માંડવી બીચ પર કાયદો વ્યવસ્થાના ધજાગરા : સરાજાહેર ત્રણ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
જાહેર સ્નાનગૃહમાં ન્હાવા જવાની બાબતે બહારથી આવેલા ચાર શખ્સોએ તોડફોડ સાથે પાવડા વડે અધમ મચાવ્યો : જીવલેણ હુમલો છતા માંડવી પોલીસે સામાન્ય કલમો લગાડતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
માંડવી : કાળઝાળ ગરમી વચ્ચે માંડવીના બીચ પર ઠંડક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે પરંતુ ગરમીમાં ગુસ્સાનો પારો આસમાને જતા ગઈકાલે બપોરે એક વાગ્યાના અરસામાં બીચ પર આવેલા જાહેર સ્નાના ગૃહ પર ગંભીર પ્રકારની મારામારી થવા પામી હતી. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ઘવાયા હતા. જીવલેણ હુમલો હોવા છતાં માંડવી પોલીસે સામાન્ય કલમો લગાડી મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોય તેવો આક્ષેપ ઉઠવા પામ્યો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માંડવીના ધવલનગર-ર મા રહેતા ભિષ્મ ધિરજભાઈ પટેલે જણાવ્યું કે, તેના પિતા માંડવી બીચ પર કોન્ટ્રાક્ટ બેઝ જાહેર સ્નાનાગૃહ ચલાવે છે. રવિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેનો ભાઈ આનંદ અને તેના પિતા ધિરજભાઈ સ્નાના ગૃહ પર હાજર હતા. એ દરમિયાન નાનો છોકરો સીધો સ્નાના ગૃહમાં ઘૂસી જતા તેને રોકાવી અંદર ટ્રાફીક હોવાથી પાંચ મિનિટ રાહ જોવા કહ્યું હતું. આ દરમિયાન એક લાલ ટી-શર્ટવાળો ભાઈ આવ્યો અને ના કહી તેમ કહી ફરિયાદીના ભાઈ આનંદ સાથે ઝપાઝપી કરી બાજુમાં ગટર સાફ કરવાનો પાવડો લઈ માથાના ભાગે પાવડાનો ઉંધો ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતા પિતાએ બન્ને હાથ માથા પર
આડા કરતા હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. અન્ય એક એક વ્યક્તિ આવી ભાઈને પકડી રાખી ધકબુસટનો માર માર્યો હતો. ફરિયાદીએ આરોપીના હાથમાંથી પાવડો ઝુંટવી બહાર ફેંકી દીધો હતો. આરોપીએ ફરિયાદીને છાતીના ભાગેથી પકડી ઝપાઝપી કરી દીવાલમાં ભટકાવી ધકબુસટનો માર માર્યો હતો. આ દરમીયાન ત્રીજો માણસ લાકડાનો ધોકો લઈને આનંદને પગમાં મારવા જતા ફરિયાદીએ હાથ આડો કર્યો હતો. આરોપીઓ ખુબ ઉસ્કેરાયેલા અને મારવા માટે વધુ આક્રમક થતા હોવાથી ત્રણેય પિતા-પુત્રએ બૂમાબૂમ કરતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા જેને પગલે ત્રણેય અજાણ્યા માણસો નાના છોકરાને લઈને ભાગી ગયા હતા. જતા જતા ધમકી આપી ગયા કે આજે બચી ગયા છો બીજીવાર મળ્યા તો જાનથી મારી નાખશું. ત્રણેય પિતા-પુત્ર ઈજાઓ હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ફરિયાદીના પિતાને માથાના ભાગે ચાર સે.મી. જેટલી લાંબી ગંભીર ઈજા અને હાથમાં ફ્રેક્ચર અને ભાઈને માથામાં સાત સે.મી. જેટલી ગંભીર ઈજા થવાથી સારવાર માટે કે.કે. પટેલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે ફરિયાદીને મુઢ ઈજાઓ થઈ હતી. આ બનાવને પગલે બીચ પર કાયદો વ્યવસ્થાના રિતસર ધજાગરા ઉડ્યા છે. બહારથી આવેલા લોકો બીચ પર ડખ્ખો કરી આવા જીવલેણ હુમલાને અંજામ આપતા હોઈ સ્થાનિક ધંધાર્થીઓમાં રોષ ફેલાયો છે. પોલીસે આ પ્રકરણમાં હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે કચ્છ બહારથી કોઈ નેતાનો ફોન આવ્યા બાદ ગંભીર ઈજા હોવા છતા સામાન્ય કલમો લગાડી માંડવી પોલીસે મામલો સમેટી લેવા હીલચાલ કરી છે. જોકે, આ બનાવ ગંભીર છે અને પ્રવાસીઓની સુરક્ષા પણ જોખમાઈ શકે તેમ છે. ત્યારે જોવાનું એ છે કે, જિલ્લા પોલીસ તરફથી આ બનાવમાં કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે.
...............
બીચ પર પોલીસ ચોકી છતાં સુરક્ષા મળતી નથી
ઉનાળાની ગરમીમાં કચ્છમાં સૌથી વધુ લોકો માંડવી બીચ પર ફરવા જતા હોય છે. તેમાં ખાસ કરીને રજા, રવિવારના દિવસોએ બીચ પર હકડેઠઠ મેદની જોવા મળે છે. હાજીપીરનો મેળો અને રવિવારના કારણે ગઈકાલે માંડવી શહેરમાં રૂકમાવતી બ્રીજ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. કલાકો સુધી વાહનો ફસાયા સાથે એસટી બસ પણ અટવાઈ પડી હતી. જોકે, ક્યાંય પોલીસ જોવા મળી ન હતી. બીચ પર સરાજાહેર એક વાગ્યાના અરસામાં આવો જીવલેણ હુમલો કરાયો છતા પોલીસ પહોંચી ન હતી.
અગાઉ એસપી તરીકે મહેન્દ્ર બગડિયા હતા ત્યારે માંડવી બીચ પર મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખી બીચ પર ટુરિસ્ટ પોલીસ ચોકી ઊભી કરાવી છે. જોકે, મોટે ભાગે આ ચોકી બંધ પડી હોય છે. તેમજ બીચમાં આવાગમનનો રસ્તો સાંકડો હોવાથી સતત ટ્રાફિકજામ થાય છે. જોકે, માંડવી પોલીસના કર્મચારીઓ કે અધિકારીઓ તો જોવા મળતા નથી. મહિલા જીઆરડીના જવાનો ટ્રાફિક ક્લિયર કરતા અવાર-નવાર જોવા મળે છે. જે હેતુથી ટુરિસ્ટ પોલીસ ચોકી સ્થપાઈ હતી તે એસપીની બદલી થતા આ હેતુ ભુલાઈ ગયો હોય તેમ સ્થાનિકના લોકો જણાવી રહ્યા છે.

Comments