ધમડકાની મોનો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના દાઝી જતા બિહારી શ્રમિકનું કરૂણ મોત
લોખંડની ભઠ્ઠીમાંથી ગરમ વરાળ નીકળી અને વરાળવાળા રૂમમાં બંધ થઈ જતા બની ઘટના
અંજાર : તાલુકાના ધમડકા ખાતે આવેલી મોનો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દાઝી જવાના કારણે બિહારી શ્રમિકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ અરેરાટી સાથે શોક ફેલાઈ જવા પામ્યો હતો.
આ બાબતે દુધઈ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ર૭ તારીખે બપોરે બે વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હતભાગી મૂળ બિહારના હાલે કંપનીની કોલોનીમાં રહેતા ૩૪ વર્ષિય મીઠુખાન મજુદીનખાન કંપનીના પેનલ રૂમમાં ઈલેકટ્રીશિયન તરીકે કામ કરતો હતો ત્યારે નજીકમાં લોખંડની ભઠ્ઠીમાં ગરમ વરાળ નીકળી અને આ શ્રમિક વરાળવાળા રૂમમાં બંધ થઈ જતા આખા શરીરે દાઝી જવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી આ યુવાનને સારવાર માટે પ્રથમ જાગૃત્તિ હોસ્પિટલ અંજાર લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદના નવરંગપુરામાં આવેલ નિધિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર ચાલુ હતી. બીજા દિવસે આ યુવાનનું મોત થયું હતું. જેથી પીએમ કર્યા બાદ પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી છે. આ ઘટનાની પરિવારને જાણ કરાતા પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી. દુધઈ પોલીસે એડી દાખલ કરી પોલીસે ખરેખર બનાવ કેવા સંજોગોમાં બન્યો તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી ફરી એકવાર કામદાર સુરક્ષાનો મુદ્દો પણ સામે આવવા પામ્યો હતો. આ ઘટનાથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ અરેરાટી ફેલાઈ હતી. મહત્ત્વની બાબત એ છે કે, અગાઉ પણ આ કંપની કર્મચારીઓની સુરક્ષાને લઈને અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.

Comments