પૂર્વ કચ્છ પોલીસનો સપાટો : સ્પામાં કામ કરતી છ બાંગ્લાદેશી મહિલા પકડાઈ
ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરી મેઘપર (બોરીચી)ના ન્યુ બ્લેક બુદ્ધા અને ગાંધીધામના બ્લેક રોઝ રિલેક્ષ સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું : ભારતમાં ખોટા આધારકાર્ડ પણ બનાવ્યા
ભુજ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ગુજરાત પોલીસે હવે સર્તકતા વધારી છે. ખાસ કરીને રાજ્યમાં ગેરકાયદે રીતે વસતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને શોધવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પહેલી વખત બાંગ્લાદેશી ઘુસણખોરો પર સ્ટ્રાઈક કરી મહાનગરોમાં એક જ રાતમાં ૧ હજાર બાંગ્લાદેશીને ઝડપી લેવામાં આવ્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરોને બે દિવસમાં સરેન્ડર કરવા માટે ચિમકી આપી છે. તો ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યની તમામ પોલીસોને આદેશ આપી ગેરકાયદે વસ્તા નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ નકલી દસ્તાવેજ બનાવનારા સુધી તપાસ માટે નિર્દેશ અપાયા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે છ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે.
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં સ્પા, લાકડાના બેન્સા, ફેક્ટરી, કારખાના, હોટલ ધાબા વગેરે જગ્યાએ ચેકિંગ કરી ગેરકાયદે વસ્તા બાંગ્લાદેશી નાગિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી હતી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં મેઘપર (બોરીચી) સંતકૃપા સોસાયટીમાં આવેલ બ્લેક બુદ્ધા સ્પા અને ગાંધીધામમાં આવેલ બ્લેક રોઝ સ્પા ખાતેથી છ બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ભારતમાં બનાવટી આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવ્યા હતા. આ બાંગ્લાદેશી મહિલાઓને પરત વતન મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા બાંગ્લાદેશીની જો વાત કરવામાં આવે તો ન્યુ બ્લેક બુદ્ધા સ્પામાંથી સર્મિન રફીક શેખ, લીમા રફીક શેખ, પરીવાના અબ્દુલ્લા શેખ, આસ્મા રજાક ગાંજી, બ્લેક રોઝ રિલેક્ષ સ્પામાંથી શબીના બેગમ ઝહરઅલી અને જહાનારા ઉર્ફે જનત સલીમ શેખની અટકાયત કરાઈ હતી. ઝડપાયેલ મહિલાઓ ર૪થી ૩પ વર્ષની આયુ ધરાવે છે તે પૈકી સર્મિન સાથે તેનું બાળક પણ છે. શબીના પાસે ભારત ઉપરાંત બાંગ્લાદેશ સરકારનું રાષ્ટ્રીય આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ કામગીરીમાં ડીવાયએસપી એમ.પી.ચૌધરી, એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા, અંજાર પીઆઈ એ.આર.ગોહિલ, પીએસઆઈ ડી.જી.પટેલ સહિતના જોડાયા હતા.
............
કચ્છમાં લાંબા સમયના વિઝા પર ૧૭૦ પાકિસ્તાની કરે છે વસવાટ
હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં ભારત છોડી દેવા માટે ચેતવણી આપી છે. જે બાદ ગુજરાતમાં લાંબા સમય અને ટુંકા સમયના વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોની શોધખોળ કરવામાં આવી. જેમાં ગુજરાતમાં કુલ ૯,૯૧૦ પાકિસ્તાની રહેતા હોવાનું સામે આવ્યું છે. જેમાં પશ્ચિમ કચ્છમાં ૧૩૬ અને પૂર્વ કચ્છમાં ૩૪ પાકિસ્તાની લાંબા સમયના વિઝા પર રહેતા હોવાનું સામે આવ્યું છે. આ પાકિસ્તાની નાગરિકોને ડિપોર્ટ કરવા માટે સરકારના નિર્દેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
............
