કચ્છના ખનીજ ચોરો પાસેથી અધધધ ૪પ.૮૦ કરોડના દંડની વસુલાત બાકી
ખનીજ ચોરીના કિસ્સાઓ પકડાયા બાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ વસુલાતમાં જવાબદાર તંત્ર વાહકોની ઉદાસીનતા - ઢીલી નીતિ ખુલ્લી પડી : વીતેલા ત્રણ વર્ષમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ૭૩૭ ખનિજચોરોને ફટકારાયો દંડ
ભુજ : ભૌગોલિક રીતે આગવી વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લા પર કુદરતે અપાર સ્નેહ વરસાવ્યું છે. જિલ્લાના પેટાળમાં ખનિજોનો અંબાર ધરબાયેલો હોઈ ખાણ ખનિજ ઉદ્યોગ વર્ષોથી ફુલ્યો ફાલ્યો છે. આ તકનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી ખનિજ ચોરો બેફામ બન્યા છે. ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ચારેકોર ખનિજ ચોરી થઈ રહી છે. ખનીજ ચોરીના કિસ્સાઓ પકડાયા બાદ તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જવાબદાર તંત્ર વાહકોની ઉદાસીનતાના કારણે કચ્છમાં ખનીજ ચોરો પાસેથી કરોડોનો દંડ વસુલવાનો બાકી હોવાથી તંત્રની ઢીલી નીતિ ખુલ્લી પડી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છમાં સાદી રેતી, માર્બલ, વ્હાઇટ ક્લે, બેન્ટોનાઈટ, બોકસાઈડ, લેટેરરાઈટ, ચાઈના ક્લે, ફાયર ક્લે, લાલમાટી, ડોલોમાઇટ, કંકર, બિલ્ડીંગ સ્ટોન, બ્લેકટ્રેપ, કાર્બોશેલ સહિત અન્ય ખનિજની ધૂમ ચોરી થઈ રહી છે. ખાણ ખનિજ વિભાગ ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ખનિજ માફિયાઓને જાણે સરકારનો ડર રહ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં તંત્રની લાપરવાહી ખુલ્લી પડી છે. કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ૭૭૩ ખનીજ ચોરીના કેસો નોંધાયા છે. જે પૈકી ખનિજ ચોરો પાસેથી કચ્છ પૂર્વમાં ૧૭,૭૪પ લાખ અને કચ્છ પશ્ચિમમાં ર૮,૦૬૧ લાખનો દંડ વસુલવાનો બાકી રહ્યો છે. જો તંત્ર આ દિશામાં કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીને મોટો લાભ થઈ શકે સાથે આ રકમ જિલ્લાના વિકાસ માટે પણ ઉપયોગી બની શકે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે તો ખનિજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરીમાં મસ્ત છે. ટૂંકમાં આ બધુ ભ્રષ્ટ અધિકારી અને ખનિજ માફિયાઓના મેળાપિપણામાં ચાલી રહ્યું છે. નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, પરિણામે ખનિજ માફિયાઓને મોકળુ મેદાન મળી રહ્યું છે.
પરંતુ સવાલ એ છે કે, જો ખનિજનો આટલો વિશાળ જથ્થો પકડાયો હોય તો પછી પાછલા બારણે કેટલી ખનિજ ચોરી થતી હશે તેની કલ્પના કરવી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક ગામના સરપંચો, તાલુકા - જિલ્લા પંચાયતના સભ્યો રેતી ચોરીના મુખ્ય ધંધાર્થીઓ હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. હિટાચી, જેસીબી, લોડર સહિતની મશીનરી દ્વારા રાત - દિવસ રેતી ચોરીની પ્રવૃતિ ચાલતી હોઈ આ ગેરકાયદે ખન્નનની કામગીરી સ્થાનીકોને તો નજરે ચડે છે પરંતુ તંત્રને મોતિયો થયો હોઈ સમ ખાવા પુરતી કાર્યવાહી કરી
સંતોષ માની લેવામાં આવે છે. કચ્છમાં ખનીજ ચોરોને અંકુશમાં લાવવા ખાણ ખનિજ વિભાગ ઉપરાંત પોલીસ, વનવિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો જિલ્લામાં બેફામ બની ગયેલી ગેર પ્રવૃતિ પર લગામ લાગી શકે તેવું જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે.

Comments