સસ્તામાં સોનું આપવાનું કહીં ભુજમાં ૮ લાખ પડાવી લેવાયા
ચિટરોનો પશ્ચિમ કચ્છ પોલીસને પડકાર, ‘રોક શકો તો રોક લો’ : દિલ્હીના ભોગ બનનાર વૃદ્ધે ભુજના ગાંધીનગરીના બે ઈસમો સામે નોંધાવી ફરિયાદ
ભુજ : સસ્તા સોનાના નામે એક જ મોડસ એપરેન્ડીથી સમગ્ર દેશભરમાં ઠગાઈ કરનાર ભુજના ચીટરો સામે કાર્યવાહી કરવામાં પોલીસ નબળી પડતી હોય તેમ વધુ એક બનાવ સામે આવ્યો છે. એક તરફ રાજ્યના પોલીસ વડા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની સૂચના આપે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાં કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા નિવેદન આપે છે. જોકે, ભુજ પોલીસ ઉપરી સૂચનાઓની અવગણના કરતી હોય તેમ અહીં સસ્તા સોનાના ચીટરો બેફામ બન્યા છે. તાજેતરમાં એલસીબી દ્વારા સસ્તા સોનાના ચીટરો સામે ગેંગ બનાવી, બેનામી મિલ્કત સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છતાં ચીટરોની હિંમત તુટી નથી. હજુ પણ નિર્દોષ લોકોને શિશામાં ઉતારી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ દિલ્હીમાં રહેતા ૬ર વર્ષિય મિગ્રેશ ઉમેદરામ દિવાકરના જણાવ્યા પ્રમાણે તેમણે ત્રણ મહિના પહેલા ઈન્ડિયા માર્ટ વેબસાઈટ પર આયાતી ગોલ્ડની રિકવેસ્ટ નાખતા તેમને ફોન આવ્યા અને સામાવાડાએ અમીન હનીફ સોઢા બોલતો હોવાનું કહીં પોતે સોનું ઈમ્પોર્ટ કરે છે અને કેટલું સોનું જોઈશે તેમ કહ્યું હતું. બાદમાં અમદાવાદ ખાતે ર૧ જાન્યુઆરીના અમીન સોઢા અને નવાબ હારૂન ત્રાયા મીટિંગ કરવા માટે ગયા હતા. જ્યાં કહ્યું હતું કે, અમારું કન્સાઈનમેન્ટ આવી ગયું છે અને કસ્ટમ તેમજ પોર્ટમાં ક્લિયરન્સ મળ્યા બાદ ભુજ ઓફિસે આવીને માલ લઈ લેજો. હિલગાર્ડન પાસે બોલાવી અમીનની ગાંધીનગરી ખાતે આવેલ ઓફિસમાં લઈ જઈ બિસ્કિટ બતાવ્યું હતું. બાદમાં ફરી આવી સોદા પેટે આઠ લાખ રૂપિયા આપ્યા હતા અને બિસ્કિટ અમદાવાદમાં મળી જશે તેમ કહ્યું હતું. અમદાવાદ ગયા ત્યારે બિસ્કિટ મળ્યા ન હતા. અવાર-નવાર માત્ર ખોટા વાયદા કરવામાં આવ્યા હતા. પૈસા લઈ બિસ્કિટ ન અપાતા બન્ને જણા સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
.........

Comments