મુંદરામાં ગેરકાયદે રીતે ગેસના બાટલા ભરવાનું કૌભાંડ પકડાયું
રાજસ્થાનના શખ્સને પકડી નાની-મોટી ગેસની ૧૪૧ બોટલ કબજે કરાઈ : ગેરકાયદે રીતે બાટલા ભરી છૂટકમાં કરાતું હતું વેચાણ
મુંદરા : ઔદ્યોગિક નગર મુંદરામાં ગેરકાયદે રીતે ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલા ભરવાનું કૌભાંડ પકડાયું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થનનો હાલે નાના કપાયા ગામે રહેતો સુનિલ મોહનરામ બિશ્નોઈએ ધ્રબ ગામની નદીની બાજુમાં સદ્દગુરૂ કૃપા કોમ્પ્લેક્ષની પાછળ આવેલ ઓરડીઓમાં ગેરકાયદે રીતે ગેસની બોટલો રાખી હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા સામે આવ્યું કે અહીં ગેરકાયદે રીતે રાંધણ ગેસની બોટલો સંગ્રહ કરવામાં આવી હતી, જેમાં પાઈપ જેવા સાધનની મદદથી સિલબંધ ભરેલી ગેસની બોટલોમાંથી સીલ ખોલી અન્ય કોમર્શિયલ ગેસની ખાલી બોટલોમાં ઘરેલુ રાંધણ ગેસ ભરી આ કોમર્શિયલ બાટલાઓ છૂટક બજારમાં વેચવામાં આવતા હતા. મળી આવેલા સુનિલ પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. તેણે કહ્યું કે, આ ગેસની બોટલો તે હેતરામ કંવરારામ બિશ્નોઈના કહેવાથી લાવ્યો અને તેના કહેવાથી રાંધણ ગેસમાંથી કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ગેસ ભરી વજન કાંટા વડે વજન કરી નવી બોટલની જેમ સીલ કરી વેચાણ કરતો હતો. સ્થળ પરથી કોમર્શિયલ ગેસના પાંચ કિલોના ભરેલા ૪પ બાટલા, ખાલી ૪૧ બાટલા, ૧૯ કિલોના ભરેલા ૮ બાટલા, ખાલી ર૧ બાટલા તેમજ ઘરેલુ ગેસના ભરેલા ર અને ખાલી ર૪ મળી કુલ્લ ૧૪૧ બાટલા તેમજ પાઈપ, વજનકાંટો, નવા સીલ, સીલ કરવા માટેની ઈલેક્ટ્રીક ગન, હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ૪ લાખના બે છોટાહાથી સહિત ૬ લાખનો મુદ્દામાલ કબજે કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો.
.....................
અવાર નવાર પકડાતા ગેસના બાટલાઓમાં પાછળથી એજન્સીને આપી દેવાય છે ક્લિનચીટ
મહત્ત્વની બાબત એ છે કે કચ્છમા ંઅવાર નવાર આ પ્રમાણે ગેસના બાટલાનો વેપલો પકડાય છે, જેમાં કેસ શોધ્યા બાદ આગળ તપાસમાં કોઈ પ્રગતિ જણાતી નથી. એજન્સીને પણ પાછલા બારણે ક્લિનચીટ આપી દેવાય છે. અગાઉ ભુજ એલસીબીએ માધાપર પાસેથી આ જ પ્રમાણે રાજસ્થાની શખ્સોને પકડી ગેસની હેરફેરનું કૌભાંડ પકડ્યું હતું. જોકે, પાછળ કોઈ ધાક બેસાડતી કાર્યવાહી થઈ નથી. તાજેતરમાં પુરવઠા અધિકારીએ રાપરમાં આજ પ્રમાણે મોટા પ્રમાણમાં સંગ્રહેલી ગેસની બોટલો પકડી હતી, તેમાં પણ એજન્સી સામે કોઈ પગલાં લેવાયા નથી. મુંદરામાં ખાસ કરીને મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે. તેઓના રહેઠાણ પુરાવા પોતાના વતનના હોય છે. આ પ્રમાણે આવા લોકો પાસેથી તેઓ બ્લેકમાં ગેસની બોટલો ખરીદી રસોઈ બનાવતા હોય છે તેવું પણ સામે આવ્યું છે. જોવાનું એ છે કે આ કિસ્સામાં એજન્સી સામે પગલાં લેવાશે કે પછી ક્લિનચીટ આપી દેવાશે.

Comments