રાજ્યની સર્વશ્રેષ્ઠ જળ વ્યવસ્થા ધરાવતું ભુજ શહેર પાણી માટે બન્યું પરાવલંબી
વિકાસની આંધળી દોટની આડ અસર
શહેરની ૪પ૦ વર્ષ જૂની રાજાશાહી વખતની જળ વ્યવસ્થા ખોરવાઈ જવાનો દરેક ભુજવાસીને છે વસવસો : શહેરને બારેમાસ પાણી પૂરૂં પાડતા જળાશયોની દરકાર ન લેવાતા ભુજ શહેર પાણી માટે નર્મદાના નીર પર બની ગયું છે નિર્ભર
વર્લ્ડ મેન્યુમેન્ટસ વોચ-ર૦રપમાં વિશ્વના રપ ઐતિહાસિક સ્થળોમાં ભુજને મળ્યું છે સ્થાન : શહેરની આસપાસ આવેલા ૪ર તળાવોનું સંવર્ધન કરાય તો ફરી એક વખત ભુજ બને નંદનવન
જળ સ્નેહ સંવર્ધન સમિતિ શહેરના ૪ર પૈકી ૩૦ તળાવોને સરકારી ચોપડે નોંધણી કરાવવા ચલાવી રહી છે લડત : ત્રિમંદિરની સામે આવેલા તળાવનો ભાડામાં સમાવેશ કરી સંવર્ધન કરવાની વાતનો ઉડી ગયો છેદ : સરકાર અને ભુજવાસીઓ ઐતિહાસિક જળવારસાને બચાવી લેવા સક્રિય બને તે ઈચ્છનીય : નવિનભાઈ બાપટ
ભુજ : શહેરની રાજાશાહી વખતની ઐતિહાસિક જળ વ્યવસ્થાએ વર્લ્ડ મોન્યુમેન્ટસ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટસ વોચ-ર૦રપમાં પસંદ કરાયેલા વિશ્વભરના રપ ઐતિહાસિક સ્થળોમાં સ્થાન મેળવ્યું છે. ઈન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટસની પેનલ દ્વારા ભારતના બે સ્થળોની પસંદગી પૈકી એક સ્થળ તરીકે ભુજની પસંદગી કરવામાં આવી છે.
ભુજ શહેરના હૃદય સમા ઐતિકાસિક હમીરસર તળાવની ડિઝાઈન શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. રાજાશાહી વખતમાં તળાવની આસપાસ વાવ, કૂવા તથા નહેરોનું સુવ્યવસ્થિત માળખું રખાયું હતું, જે વિષય આબોહવામાં પણ જળાશયોના પાણી સાચવી રાખવા સક્ષમ હતું, પરંતુ સમય જતા શહેરના આધુનિક માળખાકિય વિકાસમાં જળ વ્યવસ્થાની કાર્યક્ષમતાને હાનિ પહોંચતા પાણી માટે સ્વાવલંબી ભુજ શહેર આજે પાણી માટે નર્મદાના નીર પર જ નિર્ભર બની ગયું છે. ભુજની ૪પ૦ વર્ષ જૂની ઐતિહાસિક જળ વ્યવસ્થા ખોરવાઈ જવાનો વસવસો આજે દરેક ભુજવાસીને થઈ રહ્યો છે.
ભુજના પ્રબુદ્ધ નાગરિક અને જાણીતા પક્ષીવિદ્દ નવિનભાઈ બાપટના જણાવ્યા અનુસાર રાજાશાહીના વખતમાં ભુજમાં રચાયેલી જળ વ્યવસ્થા જેવી વ્યવસ્થા આખા રાજ્યમાં ક્યાંય નથી. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની આસપાસ અન્ય પાંચ તળાવો સાથે ભુજ શહેર અને તેની આસપાસ કુલ ૪ર તળાવો આવેલા છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે ૪ર પૈકીના ૩૦ તળાવ સરકારી ચોપડે નોંધાયેલા જ નથી. આ તળાવોનું સર્વે કરી તેની નોંધણી સરકારી દફતરે થાય તે માટે તેઓ છેલ્લા ર૦ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. જળ સ્નેહ સંવર્ધન સમિતિ સાથે સંકળાયેલા શ્રી બાપટ કહે છે કે, પાણી એ માત્ર મનુષ્યની જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ સર્વેને માટે જરૂરી છે. જળ છે તો જ જીવન છે તેથી જળ સંરક્ષણ માટે માત્ર સરકારે જ નહીં, લોકોએ પણ વિચારવું જ રહ્યું. ભુજના ત્રિમંદિર સામે આવેલ એક તળાવમાં દબાણકારોએ પેશકદમી કરવાની કોશિશ કરી હતી, જેને સરકારમાં રજૂઆતો કરી નિષ્ફળ બનાવવામાં આવી હતી. આ તળાવને ભાડા હસ્તક લઈ તેના સંવર્ધનની સરકારે ખાતરી આપી હતી, પરંતુ ને દિશામાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. રાજ્યની સર્વશ્રેષ્ઠ જળ વ્યવસ્થા ધરાવતા ભુજ શહેરની પ્રવર્તમાન જળ વ્યવસ્થાને નિહાળી દરેક ભુજવાસીને દુઃખ થાય છે. રાજશાહી વખતથી ભુજને જે જળાશયોની ભેટ મળી છે તેનું સંવર્ધન કરવામાં આવે તો ફરી એક વખત ભુજ શહેર પાણી મુદ્દે સ્વાવલંબી બની શકે છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની જળ વ્યવસ્થાની વિશેષતા એ હતી કે જ્યારે ભુજમાં પાણીની અછત સર્જાય અને હમીરસર તળાવ સૂકાઈ જાય ત્યારે તેને ભર ઉનાળે ભરી શકાય તેવી વ્યવસ્થા ભુજ શાસકો દ્વારા કરવામાં આવી હતી. પશ્ચિમે આવેલા અન્ય તળાવમાં જે સંગ્રહિત પાણી હોય તેને ર૪ કૂવાઓની આવ મારફતે તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી. એટલું જ નહીં અનેક કૂવા, શહેરની આસપાસ નાના-મોટા જળાશયો અને કેનાલ થકી ભુજ શહેરની જળ વ્યવસ્થા સચવાયેલી હતી, જે વિકાસની આંધળી દોટમાં આજના આધુનિક શહેરમાં લુપ્ત થઈ ગઈ છે અને આજે ભુજવાસીઓ પાણી માટે એકમાત્ર નર્મદાના નીર પર આધારીત બની ગયા છે.

Comments