Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી ચેઈન ચોરનાર મહિલા રંગે હાથ ઝડપાઈ 

01 May


મહિલાએ સજાગતા દાખવતા આરોપી અમદાવાદની મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવાઈ 



ભચાઉ : શહેરના બસ સ્ટેશનમાં અવાર-નવાર પ્રવાસીઓની નજર ચૂકવી તેમના સામાનની ચોરી કરવા સાથે દાગીના ઉઠાવી જવામાં આવે છે. તાજેતરમાં મોંઘેરા મોબાઈલની ચોરી થઈ હતી. અવાર-નવાર બનતી ઘટનાઓમાં પોલીસને આરોપી મળતા નથી જે પણ એક હકીકત છે. દરમિયાન એક મહિલા પ્રવાસી બસમાં ચડવા ગયા ત્યારે તેમના ગળામાંથી ચેઈન ચોરાયો હતો ત્યારે શંકાસ્પદ મહિલાને ઝડપી  પુછપરછ કરતા ચેઈન મળી આવ્યો હતો. જેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. 
આ બાબતે ભચાઉના ભવાનીપુરમાં રહેતા રતનબેન નારાણભાઈ સંઘારના જણાવ્યા પ્રમાણે તેઓ બસ સ્ટેશનમાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગે રાપર જવાનો હોવાથી અંજાર-રાપર લોકલ બસમાં ચડવા ગયા ત્યારે ભીડમાં તેમના ગળામાંથી સોનાનો ચેઈન કપાયાનો અંદેશો આવ્યો હતો. પાછળ વળીને જોતા એક મહિલા શંકાસ્પદ જણાઈ હતી. રાડારાળ કરતા લોકો દોડી આવ્યા અને તપાસ કરતા આ શંકાસ્પદ મહિલાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લઈ જતા તેની પાસેથી ચેઈન મળી આવ્યો હતો. અમદાવાદમાં રહેતી હંસાબેન રમેશભાઈ રાવળ નામની મહિલાએ ૯પ હજારના ચેઈનની ચોરી કરી હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બસમાં મુસાફરી કરતી વખતે મુસાફરો પોતાના દાગીનાની જાતે જ તકેદારી રાખે તે જરૂરી બની રહે છે. 

Comments

COMMENT / REPLY FROM