Trending News
સ્થાનિક સમાચાર

દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઈલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના હસ્તે વિમોચન 

30 April



દિવ્યાંગોને નાગરિક સંરક્ષણ તાલીમઃ કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ


કચ્છ નાગરિક સંરક્ષણ તંત્ર એ દેશમાં બ્રેઈલ લિપિના માધ્યમથી નાગરિક સંરક્ષણ તાલીમના દ્વાર ખોલ્યાં


દેશના ૫૦ લાખ અંધજનોને આપાતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ સંભવ બનશે
 

ભૂકંપ, પૂર, આગ સહિતના બનાવમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મૂકાતા અંધજનો માટે નાગરિક સંરક્ષણ તાલીમની નવતર પહેલ


ભુજ:આજરોજ તા. ૩૦ એપ્રિલના દિવસે કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી, શ્રી હિમાંશુ સોમપુરા, સેક્રેટરી, શ્રી હરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી તથા શ્રી ખીમજીભાઈ વેકરીયા, ટ્રસ્ટીશ્રીના સહકારથી નવજીવન અંધજન મંડળ, માધાપર ખાતે અંદાજે ૧૩૮ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેના પ્રાથમિક તાલીમ મોડ્યુલ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર વિશે, ફાયર અને સેફ્ટી તેમજ ૧૦૮ ઈમરજન્સી હેલ્પલાઇન અને અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુલને શ્રી હિમાંશુ સોમપુરાના સહયોગથી બ્રેઇલ લિપિમાં તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બધિર બાળકો માટે સુશ્રી રમાબેન કોરિયા અને સુશ્રી ભક્તિબેન ત્રિવેદી દ્વારા સાઇન લેંગ્વેજથી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રકશ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.) એ આ પ્રકારની દિવ્યાંગ લોકો માટે તાલીમની પહેલને બિરદાવી હતી અને તેમજ દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તે જરૂરી છે, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. સૌપ્રથમ વખત બ્રેઈલ લિપિની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને જિલ્લા કલેક્ટરશ્રીએ આનંદ પટેલે એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. બ્રેઈલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે એમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રીએ નવચેતન સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રસંશનીય ગણાવી હતી. 
ભુજ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રક અને એડિશનલ કલેક્ટરશ્રી ધવલ પંડ્યાએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા બદલ  જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર માનીને આ પ્રકારની તાલીમો કચ્છના અન્ય સ્થળોએ આયોજિત થાય અને દરેક સંવેદનશીલ જૂથ માટે સુગમ્ય બને એવી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છમાં ૫૧ હજારથી વધુ દિવ્યાંગો માટે બ્રેઈલ લિપિથી તાલીમ બનશે જીવનરક્ષકવર્ષ ૨૦૧૧ના સેન્સસ મુજબ કચ્છ જિલ્લાની કુલ વસ્તીના ૨.૪૫ % એટલે કે, કુલ ૫૧,૨૧૭ લોકો દિવ્યાંગ છે. જ્યારે ગુજરાતમાં કુલ વસ્તીના ૧.૮૧% એટલે કે ૧૦,૯૨,૩૦૨ લોકો દિવ્યાંગ છે. જે કુદરતી અથવા માનવસર્જિત હોનારત સમયે સૌથી સંવેદનશીલ જૂથ માનવામાં આવે છે. જે તમામને સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ મળી રહે તે પ્રકારના પ્રયત્નોના ભાગરૂપે આજે બ્રેઈલ લિપિના સ્વરૂપે મોડ્યુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે સમગ્ર દેશમાં દિવ્યાંગ માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે. ચીફ વોર્ડનશ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણની સ્થાપના, મહત્વ અને તેની ૧૨ સેવાઓ, કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે કઈ રીતે કામ કરવું તે અંગે જાણકારી અપાઈ હતી. વોર્ડન સુશ્રી મીરાબેન સાવલિયા અને રોહિતભાઈ ઠક્કર દ્વારા પ્રાથમિક સારવાર જેવી કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેક સમયે કુત્રિમ શ્વાસોશ્વાસ (ઝ્રઁઇ) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેકટીક્લ દ્વારા જાણકારી આપીને દિવ્યાંગજનોને માહિતીગાર કરાયા હતા. ભુજ ફાયર ડીપાર્ટમેન્ટના ફાયરમેનશ્રી કમલેશભાઈ મતિયા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી તાલીમ અને ડેમોસ્ટ્રેશનથી પ્રેક્ટિકલ આગના સમયે રાહત બચાવની તાલીમ આપવામાં આવી હતી.
આ સાથે ઇમરજન્સી સમયે ૧૦૮ હેલ્પલાઇનના ઉપયોગ તથા એમ્બ્યૂલન્સમાં ઉપલબ્ધ સાધનોની જાણકારી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવા ઈએમટીશ્રી પ્રદ્યુમ્નભાઈ અને જિજ્ઞાસાબેન સાથે દિલિપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અભયમના એક્ઝિક્યુટિવ સુશ્રી જોનીબેન ગામિત દ્વારા મહિલા હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી.
 
..............

 દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ કચ્છની સંસ્થા એટલે શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર 

વર્ષ ૧૯૭૬માં પ્રજ્ઞાચક્ષુશ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિ દ્વારા સ્થાપિત શ્રી નવચેતન અંધજન મંડળ દિવ્યાંગજનો માટે શિક્ષણ, તાલીમ, રોજગાર, સ્વાસ્થ્ય  અને રમતગમત ક્ષેત્રે અનેકવિધ સેવાઓ આપે છે. ભચાઉ ખાતે પ્રજ્ઞાચક્ષુ અને બિન દિવ્યાંગ લોકો માટે વૃદ્ધાશ્રમ અને માધાપર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળાઓ, કુમાર અને કન્યા છાત્રાલયો, લાયબ્રેરી, માનસિક શક્તિ સંવર્ધન કેન્દ્ર અને ફિઝિયોથેરોપી સેન્ટર કાર્યરત છે. અહીં ૩૦૦થી વધુ દિવ્યાંગ અને બિનદિવ્યાંગ વિદ્યાર્થીઓ આધુનિક ટેક્નોલોજીથી ધોરણ ૧થી ૧૨ સુધી શિક્ષણની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે.

માધાપર ખાતે દિવ્યાંગ કન્યાઓ માટે સંચાલિત કન્યા પ્રાથમિક શાળા અને છાત્રાલય કાર્યરત છે. જ્યાં ૧૦૦ થી વધુ બાલિકાઓ નિવાસ સાથે અભ્યાસ કરી રહી છે. વ્યાવસાયિક તાલીમ માટે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા માટે લાકડીયા ખાતે કેન્દ્ર પણ કાર્યરત છે. નવચેતન સંસ્થા ૪૪ વિશિષ્ટ શિક્ષકો દ્વારા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૭૦૦થી વધુ દિવ્યાંગ બાળકો સુધી શિક્ષણ અને સહાય પહોંચાડે છે. સાથે સાથે સંસ્થાએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં સફળતા મેળવી છે. સંસ્થાને રાષ્ટ્રપતિ પારિતોષિક સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છ એ નવચેતન અંધજન મંડળના સહયોગથી તમામ દિવ્યાંગજનો જીવનરક્ષક નાગરિક સંરક્ષણ તાલીમ મેળવે એ માટે પ્રતિબદ્ધ છે. 

..............

બ્રેઈલ લિપિની શોધ એ અંધજનો માટે વરદાનરૂપ બનીને તેમના જીવનમાં ઉજાસ પાથર્યો 

લુઈ બ્રેઈલનો જન્મ વર્ષ ૧૮૦૯માં ફ્રાન્સના નાનકડા ગામમાં થયો હતો. નાનપણમાં ધારદાર ઓજાર આંખમાં વાગ્યા બાદ ૩ વર્ષની વયે લુઈએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. તીવ્ર બુદ્ધિ શક્તિવાળા લૂઈ બ્રેઈલને વાંચનનો શોખ હતો, પરંતુ આંખોની રોશની ગુમાવી હોવાથી પોતાની મુશ્કેલીનો ઉકેલ બિંદુ લિપિમાં જણાયો. ૧૨ ટપકાનો ઘટક ઘણો લાંબો લાગવાથી લુઇએ તેની સંખ્યા ઘટાડીને છ ટપકા કરી. આજના જેવી ચીપ અને કલમની મદદથી ટપકા ઉપસાવી લખવાની શરૂઆત કરી. હાલના મૂળાક્ષરો જેવા એ થી જે સુધીના મૂળાક્ષરો માટે  બે હાર ટપકાનો ઉપયોગ કરવામાં આવ્યો. બીજી હાર માટે પહેલી હારમાં ૩જુ ટપકું ઉમેરવાથી બીજી હાર બનતી. પછીની હાર માટે ૩જુ અને ૬ઠું ટપકું તથા તે પછીની ફક્ત છઠુ ટપકું તથા તે પછી છઠુ ટપકું ઉમેરવાથી આગળની હાર બનતી. આ રીતે બધા વિરામ ચિન્હો અને સંકેતો મળી કુલ ૬૩ સંજ્ઞાઓ બનાવવામાં આવી. ઈ.સ. ૧૮૨૫ સુધીમાં આ લિપિ તૈયાર થઈ ગઈ હતી. જે આજે સમગ્ર દુનિયાના દિવ્યાંગજનો માટે વરદાનરૂપ બનીને તેમના જીવનમાં ઉજાસ પાથરી રહી છે.

..............


કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫મા ૭૪૦૦થી વધુ લોકોને નાગરિક સંરક્ષણ તાલીમ અપાઈ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટેન અને અમેરિકા અને બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૫૦ થી ૧૯૬૦ દરમ્યાન જર્મની અને રશિયા તેમજ સ્વિટ્‌ઝર્લૅન્ડ અને સ્વીડન જેવા દેશોમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો જે અંતર્ગત ભારત દેશમાં કુલ - ૨૨૫ જેટલા ટાઉનમાં નાગરિક સંરક્ષણની કચેરી કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં હાલ કુલ - ૧૪ ટાઉનમાં નાગરિક સંરક્ષણ દળ કાર્ય કરી રહ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ આવેલી છે.  
નાગરિક સંરક્ષણ સુધારક ધારા, ૨૦૦૯ના અનુસંધાને નાગરિક સંરક્ષણની વ્યાખ્યામાં ’’ડીઝાસ્ટર’’ શબ્દ આવરી લેવામાં આવ્યો. અને નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલું છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, મોટી આગ, મોટા અકસ્માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ્‌ સ્વયંસેવકો ખડેપગે હાજર રહી પ્રજા માટે સેવાકીય કામગીરી બજાવે છે.નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા વર્ષ - ૨૦૨૫માં કચ્છ જિલ્લામાં વિવિધ સ્કૂલ, કોલેજ, એન.જી.ઓ. અને અગરીયાઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી. જેમાં ૨૭ જેટલા વર્ગોનું આયોજન કરીને કુલ - ૭૪૦૪ જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM