અબડાસાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી બિનવારસુ ચરસના ૧૦ પેકેટ મળ્યા
ચોમાસા પછી પહેલી વખત દરિયા કિનારે તણાઈને આવેલા પેકેટો મળી આવ્યા
ભુજ : સામાન્ય રીતે જુન-જુલાઈથી કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠે પાકિસ્તાન તરફથી તણાઈને આવતા બિનવારસુ ચરસ, કોકેઈન, એમડી સહિતના ડ્રગ્સના પેકેટો મળી આવે છે ત્યારે આ વખતે ભર ઉનાળે પેકેટ મળી આવ્યા છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ જખૌ મરીન અને એસઆરડીના જવાનો દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સૈયદ સુલેમાનપીર ટાપુ પર પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. જેમાં બિનવારસુ ચરસના ગુલાબી કલરના ૧૦ પેકેટ હતા. જેના પર અંગ્રેજીમાં ઝમન અને ૧ર૦૦ ગ્રામ વજન હોવાનું લખેલું છે. પોલીસે આ ચરસના પેકેટ કબજે કરી નોંધ દાખલ કરી છે. મહત્ત્વનું છે કે, આ ચરસના પેકેટ એકદમ ચૂસ્ત રીતે પેક કરવામાં આવે છે અને મોટે ભાગે પાકિસ્તાન તરફથી આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે અને ભારતીય સિમામાં એજન્સીઓને જોઈ પાકિસ્તાની પેડલરો આ ચરસના પેકેટ દરિયામાં ફેકી દે છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાનપીર, શેખરણપીર સહિતના ટાપુઓ ઢાળવાળા હોવાથી પેકેટ તણાઈને કિનારા પર આવે છે અને એજન્સીઓને મળી આવે છે. અવાર-નવાર અહીં પેકેટ મળતા હોવાથી ૧૪ જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં સામાન્ય નાગરિકોને પેકેટ મળ્યા બાદ તેનું છુટક વેચાણ કરાયું હોવાના મામલા પણ અગાઉ સામે આવી ચૂક્યા છે.

Comments