કચ્છમાં સુજલામ સુફલામની યોજના એટલે ભ્રષ્ટાચારનો પર્યાય
ધરતીપુત્રોના કલ્યાણ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી યોજનામાં અનેક છીંડા : સરહદી સુકા જિલ્લામાં આ યોજના શરૂઆતથી જ રહી છે વિવાદાસ્પદ : વિતેલા વર્ષોમાં માત્ર કાગળ પર જ થયેલા કામો માટે કરોડો ચુકવવાની ઉઠી હતી ફરિયાદ : કચ્છ સિંચાઈ વર્તુળ હસ્તકની શાખાઓના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતથી સરકારી તિજોરીને ચોપડાયો હતો કરોડોનો ચૂનો : પાણીની જરૂરીયાત વાળા કચ્છમાં આ વખતે કચ્છ કલેકટર સહિત સિંચાઈના અધિકારી સુજલામ - સુફલામ સહિત સિંચાઈના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર ન થઈ જાય તેની તકેદારી રાખવી જરૂરી
દર વર્ષે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત કામ શરૂ કરવાનો સમયગાળો પણ ભ્રષ્ટાચારની બુનિયાદ : ચોમાસુ વરસાદ શરૂ થવાના થોડા દિવસો પૂર્વે શરૂ કરાતા કામો શંકાના દાયરામાં : પ્રથમ વરસાદમાં જળાશયોમાં પાણી ભરાયા બાદ કામોની પૂર્તતાની નથી થતી ચકાસણી : આડેધડ પૂર્તતાના પ્રમાણપત્રો આપી અમલીકરણ એજન્સીને કરી દેવાય છે ચુકવણા
જવાબદાર તંત્રવાહકો લાપરવાહી ત્યજી કચ્છમાં સુજલામ્ સુફલામ્ના કામો ગુણવતાસભર અને ચોક્કસ થાય તે માટે દાખવે તકેદારી : યોગ્ય કામ થાય તો જ કિસાનો અને જન કલ્યાણાર્થે અમલી બનેલી યોજનાનો હેતુ થશે સાર્થક : કચ્છના પ્રબુદ્ધ નાગરિકોની સૂચક ટકોર
ભુજ : કચ્છ સહિત રાજ્યભરના ધરતીપુત્રોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ વર્ષના રાજ્યના બજેટમાં પણ સૌની યોજનાથી લઈને સુજલામ સુફલામ યોજના માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાળવા સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના માટે રૂા. ૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે રૂા. ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની ખાસ યોજનાના હેતુસર રૂા. ૧૪૦૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જયાં એકતરફ રાજ્ય સરકાર કચછ જેવા સુકા પ્રદેશને નંદનવન બનાવવા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યાં બીજીતરફ કચ્છમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવોમાં ખાણેત્રા એટલે કે, તળાવો ઉંડા કરવાના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી સરકારની તિજોરીમાં ખાડા પાડવામાં આવે છે.
વિતેલા વર્ષોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કચ્છ સિંચાઈ વર્તુળ હસ્તકની શાખાઓ ક્ષાર અંકુશ, જળ સિંપતિ સંશોધન, કચ્છ સિંચાઈ અને સિંચાઈ બાંધકામ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ માત્ર કાગળ પર જ કામગીરી કરી ૩૦.૯૦ કરોડના ચુકવણા કરી દિધા હતા. લોક ભાગીદારીના ધોરણે અંદાજીત ૭૦ કરોડના કામો અંતર્ગત ૩૦ કરોડથી વધુની રકમ જળસંપતિ વિભાગના કચ્છ સિંચાઈ વર્તુળ હસ્તકની શાખાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ચુકવી દીધી હોવાની ચકચાર વિતેલા વર્ષોમાં લોક ચર્ચાનું કેન્દ્ર બની હતી. એકતરફ સરકાર રાહે કચ્છના દસ તાલુકાઓમાં લોકભાગીદારીથી જળસંચયના ખુબ કામો થઈ રહ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. તો બીજીતરફ ગ્રામિણ વિસ્તારોમાંથી આવા કોઈ જ કામો થયા ન હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. લખપત તાલુકાના સિયોત ગામની પંચાયતે તળાવ ખોદવાના કામો થયા જ ન હોવાનો દાખલો આપ્યો હતો તો ઘડુલી પંચાયતે પણ વર્ષ ર૦ર૩માં વીજીલન્સ કમિશ્નરને લેખિત રજુઆત કરી હતી.
કચ્છમાં સુજલામ સુફલામ યોજના શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. આ યોજના હેઠળ જળસંચયના કામો શરૂ કરવાનો સમગગાળો યોજના ન હોવાની ફરિયાદ ઉઠતી રહી છે. જુન મહિનાના મધ્ય ભાગે કચ્છમાં વિધિવત ચોમાસુ વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચય, તળાવ ઉંડા કરવાના કામો ચોમાસાની શરૂઆત પૂર્વે થોડા દિવસો અગાઉ જ શરૂ કરવામાં આવે છે. જો ચોમાસુ વરસાદ વહેલો શરૂ થઈ જાય તો તળાવોમાં પાણી ભરાઈ જતું હોવાથી યોજના અંતર્ગત થયેલ કામની ચકાસણી, માપણી સંભવ થતી નથી અને કામ પુરૂ થયાનું પ્રમાણપત્ર આપી અમલીકરણ એજન્સીને નાણાં ચુકવી દેવામાં આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં કામો મંજૂર થયેલ સ્થળના બદલે અન્યત્ર કરાયા હોવાની પણ ફરિયાદો ઉઠતી રહે છે. કિસાનો અને લોકોના હિતાર્થે શરૂ કરવામાં આવેલી આ યોજના કચ્છમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની છે. દર વર્ષે સુજલામ સુફલામ જેવી સરકારની મહત્વકાંક્ષી યોજનામાં ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ થોડા સમય ઉહાપોહ થાય છે.
ત્યારબાદ ભીનું સંકેલી લેવાય છે. કેટલાક ભ્રષ્ટાચારી તત્ત્વો પ્રજાના પૈસાની યોજનાના નામે લૂંટ ચલાવી પોતાની તિજોરી ભરી લેતા હોય છે. ત્યારે કચ્છમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થતી કાર્યવાહીમાં જવાબદાર તંત્ર વાહકો લાપરવાહી ત્યજી કામ ગુણવતાસભર અને ચોક્કસ થાય તે દિશામાં તકેદારી કેળવે તે ઈચ્છનીય છે તેવું કચ્છના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

Comments