સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર ભુજના કકલ બંધુઓ સામે બેનામી મિલ્કતનો ગુનો
ગાંધીનગરીના ત્રણ ઠગબાજોએ ગેંગ બનાવી નિર્દોષ લોકોને શિશામાં ઉતારી છેલ્લા ૧૦ વર્ષમાં ૧.ર૩ કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો વસાવી : ૩૬ ગાય-ભેંસ પણ રાખી હતી
ભુજ : સમગ્ર દેશમાં સસ્તા સોનાના નામે અને એક લાખના ત્રણ લાખ આપવાની લાલચ આપી ઠગાઈના ગુનાને અંજામ આપવામાં અંતે ભુજનું કનેકશન સામે આવતું હોય છે. ભુજના ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા ફેસબૂકમાં ખોટું નામ ધારણ કરી સસ્તામાં સોનું આપવાનું કહીં સામેવાળાને ભુજ બોલાવી રૂપિયા પડાવી સોનું આપવામાં આવતું નથી. ઢગલાબંધ ફરિયાદો દાખલ થઈ છે. જોકે, ફરિયાદ થાય, આરોપી પકડાય, બાદમાં છુટી જાય અને ફરી ગુનો આચરે છે. આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે ત્યારે હવે અંતે કકલ ગેંગ સામે બેનામી મિલ્કતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ભુજ એલસીબીના પીઆઈ સંદીપસિંહ ચૂડાસમાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ પ્રમાણે ઠગાઈ કરનારા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી અને જેના આધારે પીએસઆઈ હિતેશકુમાર જેઠીએ એ-ડિવિઝન પોલીસમાં સરકાર તરફે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત અહેવાલ પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન આ બેનામી મિલ્કત વસાવવામાં આવી હતી. એરપોર્ટ રોડ પર આવેલ રૂદ્ર રેસિડેન્સીમાં રહેતા જુસબ વલીમામદ કકલ, ગાંધીનગરીમાં રહેતા હુશેન વલીમામદ કકલ, દિલાવર વલીમામદ કકલ સામે ફરીયાદ કરવામાં આવી છે. આરોપીઓ ત્રણેય સગા ભાઈઓ છે અને એક બીજા સાથે મળી ગેંગ બનાવી ભુજ તેમજ મુન્દ્રા વિસ્તારમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરવા સાથે ધાકધમકી કરી જમીન પચાવી પાડવા સહિતના ગુનાઓને અંજામ આપ્યો છે. આ પ્રમાણે છેતરપીંડી કરીને તેઓએ ર૬/ર/ર૦૧૪ થી ૧૯/૬/ર૦ર૪ દરમિયાન પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા વધુ મિલકત વસાવી છે. જુસબ કકલે પપ,ર૮,૮૦૦, હુશેન કકલે ૬૭,૮૭,ર૦૦ અને દિલાવર કકલે ૬૦ હજાર મળી કુલ ૧,ર૩,૭૬,૦૦૦ હજારની સ્થાવર તથા જંગમ મિલ્કતો પોતાના અને કુટુંબીજનોના નામે ખરીદી હતી. આ ઉપરાંત હુશેન કકલે ૩૬ ગાય-ભેંસ રાખી હતી. જેના આધાર-પુરાવા માંગતા તે આપી શક્યો ન હતો. જેથી એ-ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે ગેંગ બનાવી બેનાવી મિલ્કત વસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
...............
ત્રણ લાખના નવ લાખની ખુલ્લી ઓફર : ઇન્સ્ટાગ્રામમાં રિલ્સ વાયરલ
ભુજ : એક તરફ સસ્તા સોનાને એક લાખના ત્રણ લાખ કહીં ઠગાઈને અંજામ આપતા ઈસમો સામે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં ત્રણ ગણા રૂપિયાની લાલચનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં બનાવેલી આઈડીના બાયોમાં લખવામાં આવ્યું છે કે, ત્રણ લાખના ૯ લાખ હાથો હાથ આપવામાં આવશે. લોકેશન કચ્છ ગાંધીધામ બતાવાયું છે અને વોટ્સએપ કોલના નંબર પણ લખવામાં આવ્યા છે. ઉપરાંત આ આઈડીમાં પોસ્ટ કરવામાં આવેલ અલગ અલગ સાત વીડિયોમાં મોટી પેટીઓમાં પ૦૦ ની નોટોના બડલ છે અને બે લાખના છ લાખ, પાંચ લાખના ૧પ લાખ, ૧૦ લાખના ૩૦ લાખ જેવી ઓફર રાખવામાં આવી છે અને વીડિયોમાં કચ્છ ભુજ લોકેશન રહેશે તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. આ પ્રમાણે લોભામણી જાહેરાત રાખી વીડિયો પોસ્ટ કરી ઠગાઈ કરવાનો ઈરાદો રાખવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થવા છતા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા અનેક તર્કવિતર્કો વહેતા થવા પામી રહ્યા છે. મહત્ત્વનું છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થતા ગુજરાત પોલીસ દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે.

Comments