દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર પડાણાના કુખ્યાત બુટલેગરનો હુમલો
બુટલેગર મનુભા વાઘેલાની હિંમત તો જુઓ.. ૈંપોલીસને બીજીવાર પડાણા આવશો તો ગાડીથીઉડાવી દેવાની આપી ધમકી
ગાંધીધામ : તાલુકાના પડાણાના કુખ્યાત બુટલેગર મનુભા વાઘેલાને ત્યાં પોલીસ દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, મીની પંજાબી હોટલના પાર્કિંગ આગળ પડાણાના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વીઠુભા વાઘેલાનો માણસ જયપાલસિંહ ઉર્ફે શિવમ્ ફતુભા જાડેજા મોપેડમાં આવી દારૂનું વેચાણ કરે છે. પોલીસે રેડ કરી ત્યારે આ જયપાલ એક અજાણ્યા માણસને બિયરના ટીન આપતો જોવા મળ્યો હતો. પોલીસને જોઈ જયપાલ ભાગી ગયો. બિયર ખરીદનાર કિશોર હોવાનું સામે આવ્યું હતું.
આ કામગીરી પૂરી કરી પોલીસ સ્ટેશન જતી વખતે જવાહરનગર પુલ તરફ સર્વિસ રોડ પર સિલ્વર કલરની અલ્ટો ગાડી ફુલ સ્પીડમાં આવી અને પોલીસની ગાડીની આગળ ઊભી રાખી દીધી તેમાંથી લિસ્ટેટ બૂટલેગર મનુભા વાઘેલા બહાર આવ્યો અને ગાડીના કાચ ખખડાવતા ડ્રાઈવરે દરવાજો ખોલ્યો ત્યારે આરોપીએ કહ્યું કે, મારા માણસ જયપાલસિંહે જે માણસને બિયરના ટીમ આપ્યા છે તેને ગાડીમાંથી ઉતારી દયો નહીંતર જવા નહીં દઉં. મનુભા ઉસ્કેરાઈને કહેવા લાગ્યો કે, તમે મારો માલ કેમ પકડ્યો છે.તેમ કહી કિશોરને બળજબરી પૂર્વક ગાડીમાંથી ઉતારવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બળ પ્રયોગ કરતા આરોપી મનુભા વાઘેલા કહેતો ગયો કે આજે તમે મારા પર કેસ કરશો પણ તમે બીજી વખત અહીં પડાણા આવશો તો હું તમોને ગાડીથી ઉડાવી દઈશ. બાદમાં મનુભાની અટકાયત કરી ગાડી કબજે કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ તખ્તસિંહ જાડેજાએ ફરજમાં રૂકાવટ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે બી-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments