : કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનિજ મળી આવે છે. આ ખનિજના ખનન માટે સરકાર દ્વારા લીઝની ફાળવણી કરવામાં આવે છે. ખાણખનિજ ઉદ્યોગ થકી રોયલ્ટી રૂપે સરકારે વર્ષે કરોડોની આવક પણ થાય છે, પરંતુ કચ્છમાં મોટાભાગની લીઝ ૧૦ હેક્ટરથી ઓછા વિસ્તારની છે. સામાન્ય રીતે નાના વ્યવસાયકારો ૧૦ હેક્ટરથી ઓછા વિસ્તાર માટે જ ખનનની મંજૂરી મેળવતા હોય છે. ડીપીએના ટેન્ડરમાં ર૦ લાખ મેટ્રીક ટન માઈનિંગ પ્લાનનો જે ક્લોઝ રખાયું છે તે ધરાવતી કોઈપણ લીઝ કચ્છમાં નથી. પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી શ્રી પટેલ અને પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી શ્રી બારિયાને પૂછતા તેમણે પણ કચ્છની તમામ ક્વોરી લીઝ ૧૦ હેક્ટરથી ઓછા વિસ્તારની હોવાનું જણાવ્યું હતું. ર૦ લાખ મેટ્રીક ટન માઈનિંગ પ્લાન કચ્છની કોઈપણ લીઝનું નથી તેવું જાણવા મળ્યું હતું.

..........

Comments

COMMENT / REPLY FROM