કચ્છમાં ઘરોઘર સોલાર પેનલ લગાડવાની ઝુંબેશ વચ્ચે
સોલાર મીટરના કનેકટીવીટી ચાર્જમાં તોતીંગ વધારાથી વીજ ગ્રાહકો ખફા
૬ કિલોવોટથી વધુ સોલારની માંગણીમાં ૧૦ હજારનો વધારો ઝીંકાયો : ગ્રાહકની સોલાર પેનલની વધારાની માંગણી પણ અગાઉના કિલો વોટ સાથે સંયુકત ગણાશે : ત્રણ કિલો વોટ સુધી સબસીડીનો અપાશે લાભ
ભુજ : ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને પર્યાવરણની સુરક્ષાના મુદ્દે સરકાર દ્વારા પરંપરાગત ઉર્જાના સ્થાને વૈકલ્પિક ઉર્જાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઘર વપરાશમાં ગ્રીન એનર્જીનો વપરાશ વધે તે માટે સરકાર દ્વારા પીએમ સુર્ય ઘર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશમાં એક કરોડ અને કચ્છ જિલ્લામાં ર૪ હજારથી વધુ સોલાર પેનલો લગાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં અનેક લોકો સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટે આગળ આવી રહ્યા છે. ગ્રીન એનર્જીના વપરાશ સાથે વીજબીલમાં પણ મોટી રાહત મળતી હોવાથી લોકો પોતાના ઘરો પર સોલાર પેનલ લગાડવાનું પસંદ કરી રહ્યા છે તેવામાં સોલાર મીટરની કનેક્વિટીનો ચાર્જ વધારી દેવાતા વીજ ગ્રાહકોના ખીસ્સા પર ભારણ વધ્યું છે.
આ અંગેની મળતી વિગતો મુજબ માસિક ઘરખર્ચમાં અન્ય બાબતોની સાથે વીજ બીલ મુખ્ય હોય છે. વીજ બીલમાં બચત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી સોલાર પેનલનો ટ્રેન્ડ વધતો જાય છે. સરકાર દ્વારા પણ સોલાર પેનલને પ્રોત્સાહન આપવા માટે સબસીડી અપાતી હોવાથી છેલ્લા વર્ષમાં મોટી સંખ્યામાં સોલાર પેનલ લગાવવાની માંગ વધતી જાય છે. જેથી કુદરતી ઉર્જા એટલે કે સૂરજના તાપને ગ્રાહકો પોતાની સોલાર પેનલ વડે સંગ્રહિત કરીને વધારાની વીજળી વીજતંત્રને આપે છે. છતાંયે સોલાર પેનલમાં પણ કિલોવોટની આંકડાકીય આંટીઘૂંટી ઉભી કરીને વીજ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાયો છે.
કોઇપણ વીજ ગ્રાહકને પોતાના ઘરે સોલાર પેનલ લગાવવી હોય તો ઉદા. તરીકે બે લાખના સોલાર પેનલ એસ્ટીમેટ સામે ટ્રાન્સફોર્મરનો ખર્ચ ગ્રાહકોને કિલોવોટની માંગણી મુજબ ભરવો પડતો હતો. જેથી ઓછા વીજ વપરાશવાળા ગ્રાહકોને પણ સોલાર પેનલ લગાવવામાં મોટો ખર્ચ ચૂકવવો પડતો હોવાની ફરિયાદ થવા પામી હતી. જેને ધ્યાને લઇને સરકારે સોલાર પેનલમાં કનેકટીવીટી ચાર્જ નિયત કરીને કિલોવોટની માંગણી મુજબ ગ્રાહકોએ ચૂકવવાની રકમના સ્લેબ કર્યા. ગત સપ્ટે.ર૦ર૪માં આ અંગે રાજયસ્તરની બેઠક પણ યોજાઇ હતી. જેમાં એક સોલાર ગ્રાહકને ભારણ ન આપવાનું ધ્યાને લઇને ટ્રાન્સફોર્મરમાં સોલાર વીજળી જમા લેવા સંગ્રહ ક્ષમતા વધારવા ગ્રાહક પાસેથી કિલોવોટની કેપેસીટીવાઇઝ માંગણી મુજબ ચાર્જ લેવાનું નકકી કરાયું છે. જેમાં ટ્રાન્સફોર્મર પર જોડાણ મેળવનાર ૦થી ૩ કિલોવોટ સુધી સબસીડી ઉપલબ્ધ કરવામાં આવી છે. જયારે ૩થી ૬ કિલોવોટ સુધી વીજ તંત્ર દ્વારા રૂ.ર૯પ૦ ફીકસ ચાર્જ છે. જયારે એજન્સી દ્વારા ઇન્સ્ટોલ મટીરીયલ મુજબ ચાર્જ વસૂલાય છે. જયારે ૬ કિલોથી વધુ કિલોવોટની માંગણી કરનાર ગ્રાહક પાસેથી ટ્રાન્સફોર્મરમાં સોલાર થકી આવતી વીજળીને સંગ્રહિત કરવાની ક્ષમતા વધારવા માટે ટ્રાન્સફોર્મર મોટું કરવા (સંગ્રહ જગ્યા વધારવા) કનેકટીવીટી ચાર્જ પેટેના રૂ. ૧૦ હજાર વધુ લેવાનું નકકી કરાયું છે. ટ્રાન્સફોર્મર મોટું કરવા માટેની પ્રકિયા અંગે ચાર્જ વસૂલાતના તબકકા નિયત કરાયા છે. ગ્રાહકની માંગણી ભરવાની રકમ ૦થી ૬ કિલોવોટ રૂ. ર૯પ૦ ૬થી ૧ર કિલોવોટ રૂ.૧ર હજાર ૧રથી ર૦ કિલોવોટ રૂ. ર૧ હજાર ર૦થી વધુ કિલોવોટ રૂ. ર૧ હજાર + પ્રત્યેક કિલોવોટે રૂ.૧૧૦૦ નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. અગાઉથી સોલાર પેનલ ધરાવતા ગ્રાહક દ્વારા વધુ કિલો વોટની માંગણી કરવામાં આવે તો અગાઉના અને નવી માંગણી મુજબના કિલોવોટની ઓનલાઇન સંયુકત ગણતરી કરીને કુલ કિલોવોટ મુજબ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વીજ તંત્રના સૂત્રોનુસાર સોલાર પેનલ માટેની તમામ પ્રકિયા ઓનલાઇન થઇ રહી છે.

Comments