Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સરકારી જમીન ભાડાપટ્ટે લેનાર ધંધાર્થીઓને મોટી ભેટ

30 April

પ્રજાવત્સલ મુખ્યમંત્રીનો જનહિતકારી નિર્ણય 



કચ્છ સહિત રાજ્યના શહેરી વિસ્તારમાં લાંબા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટેે અપાયેલ જમીનના કાયદેસરના ધારક પાસેથી રાહત કિંમત વસૂલી જમીનનો કરાશે કાયમી નિકાલ 


કચ્છના શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પંપ, હોટલ વગેરે જેવા વ્યવસાય માટે જમીન મેળવનાર ધંધાર્થીઓને મળી મોટી રાહત 




ભુજ : રાજ્યના મહેસૂલી વિભાગ દ્વારા લાંબાગાળા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડત-ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કવરા જુની જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલીઓ પ્રવતર્તી હતી. જેની સરળતા માટે સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડસ નિયામકના અધ્યક્ષસ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તેનો અહેવાલ ચાલુ વર્ષના પ્રથમ દિવસે સરકારશ્રીને સોંપ્યો હતો. રાજ્ય સરકારે સમિતિઓની વિવિધ ભલામણોને ધ્યાને લઈ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલ જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી રાહત કિંમત વસૂલી જમીનનો કાયમી નિકાલ કરવાની ઘોષણા કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કચ્છ જિલ્લા શહેરી વિસ્તારોમાં સરકાર પાસેથી ભાડાપટ્ટે જમીન લેનાર અનેક કોર્પોરેટ જૂથ, વાણિજય એકમોને મોટો લાભ થયો છે. સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ અને નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલી જમીનોને આ યોજનાનો લાભ મળશે. જિલ્લા મથક ભુજ, અંજાર, માંડવી, ભચાઉ, રાપર જેવા શહેરી વિસ્તારોમાં કોઈણ વાણિજય પ્રવૃત્તિ જેવા શહેરી વિસ્તારોમાં કોઈપણ વાણિજય પ્રવૃત્તિ જેવી કે, પેટ્રોલ પંપ, હોટલ વગેરે વ્યવસાય માટે ભાડાપટ્ટે જમીન રાખનારને યોજના થકી લાભ થશે. જિલ્લામથક ભુજમાં કેટલાક પેટ્રોલ પંપ માટેની જમીન સીધી ઓઈલ કંપનીઓના નામે ભાડાપટ્ટે લેવાઈ છે જે પૈકીના કેટલાક કિસ્સાઓમાં પટ્ટાની મુદ્દત પૂરી થયા બાદ તેનું રિન્યુઅલ પણ થયું નથી. આવા કિસ્સાઓમાં અધિકૃત તબદીલી અને પટ્ટાની અનધિકૃત તબદીલી હોય તેવા કેસમાં જાહેર હરરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન અપાઈ હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રી કિંમતની ચોક્કસ ટકાવારીની રકમ લઈ કાયમી નિકાલ કરવામાં આવશે. જેમાં ૩૦ વર્ષ કે, તેથી વધુના સમયાગળા માટે ભાડાપટ્ટે અપાયેલ જમીનના અધિકૃત તબદીલી માટે જંત્રીના ૧પ ટકા, અનધિકૃત તબદીલીના કિસ્સામાં જંત્રીના રપ ટકા જેટલી રાહત કિંમત વસૂલવામાં આવશે. ટુંકાગાળા એટલે કે ૭ વર્ષથી વધુ અને ૩૦ વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલ જમીન માટે તબદીલ પાત્ર હોય તથા અધિકૃત તબદીલી થઈ હોય તો પ્રવર્તમાન જંત્રીના ર૦ ટકા, માત્ર ભાડે જમીન અપાઈ હોય તેવા કેસમાં જંત્રીના ૪૦ ટકા જ્યારે અનધિકૃત તબદીલીમાં જંત્રીના ૩૦ અને માત્ર ભાડે જમીન આપેલ હોય તેવા કેસમાં જંત્રીના ૬૦ ટકા અનુસાર રાહત કિંમત વસૂલી જમીનનો કાયમી નિકાલ કરાશે. 
જોકે, સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ હેઠળ ભાડાપટ્ટે અપાયેલ જમીનોને આ યોજના લાગુ પડશે અન્ય કેસો જેવા કે ફળઝાળ, કપાસ અને અન્ય વૃક્ષોના ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, નવસાધ્ય કરવા આપેલ જમીન, ઝીંગા ઉછેર માટે ફાળવવામાં આવેલ જમીન, મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલ જમીન, રમતગમત મેદાન માટે અપાયેલ જમીન, સોલાર, વીન્ડ, સોલાર વીન્ડ હાઈબ્રીડ યોજના માટે કે ગ્રીન હાઈડ્રોજન માટે ફાળવવામાં આવેલ જમીનના કેસોમાં આ યોજના લાગુ થશે નહીં. જો ભાડાપટ્ટે આપેલ જમીન માટે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં યોજનાનો લાભ મળશે નહીં. તા.૩૧/૧ર/૯૦ પછી ભાડાપટ્ટે આવેલ જમીનો માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. પ્રવર્તમાન જંત્રી દર અનુસાર રૂા.૧ કરોડ સુધીની કિંમતની જમીન-મિલકતના નિકાલની સતા જિલ્લા કલેક્ટરને સોંપાઈ છે. જ્યારે રૂા.૧ કરોડથી વધુ માટેની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે. આ યોજનાનો લાભ મેળવવા ઠરાવ થયાથી બે વર્ષ સુધી કરવાની રહેશે. રાજ્ય સરકારના આ ઠરાવથી કચ્છ જિલ્લામાં સરકાર પાસેથી ભાડાપટ્ટે જમીન મેળવનાર અનેક લોકોને મોટી રાહત મળી છે. 

Comments

COMMENT / REPLY FROM