પશ્ચિમ કચ્છ પોલીસ હજુ પણ સુષુપ્ત
પશ્ચિમ કચ્છમાં ખાવડા અને લખપત બોર્ડરે રણ સરહદ, નલિયા, જખૌ, કોટેશ્વર સહિતના દરિયાઈ કિનારેથી દરિયા અને હવાઈ સરહદ આવેલી છે. પાકિસ્તાનની સૌથી નજીક આવેલો આ જિલ્લો છે. જેથી આ જિલ્લામાં નાપાક ગતિવિધિ અટકાવવી ખુબ જરૂરી બની રહે છે. જોકે, હજુ સુધી પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં ૧ હજાર બાંગ્લાદેશી પકડાયા, સુરત, વડોદરા તમામ સ્થળોએ કાર્યવાહી થઈ. ગાંધીધામમાં પણ સ્પામાં કામ કરતી મહિલાઓ પકડાઈ છે પરંતુ હજુ સુધી પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ દિશામાં ખાતું ખુલ્યું નથી. રવિવાર બપોર સુધી આ લખાય છે ત્યારે પશ્ચિમ કચ્છમાં કોઈ પણ બાંગ્લાદેશી પોલીસે પકડ્યા નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
.........
૬૩પ૯૬ ર૬૮૪પ : ઘૂસણખોરોની આ નંબર પર કરો જાણ
પૂર્વ કચ્છ પોલીસે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે, આપની આજુબાજુ ધંધા કે નોકરીના સ્થળે બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય કોઈ દેશના ઘૂસણખોરો રહેતા હોય તો તેની માહિતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ નં.૬૩પ૯૬ ર૬૮૪પ આપવામાં આવે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસને સહકાર આપવા વિનંતી કરાઈ છે.
.........
આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડમાં પોલીસે ૬૦૦ થી વધુ પરપ્રાંતિયોનું વેરિફિકેશન કર્યું
લેબર કોલોની તેમજ હોટલોમાં તપાસ કરી આધાર-પુરાવા ચેક કરવામાં આવ્યા : ખડીર બોર્ડરે બીએસએફ દ્વારા જાપતો વધારાયો
રાપર : તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૨૬ લોકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં ૫ાકિસ્તાની તથા બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના નાગરિકોની તપાસ હાથ ધરવામાં આવી છે તે અન્વયે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.
વાગડ વિસ્તારમાં રાપર, ભચાઉ તાલુકાના સરહદી વિસ્તાર તથા હાઈવે પટ્ટી પર આવેલી કંપનીઓ તથા હાઈવે હોટલ તથા અન્ય સંસ્થાઓમાં નોકરી કરતા પરપ્રાંતિય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા તથા સ્ટાફ દ્વારા ૧૬૫ જેટલા પરપ્રાંતિય નાગરિકોના આધારોની ચકાસણી કરવામાં આવી હતી. ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ વી.એ.સેગલ તથા સ્ટાફ દ્વારા ૧૮ પરપ્રાંતિય નાગરિકના આધાર-પુરાવા તપાસવામાં આવ્યા હતા. તો લાકડિયામાં પીઆઈ જે એમ .જાડેજાના વડપણ હેઠળ જર્મન સ્ટીલ, દીપ, મીના, ઓરિયન્ટલ, કામધેનુ સહિતની કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતિયોની તપાસ કરવામાં આવી હતી. રાપર શહેર મા જુદા જુદા વિસ્તારોમાં ૨૬ નાગરિકની તપાસ પીઆઇ જે.બી.બુબડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સામખીયારી ખાતે આવેલ ઈ.ટી.અને ગ્લેન્ટ કંપનીમાં કામગીરી કરતા પરપ્રાંતિયની કોલોનીમાં રહેતા પરપ્રાંતિય પરીવારોની તપાસ સામખિયાળી પીઆઈ વી.કે ગઢવી તથા સ્ટાફ દ્વારા સાંજના પાંચ વાગ્યાથી રાત્રીના દશ વાગ્યા દરમિયાન કરાઈ હતી. ખડીર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પીઆઈ એમ.એન.દવે તથા ટીમ દ્વારા રાઉન્ડ ઘ કલોક પોલીસ, બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા ૫ેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારમાં પરપ્રાંતિયોની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીઓએ
જણાવ્યું હતું.
.........

Comments