ભચાઉમાં આચાર્ય પર ત્રણ શખ્સોએ હુમલો કરી મોબાઈલ લૂંટી લીધો
પટેલ સોસાયટીમાં વોકિંગ કરતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ માથામાં ગંભીર ઘા કરી લૂંટ ચલાવી : શહેરમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી : લોકોની સુરક્ષા ભગવાન ભરોસે
ભચાઉ : અહીં ભવાનીપુરમાં વોકિંગમાં નીકળેલા શિક્ષક પર ત્રણ શખ્સોએ હુમલો કરી મોબાઈલ લૂંટી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ પ્રાથમિક શાળાના શિક્ષક ૩૪ વર્ષિય જયદીપ ગોર્ધનભાઈ જટાણી વોકિંગમાં નીકળ્યા હતા. પટેલ સોસાયટીમાં તેઓ વોકિંગ કરતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યો જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલાખોરો શિક્ષકનો ફોન લઈને ભાગી ગયા હતા. શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર તળે દાખલ છે. ભોગ બનનાર લુણવાની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે અવાર-નવાર ભચાઉ શહેરમાં આ પ્રમાણે લૂંટ, ચિલઝડપ સહિતની ઘટનાઓ બનતી હોય છે. ભચાઉ શહેરમાં કાયદો-વ્યસ્થા પડી ભાંગી છે. કોઈને ફરક પડતો નથી. કાયદાના રક્ષકો ગુનાખોરી અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. બસ સ્ટેશનમાં અવાર-નવાર ચીલઝડપ થાય છે. એક પણ વખત પોલીસે આરોપી પકડયા નથી. ગઈકાલે બનેલી ઘટનામાં મહિલાની જાગૃતત્તાથી આરોપી મહિલા પકડાઈ હતી. શહેરમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે..

Comments