Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં બોગસ તબીબ અને દવાની દુકાન ઝડપાયા બાદ

01 May


કચ્છમાં ધમધમતા બોગસ મેડિકલ સ્ટોર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રનું ઢીલું વલણ


સરહદી જિલ્લામાં બોગસ તબીબો બાદ હવે ભાડુતી લાયસન્સ પર ધમધમતા મેડિકલ સ્ટોર્સનો ફાટ્યો રાફડો : ડિગ્રીધારી ફાર્માસિસ્ટની હાજરી વગર જ ધમધમતી દવાઓની દુકાનોથી જન આરોગ્ય સાથે ચેડા થવાની આશંકા




ભુજ : કચ્છ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબોના હાટડા ધમધમી રહ્યા છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર જ લોકોની સારવાર કરતા ‘મુન્નાભાઈ’ જેવા બોગસ તબીબોના હાટડાઓની સાથે મેડિકલ સ્ટોર પણ નિયમોની અનદેખી કરી યોગ્યતા ન ધરાવતા લોકો દ્વારા મેડિકલ સ્ટોરોનું સંચાલન પણ થઈ રહ્યું છે. તાજેતરમાં જિલ્લા મથક ભુજની નજીક માધાપર ગામમાંથી બોગસ તબીબ અને તેના દ્વારા સંચાલિત મેડિકલ સ્ટોરને ઝડપી પાડવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં હજુય ઘણા સ્થળો પર માન્ય લાયકાત ધરાવતા તબીબો વગર અનેક દવાખાનાઓ અને માન્ય લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટ વગર અનેક મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કચ્છમાં ધમધમતા બોગસ મેડિકલ સ્ટોર અંગેની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ભૂતકાળમાં જિલ્લા ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા માન્ય લાયસન્સ વગર માત્ર ભાડાના પ્રમાણપત્રો પર ચાલતી દવાઓની દુકાનો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
કચ્છમાં આવા અનેક બોગસ મેડિકલ સ્ટોર ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સની યાદી રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના જવાબદાર અધિકારીઓને સોંપાઈ હતી. રાજ્ય એસોસિએશને આવા બોગસ સ્ટોર્સ તાત્કાલિક બંધ કરાવવા તેમજ લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટને એક લાખ રૂપિયા દંડ દકરવા અને ફોજદારી ફરિયાદ માંગ કરી હતી. જોકે, આ રજૂઆત સરકારી દફતરે પડતર પડી રહી હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ભુજ નજીકના માધાપર ગામેથી બોગસ તબીબ અને તેના દ્વારા સંચાલિત દવાની દુકાન ઝડપાયા બાદ થોડા દિવસો સુધી આ મુદ્દે ગરમા ગરમી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ જિલ્લામાં આવા હાટડાઓની કોઈ સઘન તપાસ કરવામાં આવી નથી. કચ્છ જિલ્લામાં સમયાંતરે એકલ - દોકલ પરપ્રાંતિય બોગસ તબીબ ઝડપાયાના અહેવાલ વહેતા થયા છે, પરંતુ જિલ્લામાં ઠેર-ઠેર માન્ય ફાર્માસિસ્ટ વગર ધમધમતી દવાઓની દુકાનો સામે કાર્યવાહી કરવામાં તંત્રના અધિકારીઓ ઢીલું વલણ દાખવી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM