વરસામેડીમાં પાકા કોમર્શિયલ બાંધકામરૂપી દબાણો દૂર કરાયા
એરપોર્ટથી વરસામેડી માર્ગ પર બનાવાયેલ પાંચ જેટલી પાકી દુકાનો પર ફરી વળ્યું તંત્રનું બૂલડોઝર : ર૬૦ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ’
અંજાર : તાલુકાના વરસામેડી ગામે સરકારી જમીન પર કરવામાં આવેલ પાકા કોમર્શિયલ બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરીમાં ર૬૦ ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર મામલતદારશ્રી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની સીધી દોરવણી હેઠળ અંજાર સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર દબાણની દેખરેખ હેઠળ અંજાર તાલુકાના વરસામેડી ગામે એરપોર્ટથી વરસામેડી તરફ જતા રસ્તે નાયરા પેટ્રોલપંપની સામેના વિસ્તારમાં કરવામાં આવેલ દુકાનોરૂપી બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર બનાવવામાં આવેલ પાંચથી છ જેટલી દુકાનોના પાકા સ્ટ્રકચરને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણકર્તાઓને અપાયેલ પૂર્વ નોટીસના પગલે દબાણકારોએ પોતાના માલસમાન સ્વેચ્છાએ ખસેડી લીધા હતા. ત્યારબાદ કોઈ પણ ઘર્ષણ વિના તંત્ર દ્વારા કોમર્શિયલ સ્ટ્રકચર તોડી પાડી ર૬૦ ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં આવી હતી.

Comments