Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની રણ સરહદે માથું ઉંચકી રહેલો ‘નશા’નો કારોબાર દેશની સુરક્ષા માટે ‘જોખમી’

28 April

સુરક્ષા એજન્સીઓ ન રહે ગાફેલ...


પ્રવસાન ક્ષેત્રે વિકાસ અને આરઈ પાર્કના આગમન બાદ રણ વિસ્તારમાં માનવ વસ્તી વધી : પરપ્રાંતિય શ્રમિકોના આગમન બાદ દારૂ જેવા દુષણે પણ કર્યો પગપેસારો : ખાવડાથી 
આરઈ પાર્ક સુધીના વિસ્તારમાં દારૂનો ધમધમતો કારોબાર



તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બુટલેગરના વીડિયોએ સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનું પૂરૂં પાડ્યું હતું પ્રમાણ : દેશી દારૂના વેચાણથી શરૂ થયેલી ગેરપ્રવૃત્તિથી ભવિષ્યમાં ડ્રગ્સનું દુષણ પણ પગપેસારો કરે તેવી ભીતિ : અસામાજિક તત્ત્વોને ઉગતા જ ડામી દેવાય તે ઈચ્છનીય : પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો મત




ભુજ : અઢી-ત્રણ દાયકા અગાઉ જિલ્લા માટે અભિશાપ ગણાતું કચ્છનું રણ હવે આશીર્વાદ સમાન બન્યું છે. ધોરડોમાં કચ્છ રણોત્સવને મળેલી સફળતા બાદ સૂની રણકાંધી દેશ-વિદેશના પ્રવાસીઓના આવાગમનથી ગાજતી થઈ છે, તો ખાવડા સમીપેના રણમાં રિન્યુએબલ એનર્જી પાર્કના આગમનથી રોજગારીના સર્જન સાથે વાણિજ્ય પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. જ્યાં એક તરફ સૂની રણ સરહદે માનવ વસ્તીમાં વધારો થયો છે ત્યાં બીજી તરફ અસામાજિક પ્રવૃત્તિઓ અને નશા જેવા દુષણો પણ વધ્યા છે.
વિતેલા અઢી દાયકામાં કચ્છમાં ઉંચકાયેલા ક્રાઈમ રેટ માટે પરપ્રાંતિયોની વધી ગયેલી વસ્તી મુખ્ય કારણ મનાય છે. ખાવડાના આરઈ પાર્કમાં પણ દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા હજારો પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે, જે પૈકી મોટા ભાગના શ્રમિકો છે. આ શ્રમિકોને નશાની આદતના કારણે સરહદી વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનું દુષણ ફાટીને ધૂમાળે ગયું છે. તાજેતરમાં એક બુટલેગરના વાયરલ થયેલા વીડિયોએ દેશની સુરક્ષા માટે મહત્ત્વના મનાતા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનું પ્રમાણ પૂરૂંં પાડ્યું હતું. ખાવડાથી માંડી આરઈ પાર્ક સુધીના વિસ્તારમાં દારૂનો વેપલો ધમધોકાર થઈ રહ્યો છે. આરઈ પાર્ક વિસ્તાર એ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો ભૂભાગ હોવાથી સુરક્ષા એજન્સીઓની ખાસ હાજરી જોવા મળે છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ ફોર્સ પણ તૈનાત છે ત્યારે સુરક્ષાના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરપ્રવૃત્તિઓ કઈ રીતે ધમધમી રહી છે તે અંગે પ્રબુદ્ધ વર્ગ ચિંતા વ્યક્ત કરતા જણાવે છે કે, સરહદી વિસ્તારમાં માથું ઉંચકી રહેલા અસામાજિક તત્ત્વો અને બુટલેગરોને અત્યારથી જ ડામી દેવામાં આવે તે ઈચ્છનીય છે. આજે દેશી દારૂના વેચાણથી શરૂ થયેલી ગેરપ્રવૃત્તિથી ભવિષ્યમાં ડ્રગ્સનું દુષણ પણ પગપેસારો કરે તેવી ભીતિ જોવાઈ રહી છે. 
દેશના સરહદી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિનો વધતો વ્યાપ સુરક્ષા માટે ખતરારૂપ ગણી શકાય. જવાબદાર તંત્રવાહકોની લાપરવાહી દેશની સુરક્ષા માટે જોમખરૂપ બની શકે છે. આમેય નાપાક દુશ્મનોની મેલી નજર હંમેશા કચ્છના સરહદી વિસ્તાર પર મંડરાયેલી જ રહે છે. કચ્છની રણ અને દરિયાઈ સરહદે નાપાક ઘૂષણખોરી અને ડ્રગ્સ ઘૂસાડવાના કારસાઓ અનેક વખત ઉજાગર થયા છે. સરહદી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો પગપેસારો ગંભીર બાબત છે ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની સરહદી વિસ્તારમાં શરૂ થઈ રહેલી ગેરપ્રવૃત્તિઓને ઉગતા જ ડામી દે તે ઈચ્છનીય છે.



.......................


પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયાની ઘટના લાલબત્તીરૂપ



ભુજ : તાજેતરમાં કચ્છની રણ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. આ ઘટના સરહદી સુરક્ષા માટે લાલબત્તીરૂપ છે. સામે પારથી કોઈ શખ્સ કઈ રીતે સુરક્ષા ઘેરાને વટાવી ઠેઠ આરઈ પાર્ક સુધી પહોંચી આવ્યો તે ચિંતાનો વિષય છે. આ ઘૂસણખોરને સામે પારથી નાપાક એજન્સીઓએ રેકી માટે ગેરમાર્ગે દોરીને મોકલ્યો હતો કે કેમ તેવો સવાલ પણ જે-તે સમયે ચર્ચાયો હતો. જોકે, આ કિસ્સામાં ઘૂસણખોર પાસેથી કશું વાંધાજનક મળી ન આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ કચ્છની અટ્ટપટ્ટી ક્રીક સરહદ અને રણ સરહદે ઘૂસણખોરીની દહેશત હંમેશા રહેતી હોય છે ત્યારે મોટા પ્રકલ્પો સુધી કોઈ ઘૂસણખોર પહોંચી અટકચાળા ન કરી જાય તેની તકેદારી રાખવી અનિવાર્ય છે.

Comments

COMMENT / REPLY FROM